સુખી થવું હોય તો નહીં, પણ દુઃખી ન કરવા હોય તો સ્વાસ્થ્ય જાળવજો

14 July, 2019 12:08 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

સુખી થવું હોય તો નહીં, પણ દુઃખી ન કરવા હોય તો સ્વાસ્થ્ય જાળવજો

મેરે દિલ મેં આજ ક્યાં હૈં?

ખાવાની દિશામાં સભાનતા નહીં આવે તો ક્યારેય સ્વાસ્થ્ય સારું નહીં બને. ઘણા લોકો એવા છે કે એને સારું સ્વાસ્થ્ય અને સુડોળ શરીર જોઈએ છે, પણ એ મેળવવા માટે જે જહેમત ઉઠાવવાની છે એ ઉઠાવવા રાજી નથી. મહેનત વિના મનોરથ પૂરા ન થાય... અને સુડોળ શરીર માટે બીજું કશું નથી કરવાનું, અગાઉ કહ્યું એમ સરળતા સાથેના ડાએટ પ્લાનને તમારે ફોલો કરવાનો છે અને એ પ્લાન કોઈ આવીને તોડી ન નાખે એનું ધ્યાન રાખવાનું છે. પેટને ઉકરડો નથી બનાવવાનો. પેટને પેટ જ રાખવાનું છે. હોજરી ઉપર બળાત્કાર નથી કરવાનો, એની મર્યાદાઓ સમજવાની છે. તમે નાનાં શહેરમાં આજે પણ જઈને જુઓ. સવારે અને બપોરે એમ બે વખત ફિક્સ ટાઇમે ચા બને. ત્રીજી વાર ચા ભાગ્યે જ બનતી હશે. મહેમાનો માટે વળિયારીનું ઘરે બનાવેલું શરબત હોય. બહુ વહાલા મહેમાનો હોય તો દૂધમાં બનાવેલું શરબત આપે, પણ કોલ્ડ્રિંક્સ તો જોવા જ ન મળે. આજે તો બે લીટરનો બાટલો ઘરમાં જ ભર્યો હોય. આ એસિડ છે. એસિડ પીવાનું કોઈ કહે તો ના પાડી દેવાની. બુદ્ધિ વાપરનારાઓ આખો દિવસ આવું સ્વાદિષ્ટ એસિડ પેટમાં ઓર્યા કરે છે અને પેટમાં એસિડનો કૂવો ખોદે છે. બપોરે જમવામાં દહીં-છાસ લેવા એવી ખબર એમને પડે છે અને રાતે દૂધ લેવું જોઈએ એવી સમજદારી પણ એણે કેળવી છે, પણ વધુ ભણી લીધેલા આ શહેરીજનોને આવી કોઈ વાત સાથે લેવાદેવા નથી. એ તો રાતે પણ છાસ પીએ છે અને બપોરના જમવામાં ફ્રૂટસલાડ જેવું અખાધ્ય મિષ્ટાન્ન પણ આરોગે છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

કેવી રીતે શરીરનું સ્વાસ્થ્ય જળવાય આમાં? તમે યાદ કરો, એ તમામ જૂની પરંપરા, તમને ખબર પડશે કે અન્નને ભગવાન માનવામાં આવતું. જુઓ હિન્દુ પરંપરા, આપણે જમીને થાળીને પગે લાગતાં. શું કામ, એનું કારણ જાણો વડીલો પાસેથી, પણ હવે અન્ન ભગવાન રહ્યું જ નથી, એ તો મોજશોખનું સાધન બની ગયું છે. યાદ રાખજો, અન્ન માનવીના શરીરને તેજ આપે છે પણ અન્નનો અતિરેક માનવીને આંધળો બનાવે છે. આપણે અતિરેક કરતાં થઈ ગયા છીએ. ભૂખ્યા રહેવાની આદત રહી નથી અને ભૂખ્યા રહેનારાઓ કલાકો સુધી ભોજનની સામે નહીં જોઈને પેલી ખાઈ થઈ ગયેલી હોજરીમાં એસિડ જમા કર્યા કરે છે. સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. બુદ્ધિ બહેર મારી ગઈ છે. નથી ખાવું તો કલાકો સુધી નથી ખાવું, પ્રહરો સુધી અનાજની સામે જોવું નથી અને ખાવું છે તો સીધા પિત્ઝા ઓર્ડર કરવા છે. મેંદો શરીર માટે નુક્સાનકર્તા છે, ચીઝ શરીરમાં મેદસ્વિતા વધારે છે. આ બધું લખવાનું ગમે છે, કહેવું પણ ફાવે છે પણ અનુસરવાની પ્રક્રિયામાં ઊતરવું નથી. છો ડૉક્ટર કમાણી કરે. છો શરીરની ઓથ નીકળે. હું તો અમરપટ્ટો લઈને આવ્યો છું. મને કશું થવાનું નથી. આ અને આવી માનસિકતાની સીધી નકારાત્મક અસર પાછળ રહેલા પરિવારને ભોગવવી પડે છે. બૈરી બિચારી ઢમઢોલ થયેલા પતિને સહન કરે અને દીકરો બિચારો બાપાની દવાના બિલ ભરે. આજ સુધી એવી વાત હતી કે સુખી થવું હોય તો સ્વાસ્થ્ય સાચવજો, પણ આજે એક નવી વાત મગજમાં ભરી લેવાની છે. દુઃખી ન કરવા હોય તો સ્વાસ્થ્યની જાળવણી કરજો. ભાભીઓ પણ આ વાત યાદ રાખે. જો દુઃખી ન થવું હોય તો પતિદેવોને દોડાવજો અને ચરબી ચડે નહીં એવું રાંધવાનું શીખજો.

manoj joshi columnists