ક્યાં વસ્તી, ક્યાં કલેક્શન અને ગુજરાતી ફિલ્મોની વાસ્તવિકતા

23 July, 2019 10:41 AM IST  |  મુંબઈ ડેસ્ક | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

ક્યાં વસ્તી, ક્યાં કલેક્શન અને ગુજરાતી ફિલ્મોની વાસ્તવિકતા

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આજે સો કરોડની ક્લબનો જમાનો છે. ફિલ્મો સો કરોડ કરે તો પણ બહુ વાહવાહી નથી થતી. આ સો કરોડ ઉપર પણ ફિલ્મો પહોંચવા માંડી છે. વાત હિન્દી ફિલ્મોની જ નથી, સાઉથની ફિલ્મો પણ એવો તોતિંગ બિઝનેસ કરે છે અને મરાઠી ફિલ્મો પણ અફલાતૂન ધંધો કરે છે અને એની સામે ગુજરાતી ફિલ્મોની હાલત કંગાળ છે. સાહેબ, જરા જુઓ તો ખરા, ગુજરાતીઓની વસ્તી કેટલી અને એની સામે કલેક્શનના આંકડાઓ કેવા છે? શરમ આવવી જોઈએ આપણને ગુજરાતી તરીકે. જગતભરમાં વસતા ગુજરાતીઓને છોડો, આપણે બે જ ગુજરાતીઓની વાત કરીએ. ગુજરાતના ગુજરાતીઓ અને મુંબઈના ગુજરાતીઓ. આ બન્ને ગુજરાતીઓ પણ ફિલ્મ જોવા જાય તો ગુજરાતી ફિલ્મ પચાસ કરોડથી પણ વધારે મોટો વેપાર કરે, પણ એ લોકો જતા નથી. અહીં હું તેમનો કોઈ વાંક કાઢી નથી રહ્યો. વાંક માર્કેટિંગનો જ છે.
ગુજરાતીઓ બિઝનેસમાં હોંશિયાર છે, પણ ફિલ્મની વાત આવે ત્યારે એ પાણીમાં બેસી જાય છે. ખાસ કરીને ફિલ્મના માર્કેટિંગની વાત આવે ત્યારે એ ફસડાઈ પડે છે. આ હૈયાવરાળ છે સાહેબ. અત્યારે હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલો હોવા છતાં પણ હું મેક્સિમમ ગુજરાતી ફિલ્મો કરવાનો પ્રયાસ કરું છું અને એ પછી જ્યારે માર્કેટિંગની બાબતમાં નિરસતા જોઉં છું ત્યારે થાય છે કે શું કામ ફિલ્મ બનાવવાના અભરખા આ સૌ રાખે છે?
ફિલ્મ બનાવવી એ એક પ્રોફેશનલ ટાસ્ક છે. જેમ એક્ટરને એક્ટિંગ આવડતી હોય એ જરૂરી છે, ડિરેક્ટરને ડિરેકશન આવડે એ જરૂરી છે એવી જ રીતે પ્રોડ્યુસરને ફિલ્મ પ્રોડ્યુસ કરતાં આવડે એ જરૂરી છે. જો તમે પ્રોડકશનનો અનુભવ ન ધરાવતા હો તો પણ વાંધો નહીં. એ અનુભવ ધરાવતી હોય એવી વ્યક્તિને સાથે લઈ આવો અને એને કામ સોંપીને એના પર નજર રાખો, એની પાસેથી નિયમિત રિપોર્ટ લેવાનું રાખો, પણ ના, એ પણ નથી કરવું. ભલા માણસ, આ રીતે કરોડોના આંધણ ન કરવા જોઈએ. આવું કરશો એ પછી તમે બીજું કશું નથી કરવાના, એના પછી તમે ગાળો ગુજરાતી ફિલ્મોને ભાંડવાના છો અને બીજા ચાર-છ લોકોને પ્રોડ્યુસર બનતાં અટકાવવાના છો. જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે તમારે પૈસા ઉડાડી જ દેવા છે તો પણ હું કહીશ કે એ પૈસા એવી વ્યક્તિને આપો જે પ્રોડકશનના કામને ખૂબસૂરતી સાથે કરે અને ગુજરાતી ફિલ્મોને ગૌરવપ્રદ સ્થાને મૂકે. તમે તમારી ભૂલનો દોષ ગુજરાતી ફિલ્મોને આપશો એ નહીં ચાલે. ક્યારેય નહીં ચલાવી લેવાય.

આ પણ વાંચો : ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

ગુજરાતી ફિલ્મ, સારા એક્ટરોવાળી ગુજરાતી ફિલ્મ ઓડિયન્સને જોવી જ છે પણ એનો પ્રોબ્લેમ એ છે કે એ બિચારાઓને ખબર પણ નથી હોતી કે તમે ફિલ્મ ક્યારે રીલિઝ કરી નાખી. એને ફિલ્મ આવી એની ખબર જ નહીં હોય તો એ બાપડો ક્યાંથી ફિલ્મ જોવા જશે અને કેવી રીતે ફિલ્મના વખાણ પણ કરશે. તમે તમારું કામ કરોને, સારી રીતે કરો અને શ્રેષ્ઠ રીતે ફિલ્મ ઓડિયન્સ સુધી પહોંચાડો. ઓડિયન્સ આવશે જ આવશે, પણ જો તમે માર્કેટિંગમાં ઊણાં ઊતરીને બેસી રહેશો તો ક્યાંથી તમારી ફિલ્મને દર્શક મળશે. જુઓ તમે હિન્દી ફિલ્મોને, સાહેબ તોતિંગ સ્ટાર હોવા છતાં પણ એ ફિલ્મને કેવી પ્રમોટ કરવામાં આવે છે. અદભુત. આપણે પણ આ અદભુત લેવલ પર પહોંચવાનું છે.

columnists manoj joshi