મોદીની વાઇલ્ડ લાઇફ અને વાઇલ્ડ લાઇફના મોદીઃ ગુજરાતીઓને ગર્વ અપાવે છે

14 August, 2019 11:27 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મોદીની વાઇલ્ડ લાઇફ અને વાઇલ્ડ લાઇફના મોદીઃ ગુજરાતીઓને ગર્વ અપાવે છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો તમને નરેન્દ્ર મોદી માટે કોઈ પ્રૅજ્યુડાઇસ ન હોય, જો તમને નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની નુકતેચીની કરવાની આદત ન હોય અને જો તમે રાષ્ટ્રભક્તિમાં અથાગ વિશ્વાસ ધરાવતા હો તો અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે એમાં એકેક દિવસ ગુજરાતીઓને ગર્વ આપનારો, ગર્વ લેવાનો છે. એક ગુજરાતી વડા પ્રધાન બનીને દેશના સાત દાયકા દરમ્યાન જે પ્રશ્ન ઉકેલાયો નહોતો એને ઉકેલી નાખે એનાથી બીજું રૂડું શું હોઈ શકે? નરેન્દ્ર મોદી જ નહીં, અમિત શાહ પણ ગુજરાતી છે અને કાશ્મીર પ્રશ્નનું સૉલ્યુશન આ બે મર્દનાં ફાડિયાં લઈ આવ્યાં છે. ગુજરાતીઓ આનંદો, આ અને આવાં કામ બીજું કોઈ નહીં, એક ગુજરાતી જ કરી શકે એ વાતને ગાઈ-વગાડીને કહેવાનો સમય આવી ગયો છે.

ગુજરાતી એટલે બિઝનેસ કમ્યુનિટી, આવું માનનારાઓ અત્યારે આપણા દેશના વડા પ્રધાનને જોઈ લે, નીરખી લે તો તેને સમજાઈ જશે કે ગુજરાતી એટલે માત્ર બિઝનેસ નહીં, ગુજરાતી એટલે સર્વગુણ સંપન્ન. સોમવારે રાતે ડિસ્કવરી ચૅનલ પર આવેલો ‘મૅન વર્સસ વાઇલ્ડ’નો એપિસોડ જોઈ લો તમે, તમને સમજાઈ જશે કે ગુજરાતી કેવો હોય અને ગુજરાતીપણું કેવું હોય. નરેન્દ્ર મોદીને એકેક ગુજરાતી નજીકથી જાણે છે એટલે સૌકોઈને ખબર છે કે તેમને માટે જંગલનું જીવન એ કોઈ નવી વાત નથી. મોદીની વાઇલ્ડ લાઇફ તેમના નિર્ણયોમાંથી સ્પષ્ટપણે દેખાય છે અને વાઇલ્ડ લાઇફના મોદીની આછીસરખી ઝલક સોમવારે રાતે સૌકોઈને જોવા મળી. આ બન્ને મોદી એકબીજાથી બિલકુલ વિપરીત છે, પણ તેમનો જન્મ તો વાઇલ્ડ લાઇફમાંથી જ થયો છે.

‘મૈં મુઝે મિલને જા રહા હૂં.’
વેકેશન પર જતી વખતે નરેન્દ્ર મોદી હંમેશાં આવું કહેતા આવ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ વેકેશન લે છે ત્યારે તેમણે કુદરતના ખોળે જવાનું પસંદ કર્યું છે. કુદરતનું જેને પણ આકર્ષણ રહ્યું છે તે હંમેશાં પોતાને અંદરથી શાંત અને સરળ પામ્યા છે. આપણે ત્યાં વેકેશનની વ્યાખ્યા સાવ જુદી આંકવામાં આવે છે. આ વિષય પર આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું, અત્યારે મુદ્દો મોદી છે અને આપણે તેમના વિશે વાત કરવાની છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ જંગલમાં વેકેશન કરવા ગયા છે ત્યારે તેઓ પોતાની સાથે માત્ર દોરી અને લોટો લઈને જાય છે. પાણી પીવાની વ્યવસ્થા કરવી પડે તો એવા હેતુથી. એ સિવાય તેમની પાસે કશું હોતું નથી. જો તેમનું ચાલે તો એ લોટો પણ સાથે લઈ ન જાય. આવું કર્યું પણ છે તેમણે અનેક વાર, ખાલી હાથે જવાનું અને ખાલી હાથે જ વેકેશન માણવાનું. વેકેશનની એ મજા અનોખી એટલા માટે હોય છે કે એ ફ્રી સમયગાળો તમને, તમારી સાથે રાખવાનું કામ કરે છે. તમારા કામનું મૂલ્યાંકન તમે જ કરો અને તમારી ભૂલોમાંથી નવેસરથી ઘડતર પામવાનું કામ પણ તમે જ કરો. આ કાર્ય કરવાની પણ ક્ષમતા હોવી જોઈએ. જો તમે એ ન કરી શકતા હો તો માનવું કે તમને તમારી જ કંપની ગમતી નથી. જરા વિચારો કે જો તમને તમારી જ કંપની ન ગમતી હોય તો દુનિયાને કેવી રીતે તમારો સંગાથ ગમી શકે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

જગતને ગમે એવા થતાં પહેલાં તમે, તમને ગમો એવા થવાનો પ્રયાસ કરો, અનિવાર્ય છે.

manoj joshi columnists