તેલથી તરબરતા શાકમાં બે ઇંચ નીચે શાકે આત્મહત્યા કરી લીધી હોય છે

13 July, 2019 09:52 AM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

તેલથી તરબરતા શાકમાં બે ઇંચ નીચે શાકે આત્મહત્યા કરી લીધી હોય છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

શાસ્ત્રો કહે છે કે માણસ હોય એ સંધ્યા પહેલાં ખાઈ લે. આયુર્વેદ પણ આ જ કહે છે અને અન્ય પથીના નિષ્ણાતો પણ આ જ કહે છે. જેનો સીધો અર્થ એવો છે કે રાતે ખાય એ રાક્ષસ કહેવાય, અને એમ છતાં રાતે દોઢ વાગ્યે અને બે વાગ્યે ઘરે જઈને ખાનારાઓ આપણે જોયા છે. જે કોઈની નોકરી એ પ્રકારની છે એ લોકો તાત્કાલિક અસરથી આ વાતમાં સુધારો કરે. માત્ર લાંબું જીવવા માટે નહીં, પણ સારી અવસ્થામાં લાંબું જીવવા માટે. રાતે દોઢ વાગ્યે જમવા બેસવું એ તકલીફોને આમંત્રણપત્રિકા લખવા સમાન છે. પેટની દરકાર કર્યા વિના અંકરાતિયાની જેમ ખાનારાઓને જોતી વખતે ખરેખર એક વિચાર મનમાં ઝબકી જાય છે. એવા લોકો એવી રીતે ખાવા પર તૂટી પડે છે જાણે પોતે એ ખોરાક નહીં ખાય તો ખોરાક પોતાને ખાઈ જશે. આપણે ત્યાં કહેવાય છે, જે પોષતું એ મારતું. આવો ક્રમ બીજી કોઈ વાતમાં દેખાય કે નહીં, પણ અહીં ખાનપાનની બાબતમાં દેખાય છે - જે પોષતું એ મારતું.

જીભની પાસેથી કોદાળીનું કામ લેવામાં આવે છે અને એને કબર ખોદાવવાની જવાબદારી સોંપી દીધી છે. જીભ બહુ સમજદાર છે. પોતાનું કામ કરે પણ છે અને કરાવે પણ છે. જો ઈચ્છતા હો કે આ કામ જીભ ન કરે તો તમે સજાગ થઈ જાવ અને આરોગ્યના ત્રણ બેઝિક નિયમોનું પાલન શરૂ કરી દો. ખાસ કરીને ચાળીસી વટાવ્યા પછી. પહેલાં આ નિયમો સાઠ પછી પાળવાના હતા, પણ હવે ખાનપાન બદલાઈ ગયા છે એટલે એમાં પણ ફેરફાર આવ્યા છે. હવે દિવસમાં ત્રણ વડાપાંઉ પેટમાં ઓરાઇ જાય છે અને બે વખત લારી ઉપર ઊભા રહીને પાણીપૂરી ખાઈ લેવામાં આવે છે. ચાળીસીએ પહોંચો એટલે સીધો નિયમ બનાવી લો.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

ઝાઝું ચાલો, ઝાઝું ઊંઘો અને ઓછું ખાઓ. આપણે આ નિયમ ભૂલી ગયા છીએ એવું નથી. આપણે આ નિયમને ઊંધી રીતે પાળીએ છીએ. આપણે ઓછું ચાલીએ છીએ, ઓછું ઊંઘીએ છીએ, દોટ એટલી મોટી માંડી દીધી છે, હરીફાઈને એટલી પર્સનલ બનાવી દીધી છે કે ઊંઘ આવતી જ નથી અને આપણને વાંધો પણ નથી. ભવિષ્યની કુશાંદે જિંદગી માટે આજે આપણે ઢસરડાં કરીએ છીએ અને પછી, ઝાઝામાં ઝાઝું ખાઈએ છીએ. એક સર્વે મુજબ, શહેરી સુખી માણસ એના શરીરની આવશ્યકતા કરતાં, શરીરની જરૂરિયાત કરતાં દસ ગણું ખાય છે. શરમની વાત એ છે કે આમાં ગુજરાતીઓ અગ્રીમ હરોળ પર છે. આમ તો આ વાત પેટ દેખાડી જ દે છે અને એ પછી પણ કહેવું પડે છે કે ખાવામાં આવતી આ બધી વાનગીઓને જીભ સાથે સીધો સંબંધ છે. કોઈ જાતની સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ ખાવી નથી. પતિ બિચારો કહી-કહીને મરી જાય તો પણ ઘરમાં શાક નથી બનતું, તેલનું શાક બને છે. ઉપર તરતાં તેલની ત્રણ ઇંચ નીચે શાકભાજીના મૃતદેહ પડ્યા હોય છે અને બૈરી ખુશ થાય છે કે બિચારાને સારું ખાવાનું આપ્યું. જો આવું શાક મળતું હોય તો બૈરીની હાજરીમાં એક વખત કોઈ પણ પથીના ડૉક્ટરને ઘરે બોલાવીને આ શાક જમાડજો, એ જે ભાષણ આપે એ બૈરી માટે રેકૉર્ડ કરીને રાખજો. જેથી એ નવેસરથી એવું જ ત્રાસદાયી શાક બનાવે તો એને સંભળાવી શકાય.

manoj joshi columnists