યૉર અવર: મોબાઇલને તમારી આદત ન બનવા દેવું હોય તો આ ઍપ જોઈ લેજો

24 June, 2019 10:12 AM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

યૉર અવર: મોબાઇલને તમારી આદત ન બનવા દેવું હોય તો આ ઍપ જોઈ લેજો

પ્રતીકાત્મક

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, જેમ સિગારેટ પીવી, દારૂ પીવો, ગુટકા કે ડ્રગ્સના સેવનની લત લાગવી એવી જ રીતે મોબાઇલની પણ લત હોય છે અને આજે એ બધાને લાગી ગઈ છે. સમયાંતરે અમુક ગૅજેટ્સ એવાં આવે છે ખરાં જે તમને લત લગાડવાનું કામ કરી જાય છે. એક સમય હતો દસેક વર્ષ પહેલાં, એ સમયે ટીવીની લત ખરાબ રીતે લાગી ગઈ હતી. એવું લાગે કે જો ટીવી પર બૅન આવી જાય તો ઘરના એકેક સભ્ય એવી રીતે આળોટે જેવી રીતે ચરસના બંધાણીને ચરસ ન મળે અને એ તડપે. ટીવીની લતમાંથી છુટકારો મળ્યો અને એ પછી આવ્યો મોબાઇલ. આ મોબાઇલની લત વહેલી તકે છૂટે એવું લાગતું નથી અને એને માટેનાં અનેક કારણ છે. મોબાઇલની સાઇઝ અને જરૂરિયાત એ સ્તર પર વધી ગઈ છે કે તમે એને મૂકી નથી શકવાના. મારા જેવા કે મારા જેવા બીજા લોકોના કહેવાથી પણ તમે એ છોડી નથી શકવાના. આ વળગણથી છૂટવાની જરૂર નથી, પણ એને વળગણના રૂપમાંથી કાઢીને જરૂરિયાતનો સ્વાંગ આપી શકાય તો પણ ઘણું છે.

જ્યારે જીવન આખું મોબાઇલ આધારિત બની ગયું છે ત્યારે તો ખાસ. નજીકમાં કયું એટીએમ છે એ શોધવું હોય તો પણ મોબાઇલ સૂઝે છે અને ટાઇમપાસ કરવા માટે પણ મોબાઇલ સૂઝે છે. જમવાનું શું બનાવું એ પ્રશ્ન પૂછવા માટે પણ મોબાઇલમાં રહેલી વૉટ્સઍપ યાદ આવે છે અને એવું જ બીજાં બધાં કામોમાં છે. મનમાં જન્મતા કોઈ પણ સવાલનો જવાબ પણ હવે મોબાઇલમાં રહેલું ગૂગલ આપે છે. આ પરાવલંબિતા જોખમી છે અને એનું જોખમ કેવું એ જાણવું હોય તો મોબાઇલ પર જ એક ઍપ આવી છે. નામ છે એનું ‘યૉર અવર’ એટલે કે Your Hour.

આ મોબાઇલ-ઍપ્લિકેશન અત્યારે વીઆઇપી કૅડરના જે ગણાય એ સૌમાં ખૂબ પૉપ્યુલર બની છે અને એનું કારણ એ પણ છે કે તેમની આંખો ખુલ્લી રહી છે. દિવસના ૪૦ કલાક અને એ ૪૦ કલાકમાંથી ૧૨ કલાક જાગ્રત અવસ્થાના, એમાંથી પણ ૬-૭ કે ૮ કલાક તમે મોબાઇલને આપતા હો તો તમારા ફૅમિલીની ફરિયાદ જરા પણ ખોટી નથી કે તમે મોબાઇલમય બની ગયા છો. આ ઍપ્લિકેશનનો એક વાર અભ્યાસ કરજો. એ તમને રજેરજ માહિતી આપી દે છે અને એ માહિતી આપવાની સાથોસાથ એ તમારા મોબાઇલના વપરાશ પર નજર રાખવાનું કામ પણ કરે છે. તમે કેટલી વખત શું કર્યું, કેટલી વખત વૉટ્સઍપ પર ગપ્પાં માર્યાં અને કેટલી વખત તમે યુટ્યુબ પર પડ્યાપાથર્યા રહ્યા એ પણ તમને આ ઍપ જાણ કરે છે અને જો તમે ઇચ્છતા હો કે તમારા આ દુરુપયોગ પર એ નજર રાખીને તમને ચેતવણી પણ આપે તો તમે એ કામ પણ કરી શકો છો અને ઍપ્લિકેશનના વપરાશ માટે સેટ કરેલા ટાઇમિંગ પર એ તમને ચેતવણી પણ આપે છે. આખો દિવસ પૂરો થયા પછી એ તમારા મોબાઇલ વપરાશના આધારે તમે જોખમના કયા સ્ટેજ પર છો એની જાણકારી પણ આપે છે અને એનો રિર્પોટ તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

આ પણ વાંચો : માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહિ, જીવતાં મારી જગતને ખોટ વરતાયા કરે

છેલ્લે ખાસ એક વાત કહેવાની, Your Hourની આ જે વાત થઈ છે એ વાત પછી ધારો કે તમને આવી કોઈ ઍપની જરૂર ન હોય તો તો એ સર્વોત્તમ છે. તમે જાતે જ તમારા મોબાઇલ વપરાશ પર કાબૂ મૂકી શકતા હો તો એનાથી ઉત્તમ બીજું કશું નથી અને ધારો કે તમે એવું ન કરી શકતા હો તો તમારી પાસે હવે હાથવગું આ હથિયાર છે. અજમાવી જુઓ એને અત્યારે જ.

manoj joshi columnists