ફિલ્મનું માર્કેટિંગ:બોલે એના બોર વેચાય અને અહીં તો આખી ફિલ્મ વેચવાની છે

22 July, 2019 10:07 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફિલ્મનું માર્કેટિંગ:બોલે એના બોર વેચાય અને અહીં તો આખી ફિલ્મ વેચવાની છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગુજરાતી ફિલ્મ એક તો ઓડિયન્સ આમ પણ નથી મેળવતી, થિયેટરોનાં સાંસાં છે અને અધૂરામાં પૂરું, એને ઓડિયન્સ સુધી પહોંચાડવામાં નથી આવતી. આ બધા વચ્ચે કેવી રીતે ફિલ્મ સુધી ઓડિયન્સ આવે, કેવી રીતે એ ટિકિટ ખરીદે અને કેવી રીતે એ ગુજરાતી ફિલ્મ જોવા જાય. આપણે ત્યાં પ્રોડ્યુસર એક બહુ મોટી વાત ભૂલી જાય છે કે ફિલ્મ ફ્લોપ જાય એની કાળી ટીલી ક્યારેય પ્રોડ્યુસર પર નથી લાગતી, એની કાળી ટીલી ફિલ્મના એક્ટર્સ અને ડિરેક્ટર પર લાગે છે. પ્રોડ્યુસર જાયન્ટ હોય, એનું નામ હોય તો એને અસર થાય, પણ એવું તો હજી ગુજરાતી પ્રોડ્યુસરોમાં બન્યું નથી એટલે એમનું નામ ડૂબવાનું કે એમના નામે કાળી ટીલી લાગવાની શક્યતા તો છે જ નહીં, પણ એક્ટર - ડિરેક્ટર વગર કારણે નંદવાઈ જાય છે.
માલ વેચવો પડે. એવી જ રીતે જેવી રીતે ટૂથપેસ્ટ, નૂડલ્સ વેચાય છે. કહેવું પડે દુનિયાને કે અમે આ લઈને આવીએ છીએ, તમે આવી જાવ. એક ફિલ્મ પાછળ છ-આઠ કે બાર મહિનાની મહેનત હોય છે અને વર્ષોની મહેનતની શાખ પણ એમાં જોડાયેલી હોય છે. પ્રોડ્યુસરે વાત સ્વીકારતાં અને સમજતાં શીખવું પડશે કે ફિલ્મ વેચવાનું કામ એનું નથી અને એની માટે બેસ્ટ માર્કેટિંગ કંપનીને રાખવી પડશે. તમે જુઓ, ગુજરાતી ફિલ્મો આજે એવી ખરાબ રીતે માર્કેટમાં મૂકવામાં આવે છે કે એવી રીતે તો કોઈ કોલસો વેચવા પણ ન જાય. મામાનો દીકરો પ્રિન્ટર હોય એટલે એને કામ આપી દેવામાં આવે. ફૈબાનો દીકરો એકાદ નાના છાપામાં નોકરી કરતો હોય એટલે મીડિયાનું કામ એને આપી દેવામાં આવે. પ્રોડ્યુસરના દીકરાનો ફ્રેન્ડ એફએમ રેડિયો સાથે જોડાયેલો હોય એટલે રેડિયો માર્કેટિંગમાં એ લાગી જાય. આવું પહેલાં પણ થતું હતું પણ પહેલાં કાસ્ટિંગની બાબતમાં એવું બનતું.
સ્કૂલમાં એકાદ નાટકમાં કામ કર્યું હોય એને પપ્પા હીરો બનાવી દે અને ફિલ્મમાં અમુક પર્સન્ટેજની પાર્ટનરશિપ કરી લે. દીકરીએ સ્કૂલમાં બે-ચાર ગીતો ગાયાં હોય એટલે એની પાસે ગીતો ગવડાવી લેવામાં આવે. કૉસ્ચ્યુમ ડિઝાઈનની સ્થાનિક સંસ્થામાં જોડાયેલી ભત્રીજી ડ્રેસ ડિઝાઈન સંભાળી લે અને ઘરમાં સારા ફોટા પાડતાં ભાણેજને સિનેમેટોગ્રાફર બનાવી દેવામાં આવે. એ જ કારણે ગુજરાતી ફિલ્મોની ઘોર ખોદાઈ ગઈ અને ગુજરાતી ફિલ્મ ખાડામાં ઘૂસી ગઈ. આપણે જો એવું ન થવા દેવું હોય તો આ વખતે માર્કેટિંગ બાબતમાં ધ્યાન રાખવું પડશે. માર્કેટિંગ એક ખાસ કામ છે અને એ કામમાં એના નિષ્ણાતો જ હોવા જોઈએ. આમ પણ એના પર પૈસા લાગ્યા છે, કરોડો લાગ્યા છે. એ જો પરત આવશે તો જ બીજી વખત ફિલ્મ બનાવવાનું મન થશે. દાન એક વાર હોય, લાગણી પહેલીવાર હોય. એ પછી તો ધંધામાં આવક અને જાવકને જ જોવાની હોય.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

માર્કેટિંગના અભાવે મરી ગઈ હોય એવી અનેક ફિલ્મોનો હિસાબ અત્યારે બોલે છે. ફિલ્મ સારી છે, મહેનત બધાએ પુષ્કળ કરી છે અને એ પછી પણ એ ફિલ્મ ઓડિયન્સ સુધી પહોંચી નથી. કારણ તો કહે, એક જ - માર્કેટિંગમાં કશું દાટ્યું નહોતું. નહીં થવા દો એવું, પ્લીઝ. ફિલ્મોને બચાવો. બજેટને એક વખત બરાબર જોઈ લો. કસો, કરકસર ગુજરાતીઓના લોહીમાં છે પણ તમે કોઈ જાયન્ટ સર્જન કર્યું નથી કે એની જાણ ન કરો તો ચાલે.

manoj joshi columnists