આઝાદી દિનઃબાળક રાષ્ટ્રધ્વજ વેચતો દેખાય તો લાંછન છે તમારા આ ઉત્સવપ્રેમને

15 August, 2019 02:00 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આઝાદી દિનઃબાળક રાષ્ટ્રધ્વજ વેચતો દેખાય તો લાંછન છે તમારા આ ઉત્સવપ્રેમને

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આઝાદી દિવસની આ શુભ સવાર છે, પણ આ સવાર કેટલી શુભ છે એ તમારે જ નક્કી કરવાનું છે. આઝાદીના સાત દશક પછી આપણને ગંદકી ખરાબ છે એવું સમજાવવાનો પ્રયાસ થાય છે અને આપણી સૌથી મોટી ચલણી નોટ એવી બે હજારની નોટ પર સ્વચ્છતા વિશે સંદેશ લખવો પડે છે. તમારે જ નક્કી કરવાનું છે કે આજે પણ, આઝાદીના સાત દશક પછી પણ તમને રાષ્ટ્રવાદ વિશે સમજાવવું પડે છે અને એટલે જ આજે પણ આઝાદી પર્વના પ્રસંગમાં આપણાં બાળકો સ્કૂલે જવાને બદલે મોડે સુધી સૂવાનું પસંદ કરે છે. આઝાદીનું આ મૂલ્યાંકન છે અને એ મૂલ્યાંકન જ દર્શાવે છે કે આપણે જાગૃત થવું જરૂરી છે. હું કહીશ કે, આજે જો તમે કોઈ ટ્રાફિક સિગ્નલ પર નાના બાળકને રાષ્ટ્રધ્વજ વેચતા જુઓ તો માનજો કે તમારા આ ઉત્સવ પ્રેમ પર એ અવસ્થા એક લાંછન છે. આ લાંછનને તમારે દૂર કરવાનું છે. કેવી રીતે એ તમારે જ નક્કી કરવાનું છે અને ક્યાંથી શરૂ કરવું એ પણ તમારે જોવાનું છે. એક વાત યાદ રાખજો, જે દેશનું ભાવિ રાષ્ટ્રધ્વજ વેચીને એક ટંકની રોટલી કમાવાની મહેનત કરતું હોય એ દેશનો વિકાસ ક્યારેય શક્ય નથી.

આઝાદી માણો પણ એ આઝાદીનું મૂલ્ય પણ સમજવાની કોશિશ કરો. આઝાદી એ હક હોઈ શકે, પણ એ હક ત્યારે જ મળે જ્યારે તમે એ માટેની શરતોનું પાલન કરતાં હો, પાલન કરવા માટે સક્ષમ હો. બચતના નામે આજે પણ ટૅક્સચોરી કરનારાઓનો તૂટો નથી. જો એવું ચાલુ રહેશે તો ક્યાંથી ભારતની ભાવિ પેઢી સુધી શિક્ષણ પહોંચશે, સારું ધાન ક્યાંથી પહોંચશે અને પીવાલાયક પાણી ક્યાંથી પહોંચશે? જરૂરી નથી હોતું કે દરેક તબક્કે તમે કોઈની પાસે અપેક્ષા રાખો. તમારી ફરજનું પાલન કરો, બીજો આપોઆપ એ ફરજની કતારમાં આવીને ઊભો રહી જશે, પણ જો તમે પગ નહીં ઉપાડો તો બીજો ક્યારેય પોતાની પૂંઠ સોફાસેટ પરથી ઊંચી નહીં કરે.

સાત દશક પછી આજે પણ આપણને રાષ્ટ્રભક્તિ શીખવવી પડતી હોય તો એનો સીધો અર્થ એવો નીકળે કે આપણે આઝાદીને લાયક નથી. સાત દશક પછી પણ જો આપણે આજે પણ જોહુકમી ચલાવતાં હોય તો એનો અર્થ એવો નીકળે કે આઝાદીનો મદ હજી પણ આપણા શિરેથી ઊતર્યો નથી. આઝાદીના સાત દશક પછી પણ જો આપણે રાજાશાહી ભોગવવાની માનસિકતા ધરાવતા હોય તો પુરવાર કરે છે કે આપણે લોકશાહીમાં રહેવાને લાયક નથી. લોકશાહી ક્યારેય નિયમ વિનાની ન હોય. લોકશાહીના પણ નિયમો છે અને લોકશાહીની પણ શરતો છે. આ નિયમ અને શરતોનું પાલન કરવાની સભાનતા કેળવવી પડશે. આજે પહેલાં કરતાં એટલી સારી અવસ્થા છે કે લોકોના મનમાં કાયદાનો ડર પેઠો છે. ડર ન હોય તો તમે જગતનો ગમે એવો મોટો અને કડક કાયદો અમલીય બનાવી દો તો પણ કોઈ ફરક નથી પડતો, પણ હવે એવું નથી રહ્યું, હવે કાયદાની બીક છે અને કાયદાની બીક હોવી જ જોઈએ. એક વાત યાદ રાખજો મારી, જે ઘરમાં બાપની અને જે દેશમાં કાયદાની બીક ન હોય એ ઘર અને દેશનું ધનોતપનોત નીકળતાં કોઈ રોકી ન શકે. બીક હોવી જોઈએ અને કાયદાની બીક તો પહેલાં હોવી જોઈએ.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

આઝાદીની ઉજવણી કરતાં પહેલાં નક્કી કરો કે હવે, આ વર્ષે તમારામાં રાષ્ટ્રહિતમાં શું-શું ફેરફાર કરવાના છે અને એ ફેરફારને કેવી રીતે અમલમાં મૂકવાના છે. બહુ જરૂરી છે આ. શરમ આવવી જોઈએ કે આપણે આજે પણ સાફસફાઈ, ગંદકી અને ટ્રાફિક જેવા સામાન્ય પણ વિકરાળ બની ગયેલા પ્રશ્નોની ચર્ચા કરવી પડે છે.

manoj joshi columnists independence day