ઘરમાં એવી કૅશ સાચવીને રાખો જેની ઘરના તમામ સભ્યોને ખબર હોય

22 June, 2019 09:52 AM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઘરમાં એવી કૅશ સાચવીને રાખો જેની ઘરના તમામ સભ્યોને ખબર હોય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો ૫૦ને ક્રૉસ કરી ગયા હો તો એક ખાસ કામ કરજો અને એ પણ તાત્કાલિક, વિલ બનાવીને રાખી દેજો. ખબર જ છે તમને, જ્યારે ધારો ત્યારે તમે એમાં ચેન્જિસ કરી શકો છો. વિલ બનાવવાનું નક્કી કરો તો પણ આગળ કહ્યાં છે એ બધાં કામો તો કરવાનાં જ છે અને એમાં કોઈ ભૂલ પણ કરવાની નથી. કોઈ ભૂલ નહીં, કોઈ તર્ક નહીં. નહીં તો પેલી ગુજરાતી કહેવત જેવું બનશે, ‘લોભિયાનું ધુતારા ખાય.’ તમે આખી જિંદગી ભેગું કર્યું અને તમારી ગેરહાજરીમાં તમારા પૈસા કોઈ ત્રાહિતને કામ લાગતા હશે. મુંબઈમાં ગુજરાતી, મારવાડી અને કચ્છીઓ ખાનગીમાં વ્યાજે પૈસા આપવાનું કામ કરતા હોય છે. ઓળખીતા-પાળખીતાને આપવામાં આવતી એ વ્યાજની રકમ વિશે ફૅમિલીમાં ખબર નથી હોતી. એમાં વાત છુપાવવાનો હેતુ નથી હોતો, પણ સામેની વ્યક્તિ વિશે ઘસાતું વિચારવામાં ન આવે એવો ભાવ હોય છે, પણ આ ભાવને મનમાં જ ધરબીને સારી ભાવના સાથે એવી વાતો પણ પરિવારના સભ્યોને ચૂક્યા વિના કહી દેવી. ગેરહાજરી, બસ આ એક શબ્દને યાદ રાખવાનો છે અને આ એક શબ્દને પ્રામાણિકતાથી વળગી રહેવાનું છે. તમારા જીવતાં તમારા માટે હેરાન થઈ રહેલા પરિવારના સભ્યોને જો તમે તમારી ગેરહાજરી પછી પણ દુખી કરવાના હો તો એનો કોઈ અર્થ નથી.

બીજું પણ એક સરસ કામ કરવાનું છે તમારે. બધી બૅન્કની ચેકબુકમાંથી બેત્રણ ચેક ફાડી, સિગ્નેચર કરીને એ ચેક વાઇફને આપી દેજો જેથી તેને બૅન્ક-અકાઉન્ટ ઑપરેટ કરવાનો સમય ન મળે કે કદાચ ગતાગમ ન પડે તો એ ઍટલિસ્ટ તાત્કાલિક અસરથી પૈસા કાઢી શકે. ધારો કે તમને કોઈ મેડિકલ ઇમર્જન્સી આવી તો એવા સમયે પણ તે આ ચેકનો ઉપયોગ તમારા માટે કરી શકે.

આ પણ વાંચો : ફેસબુક સિવાય તમામ એકાઉન્ટના આઇડી-પાસવર્ડ આપી દેવાના છે

કોણ બોલ્યું કૅશલેસ પૉલિસી? માન્યું કે હવે એ સિસ્ટમ આવી ગઈ છે, પણ ઇમર્જન્સીમાં તમને નજીકમાં નજીકની હૉસ્પિટલે જ લઈ જવામાં આવશે. ધારો કે ત્યાં કૅશલેસની કોઈ સિસ્ટમ નથી તો શું કરવાનું તમારું? ચિઠ્ઠી ફાટી જવા દેવાની તમારી? નાને, તો પછી આ કામ કરી લેવાનું અને વાઇફ પર વિશ્વાસ રાખવાનો. જગતમાં એક પણ વાઇફ એવી નથી કે તેના હાથમાં આ પ્રકારની સત્તા આવી જાય તો એ ઉછામણી કરવા માંડે. સ્ત્રીની એક ખાસિયત છે કે તે જેટલી વધારે શ્રીમંતાઈને જુએ એટલે વધારે કરકસર કરતી થઈ જાય. બેચાર ચેક સાઇન કરીને ઘરમાં રાખવા ઉપરાંત એક ચોક્કસ મર્યાદાની રકમ પણ ઘરમાં કૅશ રાખો. બે લાખ સુધીની રકમ કૅશ રાખવા પર તો મોદીસાહેબ પણ ગુસ્સો નથી કરતા. જો એટલી રકમ રહી શકે તો સારું, અન્યથા તમારે તમારી ઇમર્જન્સીને ધ્યાનમાં રાખીને જે યોગ્ય લાગતી હોય એ રકમ કૅશ રાખવી, પણ રાખવી એ નક્કી છે અને એની ઘરના સૌકોઈને ખબર હોય એવી તકેદારી પણ રાખવી. આ રકમ પણ જો સંતાડીને રાખશો તો તમારી જ ઇમર્જન્સીમાં પૈસા વિના તમારી ચિઠ્ઠી ફાટી શકે છે. છેલ્લી અને અગત્યની સૂચના, મોબાઇલમાં પાસવર્ડ નહીં રાખો. જો ખોટા ધંધા કરવા હોય તો ઘરે પહોંચતાં પહેલાં એમાંથી બધું સાફ કરી નાખો અને કાં તો એ ચોક્કસ ફૉલ્ડરને પાસવર્ડ પ્રોટેક્શનમાં મૂકો, પણ આખો મોબાઇલ પાસવર્ડ પ્રોટેક્શનમાં ન રાખો. તમારા ફોનથી કોઈને ફોન કરવાનો થશે ત્યારે ખોટી હેરાનગતિ તમારે જ ભોગવવી પડશે.

manoj joshi columnists