ફિલ્મ, તેનું માર્કેટિંગ: લગ્ન કરો છો તો 1 વાર કંકોતરી તો સૌને મોકલો ભાઈ

21 July, 2019 12:55 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફિલ્મ, તેનું માર્કેટિંગ: લગ્ન કરો છો તો 1 વાર કંકોતરી તો સૌને મોકલો ભાઈ

મેરે દિલમેં આજ ક્યા હૈ?

યાદ રાખજો, આ વાત કોઈ એકલદોકલને લાગુ નથી પડતી, પણ સૌકોઈને લાગુ પડે છે. લગ્ન હોય, ઘરે પ્રસંગ હોય એવા સમયે બધાને બોલાવવા, બધાને જાણ કરવી એ તમારી ફરજ છે અને ફરજ ભૂલ્યા વિના પૂરી કરવી પડે. ધારો કે તમારું બજેટ નથી, તમે જમણવાર રાખવાના નથી તો પણ જાણકારી તો બધા સુધી પહોંચવી જ જોઈએ કે તમારાં લગ્ન થઈ ગયાં. અન્યથા બને એવું કે મારા જેવો તમારા ઘરે આવીને તમારાં ધર્મપત્ની દરવાજો ખોલે એટલે હું માફી માગીને પાછો ચાલ્યો જાઉં. એવું ધારીને કે હું તો કોઈ ભળતા જ ઘરમાં આવી ગયો. જો કોઈને ઘરેથી પાછા ન કાઢવા હોય અને જો ઇચ્છા હોય કે કોઈ તમારા મહેમાન બને તો તમારે તમારા જીવનમાં આવેલી આ મંગલ ઘડીની જાણકારી પહોંચાડવી જ પડે. લોકો ખુશ થાય અને ઘેરબેઠાં આશીર્વાદ આપે, પણ આ આશીર્વાદ માટે પણ તમારે માહિતી આપવાની આ સજાગતા કેળવવી પડે.
આટલી સામાન્ય વાત, આટલી સહજ વાત ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરોને નથી સમજાતી અને એને લીધે એવી હાલત થાય છે કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના માથે મસમોટી ફ્લૉપ ફિલ્મ ટકરાય છે. મારે કહેવું એ છે કે એક ફ્લૉપ ફિલ્મ ઓછામાં ઓછા પાંચ પ્રોડ્યુસરના પગ પાછા ખેંચાવડાવી લે છે. એ દૃષ્ટિએ આવું કામ કરનારા અને આવી ભૂલ કરનારા પર આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની બદદુઆ લાગે છે.
જરા વિચાર તો કરો સાહેબ, દોઢ-બે કરોડના ખર્ચે બનેલી ગુજરાતી ફિલ્મ રિલીઝ થતી હોય અને એ ફિલ્મની કોઈને ખબર પણ ન હોય તો કેવી ખીજ ચડે. જરા વિચાર તો કરો, ધમધોખતા તાવ વચ્ચે તમે ફિલ્મનું અડધું શૂટિંગ પૂરું કર્યું હોય અને એ પછી પણ તમારી ફિલ્મને જોવા માટે ઑડિયન્સ થિયેટર સુધી ન પહોંચે ત્યારે કેવી માનસિક હાલત સર્જાય. તમે કારણ જાણો તો ખબર પડે કે ફિલ્મનું માર્કેટિંગ જ કરવામાં નહોતું આવ્યું ત્યારે એવા સમયે તમને કેવી ખીજ ચડે? આવી હાલત આજની ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની છે. ગુજરાતી ફિલ્મો બની જાય છે, દિલથી ખર્ચો પણ કરવામાં આવે છે અને સારા ઍક્ટરોને પણ લેવામાં આવે છે, પણ એમ છતાં ફિલ્મના માર્કેટિંગની વાત આવે ત્યારે પાણીમાં બેસી જાય છે.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

જવાબ આવે છે, બજેટ હવે બચ્યું નથી. ભલામાણસ, આ કંઈ જવાબ છે. કોકાકોલા પોતાની પ્રોડક્ટ બનાવ્યા પછી એટલા જ પૈસા એના માર્કેટિંગ માટે શું કામ ખર્ચે છે એટલું સામાન્ય જ્ઞાન પણ જો તમારામાં ન હોય તો તમારે ફિલ્મ પણ ન બનાવવી જોઈએ અને કાં તો ફિલ્મ બનાવતાં પહેલાં જ આ બાબતનો વિચાર કરી લેવો જોઈએ, જેથી તમને ખબર પડે કે માર્કેટિંગ પણ બહુ મહત્ત્વનું અંગ છે. આજે ફિલ્મના પ્રમોશન સમયે જ લોકો સુધી ફિલ્મ પહોંચે છે, પણ જો તમે લોકો સુધી ફિલ્મ પહોંચાડશો જ નહીં તો પછી કેવી રીતે ઑડિયન્સ એ ફિલ્મ જોવા થિયેટરમાં આવશે? એવી અપેક્ષા પણ તમે કેવી રીતે રાખી શકો? કંકોતરી ન મળે તો કોઈ લગ્નમાં હાજરી આપવા પણ આવતું નથી, અહીં તો તમારે તેને બોલાવીને તેના ખિસ્સામાંથી પૈસા કઢાવીને ટિકિટ ખરીદાવવાની છે અને એ કામ માટે પણ તમે ગંભીર નથી. શરમ આવવી જોઈએ તમને.

manoj joshi columnists weekend guide