હ્યુમન રાઇટ્સની વાતો તેને શોભે જેનામાં માણસાઈના અંશો હોય

03 March, 2019 11:21 AM IST  |  | મનોજ નવનીત જોષી

હ્યુમન રાઇટ્સની વાતો તેને શોભે જેનામાં માણસાઈના અંશો હોય

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગઈ કાલે સેક્યુલર ભાઈઓ અને બહેનો વિશે થોડી વાત કરી તો સવારથી મેસેજ ચાલુ થઈ ગયા હતા કે એવું તમે કેમ કહી શકો કે અમને અમારા સેનાના ભાઈઓની, જવાનોની કદર નથી. અમે પણ તેમની રક્ષાની પ્રાર્થના કરીએ છીએ, અમે પણ માનીએ છીએ કે આતંકવાદ ન થવો જોઈએ; આતંકવાદ પૃથ્વી પરથી જ નાશ થવો જોઈએ. હવે મારી પહેલી વાત એ છે કે આ પૃથ્વી આવી ક્યાં? તમે શું કામ જગત આખાની માંડો છો ભાઈ, તમારા ઘરમાં તમારું ચાલતું નથી ત્યારે દુનિયા આખીની વાતો કરવાને બદલે તમારા દેશની વાત કરોને. કેટલીક સંકુચિતતા જરૂરી હોય છે. વધારે પડતા મોટા હૃદયના બનવા જતાં તકલીફો ભોગવવી પડે અને એવું કરવાની જરૂર પણ નથી. તમારા પૂરતી ચિવટ રાખો, તમારા પૂરતી ચિંતા કરો. હા, તમે સર્વાંગી સુખી થઈ ગયા પછી બીજાઓનો વિચાર કરો તો ચાલે, પણ તમારા દેશને ચૂલામાં નાખીને તમે દુનિયાની વાતોમાં લાગી જાવ તો મારે બીજું શું કહેવાનું તમને? આવી ખોટી ઉત્પાતમાં હું માનતો નથી અને મને એવી કોઈ પરવા પણ નથી. હું એટલો બધો મોટા મનનો બનવા પણ રાજી નથી અને મારી એવી કોઈ તૈયારીઓ પણ નથી.

મારી સીધી વાત છે, સીધો હિસાબ છે. મારો દેશ સુખી હોવો જોઈએ, મારા દેશવાસીઓ ખુશ હોવા જોઈએ અને એની માટે આતંકવાદીઓનું જે કરવું હોય એ કરો. મારવા હોય તો મારો, માથે બેસાડવા હોય તો માથે બેસાડો. દીકરા કરવા હોય તો દીકરા પણ કરો. મારું કંઈ લૂંટાતું નથી. મારી તો બસ એક જ વાત છે કે મારો દેશ, મારા દેશવાસીઓ ખુશ રહેવા જોઈએ. તેમને ભરોસો રહેવો જોઈએ કે મારા પરિવારમાંથી જે કોઈ ભાઈ-બહેન બહાર જશે એ સલામત રીતે પાછાં આવશે. આતંકવાદ તેને ક્યાંય નહીં સ્પર્શે.

આ પણ વાંચો : કર વાર હર બાર, લગાતાર; ભૂલના નહીં, ભૂલને દેના નહીં હૈ

ચાણક્ય કહેતાં, સ્પષ્ટતા વિના વિજય શક્ય નથી. વાત એકદમ સાચી છે. વિજય ક્યાંય પણ મેળવવાનો હોય, જંગનો વિજય હોય કે સામાજિક દૃષ્ટિકોણથી તમારે જંગ જીતવાનો હોય; કૉર્પોરેટ હાઉસનો જંગ હોય તો પણ આ જ વાત લાગુ પડે અને પારિવારિક મુશ્કેલીઓમાં પણ સ્પષ્ટતા હશે તો જ તમને વિજય મળશે. જો વિજય જોઈતો હોય તો સ્પષ્ટતા લાવવી પડશે અને જો સ્પષ્ટતા જોઈતી હશે તો મનને મક્કમ બનાવવું પડશે. અહિંસાની નીતિઓ પણ છોડવી પડશે અને માનવીય અધિકારોને રડવાનું પણ બંધ કરવું પડશે. હ્યુમન રાઇટ્સની વાતો તેને શોભે જેનામાં માણસાઈનો અંશ હોય, હ્યુમન રાઇટ્સ તેમને આપવાના હોય જેમનામાં માણસાઈના અંશો હોય. મસૂદ કે અફઝલ ગુરુ જેવા હેવાનો માટે હ્યુમન રાઇટ્સની વાતો કરનારાં આપણાં દેશનાં સેક્યુલર ભાઈઓ-બહેનોને હું માત્ર એટલું જ કહીશ કે એક વખત, માત્ર એક વખત પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરમાં તો ચક્કર મારી આવો. આંખો ખૂલી જશે.

manoj joshi columnists