વસીમનામા, કાશ્મીરધારાઃ ખોટી વાત, ખોટો ઉપદેશ નખ્ખોદ વાળવાનું કામ કરે છે

Published: Jul 03, 2019, 11:34 IST | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ? | મુંબઈ ડેસ્ક

કામને ઈશ્વર માનો અને કામને જ આરાધ્ય સમજીને જીવન જીવો. આવશે, ઈશ્વર કે અલ્લાહની નજીક જવાનો સમય પણ આવશે, પરંતુ જો કામને તરછોડીને એ કરવા ગયા તો ભગવાન પણ તમને પાસે આવવા નથી દેવાનો.

ઝાયરા વસીમ (ફાઇલ ફોટો)
ઝાયરા વસીમ (ફાઇલ ફોટો)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફેમ ઝાયરા વસિમ પંદર-સોળ વર્ષની ઉંમરે હવે ફરી પાછી બૉલીવુડ છોડીને પોતાના વતન એવા કાશ્મીર જવાની છે. ઝાયરાને એવું લાગતું હતું કે બૉલીવુડે તેને અલ્લાહથી દૂર કરી દીધી છે. બૉલીવુડને કારણે જો અલ્લાહ દૂર થતા હોય તો એ તેને મંજૂર નહોતું અને એટલે જ તેણે બૉલીવુડ છોડવાનું ફાઇનલ કરી લીધું. આ વિચારધારા સોળ વર્ષના બચ્ચાની નથી, આ વિચારધારા ટીનેજરની નથી અને આ વિચારધારા કોઈ આસ્તિકની નથી. આ વિચારધારા કાશ્મીરની ખીણમાં રહેતા અલગાવવાદી નેતાઓના મનની ઉપજ છે અને આ વિચારધારા ક્યાંક અને ક્યાંક દુનિયાભરમાં લોકો વચ્ચે લક્ષ્મણરેખા આંકનારા મૌલવીઓની છે. કામ કરવાથી અલ્લાહ દૂર થાય એવું ધારી જ કેમ શકાય, એવો વિચાર પણ મનમાં કેમ આવે કે હવે હું કામ નહીં કરું, પણ અલ્લાહની બંદગી કરીશ. એ પણ એવી ઉંમરે જે ઉંમરે તમારા મનમાં વિચારોને બદલે સપનાંઓ વધારે હોય. એવી ઉંમરે જે ઉંમરે તમારા મનમાં તર્કને બદલે તુક્કાઓનું ઘોડાપૂર ઊમટતું હોય. ઝાયરાએ જે નક્કી કર્યું એ તેને મુબારક, પણ તેની આ વિચારધારા સાથે એ તો સ્પષ્ટ થાય જ છે કે આ જ રીતે કાશ્મીરમાં કુમળી માનસિકતા ધરાવતા લોકોના મગજમાં ખાસ પ્રકારના વિચારો રોપવામાં આવે છે.

યાદ રાખજો, તમે આતંકવાદીઓને સજા આપી શકો પણ આતંકવાદ ફેલાવવાની જે વિચારધારા છે, માનસિકતા છે એને બદલવાનું કામ સજા નથી કરી શકતી. એ કામ લાંબા ગાળાનું છે, પણ કરવાની જરૂર એ કામની છે. કાશ્મીરમાં જો યુવાનોના મનમાં આ પ્રકારના ધીમા ઝેરનાં ઇન્જેક્શન ઉતારવામાં આવતાં હોય તો સૌકોઈ વિચક્ષણ વ્યક્તિઓએ સમજવું પડશે કે આજે શાંત દેખાતા કાશ્મીરમાં હજી પણ બેકાર બનાવવાનું કામ તો ચાલી જ રહ્યું છે. કર્મના સિદ્ધાંતોને છોડીને બેકાર બેસી, અલ્લાહને પૂજવાનું કામ કરવાનું જો કોઈ કહે તો મોઢામાંથી નકાર આવવો જોઈએ. કામ અલ્લાહ છે અને કાર્યપદ્ધતિ બંદગી છે એવું જ્યારે મનમાં ઠસાવવાનું હોય એવા સમયે તમે ઊગતી કરીઅરને ડામી દેવાની હરકત કરો એ જ દર્શાવે છે કે તમને વિકાસમાં રસ નથી, તમારી દુનિયા અલ્લાહથી શરૂ થઈ અલ્લાહ પર જ આવીને અટકી જાય છે. ભણવું, આગળ વધવું, સપનાંઓ સાકાર કરવાં અને દેશનું નામ રોશન કરવું એવા જાણે કે કાશ્મીરીઓનાં કોઈ સપનાં જ નથી, એવા કોઈ ખ્વાબ તેમના મનમાં આવતા જ નથી. જરા વિચાર તો કરો કે જેને કરીઅરની પહેલી જ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળે અને એ જ વ્યક્તિ એવું કહે કે ના, મારે તો અલ્લાહની નજીક જવું છે. આ વાત જ અકળામણ આપે છે. અલ્લાહની નજીક જવાની વાતથી નહીં, પણ કામને ઈશ્વર નહીં માનવાની માનસિકતાને લીધે. કામને ઈશ્વર માનો અને કામને જ આરાધ્ય સમજીને જીવન જીવો. આવશે, ઈશ્વર કે અલ્લાહની નજીક જવાનો સમય પણ આવશે, પરંતુ જો કામને તરછોડીને એ કરવા ગયા તો ભગવાન પણ તમને પાસે આવવા નથી દેવાનો.

આ પણ વાંચો : માનવાધિકારની ચર્ચાઓ ખૂબ કરી, માનવ તરીકેનાં તમારાં કર્તવ્યોનું શું?

સફળતા તેમને જ મળતી હોય છે જે સફળતાનું મૂલ્ય કરી જાણતું હોય. ઝાયરાએ સફળતાનું મૂલ્ય સમજવાની જરૂર હતી. જીવનમાં બહુ ઓછી વ્યક્તિઓને કેટલીક તક મળતી હોય છે. ઝાયરાને એ મળી, પણ કાશ્મીરી વિચારધારા વચ્ચે એ તકને તેણે અલ્લાહના નામે કરી દીધી. મારો એક જ સવાલ છેઃ શું અલ્લાહ આ વાતને સ્વીકારશે? સ્વીકારવી જોઈએ પણ ખરી?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK