મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન : મુદ્દાઓની શોધયાત્રા શરૂ, પણ...

15 June, 2019 10:34 AM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન : મુદ્દાઓની શોધયાત્રા શરૂ, પણ...

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઑક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું ઇલેક્શન આવશે, પણ આ વખતે લોકસભાની જેમ જ મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શનના મુદ્દે પણ મુદ્દાઓનો અભાવ દેખાઈ રહ્યો છે. છેલ્લા બે મહિનાથી દરેક પાર્ટીઓની બેઠકો ચાલી રહી છે. પાર્ટીઓની કૉર કમિટીની મીટિંગ પણ ચાલે છે અને સાથોસાથ સિનિયર નેતાઓ પણ આ કામ માટે કલાકો ખર્ચે છે, પણ કોઈ મુદ્દો એવો દેખાતો નથી જે વિધાનસભા ઇલેક્શનનું હૃદય બને અને એકેક વ્યક્તિ એ મુદ્દા પર જાગૃત થાય.

ચાણક્ય કહેતાં રાજનીતિ જ્યારે મુદ્દાવિહિન બને ત્યારે માનવું કે પ્રશ્નો દૂર થઈ રહ્યા છે.

એવું નથી કે મુંબઈ પાસે પોતાના પ્રશ્નો નથી. એવું નથી કે મહારાષ્ટ્ર પાસે કોઈ તકલીફો નથી, પણ દરેક તકલીફના નિરાકરણની એક આવરદા હોય અને એ આવરદા સુધી તમારે એ તકલીફોને ઘટતી જતી અવસ્થામાં જોતાં રહેવાની હોય. મુંબઈની વાત કરીએ તો અત્યારે ટ્રાફિકના પારાવાર પ્રશ્નો છે. રસ્તાઓની હાલત બિસ્માર છે પણ એ ત્યાં સુધી અકબંધ રહેશે જ્યાં સુધી મેટ્રોનું કામ પૂરું નહીં થાય અને મેટ્રોનું કામ, આપવામાં આવેલા સમય કરતાં પણ વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે એ સૌ જાણે છે. મેટ્રોના જે કોઈ અલગ-અલગ રૂટ બનાવવામાં આવ્યા છે એ રૂટ પર કામ ચાલી રહ્યું છે અને ચાલી રહેલાં એ કામને પૂરું થવામાં જેટલો સમય લાગવાનો હશે એટલો લાગશે પણ ખરો. આ તકલીફો ત્યાં સુધી સહન કરવાની છે. કારણ કે આ વિકાસની તકલીફો છે અને વિકાસની તકલીફ કાર્ય પૂરું થયા પછી મોટી સુવિધા ઊભી કરવાનું કામ કરી જાય છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો પાણીનો પ્રશ્ન ખૂબ મોટો છે, પણ એ પ્રશ્નને ઇલેક્શન સાથે સીધી કોઈ નિસ્બત નથી, કારણ કે પાણીનો આ પ્રશ્ન રાજકીય બેજવાબદારીને કારણસર નહીં પણ નબળાં ચોમાસાને કારણે જન્મ્યો છે. નબળાં ચોમાસા અને રાજનીતિને કોઈ સીધો સંબંધ નથી, પણ હા, વૉટર મૅનેજમેન્ટની કળા સત્તાધીશોમાં હોવી જોઈએ એ પણ એટલું જ સાચું છે. અત્યારે જે રીતે મહારાષ્ટ્ર અને મુંબઈમાં આ પ્રક્રિયા ચલાવી રાખવામાં આવે છે એ જોતાં આ મુદ્દો પણ ખાસ અસરકર્તા રહેતો નથી. તો મુદ્દો કયો, કયા મુદ્દા આધારિત વિધાનસભા ઇલેક્શન લડવું અને એમાં બહુમતી સાથે બહાર આવવું?

આ પણ વાંચો : નવરા નખ્ખોદ વાળે : એટલું ધ્યાન રાખજો, તમારો સમાવેશ આ કૅટેગરીમાં ન થાય

મુદ્દાવિહોણી લોકસભા હતી અને હવે મુદ્દાવિહોણી મહારાષ્ટ્ર વિધાનસભા દેખાઈ રહી છે. એમાં મારે, તમારે કે આપણે કોઈએ ગભરાવાની જરૂર નથી. કારણ કે આવી પરીક્ષાઓ થવી જોઈએ, સત્તા પર બેઠેલા સૌ કોઈ આવાં કર્મસંકટમાં મુકાવા જોઈએ. જો કર્મસંકટ આવશે તો જ એની માટેની લડત શરૂ થશે અને જો લડત થશે તો જ ખૂણેખાંચરે પડેલાં પ્રશ્નો પણ બહાર આવશે અને તો જ નાનામાં નાના માણસની વાત પણ ખાદીધારીઓના ધ્યાનમાં આવશે. મુદ્દાઓ ઓછા હોય એવા સમયે આવતું ઇલેક્શન સમયે થતું મતદાન લાગણીવશ બનીને નહીં પણ વાસ્તવિક બનીને કરવામાં આવતું હોય છે.

manoj joshi columnists maharashtra