આવ દોસ્ત, કાનમાં તને એક વાત કહું

02 March, 2020 06:28 PM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આવ દોસ્ત, કાનમાં તને એક વાત કહું

મિત્ર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જરાપણ જરૂરી નથી કે વાત તમારી વાઇફની હોય અને એ પણ જરૂરી નથી કે એ તમારા ભાઈની વાત હોય. જરૂરી એ છે કે તમારા ફૅમિલી-મેમ્બરને તમારી અંદરની વાતો વિશે કેટલી ખબર છે અને એ ખબર તમે પાડી છે કે નહીં? બહુ જરૂરી વાતો પણ આપણે આપણી ફૅમિલી સાથે શૅર કરતા નથી. કાં તો ઓવર કૉન્ફિડન્સ છે આપણો એ અને કાં તો વાતોને સંતાડેલી રાખવાની આપણી આ માનસિકતા છે. આ માનસિકતાને કાઢવાની ખૂબ જ આવશ્યકતા છે. આ સમયે મને થોડા સમય પહેલાંની એક વાત કહેવી છે. સુરતના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ અને ગુજરાતીના જાણીતા કવિ મુકુલ ચોકસીની સાથે એક વાર વાત ચાલતી હતી ત્યારે તેમણે મને કહ્યું કે તે કોઈને પણ હાથ ઉછીના પૈસા આપી શકે અને અઢળક લોકો સુરતમાં એવા છે પણ ખરા કે જે મુકુલ ચોકસી પાસેથી જરૂર હોય ત્યારે પૈસા લઈ પણ જાય, પરંતુ પછી શું? મુકુલ ચોકસી પણ એવું જ માનતા અને ધારતા કે મિત્રો છે, આવો વ્યવહાર તો ચાલ્યા જ કરે પણ એક રાતે મુકુલ ચોકસીને મજા નહોતી આવતી. ઊંઘ પણ ન આવે અને જીવ પણ અકળાયા કરે. ડૉક્ટર એટલે સ્વાભાવિક રીતે તેમણે પોતાની આ અકળામણને મન પર હાવી ન થવા દીધી, પણ તેમણે એક કામ કર્યું. તેમણે તેમના એક બહુ સારા મિત્રને ફોન કરીને બધું કહી દીધું. કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે અને કોને કેટલા રૂપિયા પહોંચાડવાના છે. કહેવાનો તાત્પર્ય એટલો જ કે જો કંઈ પણ આડુંઅવળું બની જાય તો મારા પરિવારને આ બધા ફિગર્સ તમારે કહી દેવા જેથી તેમને ખબર પડે કે આ પ્રકારનો વહીવટ તેમનો બહાર ચાલી રહ્યો છે. લેવાના હતા એ જ રકમ કીધી એવું નહોતું, આપવાની હતી એ રકમ પણ તેમણે એ રાતે ફોન પર કહી દીધી. એ પછી તો તેમણે કાયમ માટે આ નિયમ બનાવી લીધો. પરિવારને સીધું ન કહી શકાતું હોય એ વાત તે હવે પેલા મિત્રને ફોન કરીને કહી દે છે અને એ મિત્ર પણ છે એવો કે જેની નિષ્ઠા માટે કોઈ જાતની શંકા ન થઈ શકે. કળવા પણ ન દે ત્રીજાને કે તેણે જે ઉધારી કરી છે એની તેને ખબર છે. આવું જ તેણે કરવાનું છે. માત્ર પોતાના મિત્રની ગેરહાજરીમાં જ તો તેણે મોઢું ખોલવાનું છે.

આ પણ વાંચો : વાઇફને આ બધી વાતમાં રસ જ નથી : આવી દલીલો કરનારા પતિદેવો ખાસ વાંચે

જરૂરી નથી કે બધી વાત તમે વાઇફને કે ફૅમિલી-મેમ્બર્સને કહી શકો. વાંધો નહીં, મિત્રોમાં એ પ્રકારનો વહીવટ હોય છે અને એ રાખવો પણ પડે, એને જ મિત્રતા કહેવાય. આવો મિત્ર એક રાખજો, જે તમારી આ પ્રકારની તમામ લેણદેણ વિશે જાણતો હોય અને એ જાણતો હોવા છતાં પણ વાત પેટમાં અકબંધ રાખી શકતો હોય. તે મિત્ર તમારા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતો હોવો જોઈએ અને તમારી ગેરહાજરીમાં તમારા પરિવાર માટે સગા દીકરાથી વિશેષ બની શકતો હોવો જોઈએ. દરેકના જીવનમાં એકાદ આવો મિત્ર હોય જ છે, જરૂર છે એવા મિત્રને સમયસર ઓળખી લેવાની અને તેની પાસે મોઢું ખોલવાની. જો આજે વાત નહીં કરો તો બની શકે છે કે વાત કરવાનો ક્યારેય સમય ન મળે. ઈશ્વર કરે એવું બને નહીં, પણ બને તો શું? આ પ્રશ્ન પણ અસ્થાને નથી જ નથી.

manoj joshi columnists