વો અંતિમ પલ : જીવનની અંતિમ ક્ષણ પહેલાંની તૈયારી તમે કરી ખરી?

17 June, 2019 09:40 AM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વો અંતિમ પલ : જીવનની અંતિમ ક્ષણ પહેલાંની તૈયારી તમે કરી ખરી?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આપણે ત્યાં હંમેશાં એક આદત રહી છે. ખાસ કરીને ગુજરાતીઓમાં, ઘરના પુરુષ સભ્યો બધી વાત કરશે. નાનામાં નાની અને ભાઈબંધના ભાઈબંધની પણ બધી વાત કરશે, પણ અગત્યની કહેવાય કે અગમચેતીના સ્વરૂપની હશે એવી કોઈ વાત તે નહીં કરે. ઘરના ડોક્યુમેન્ટ્સ ક્યાં પડ્યા છે એ મોટા ભાગની ગુજરાતી વાઇફને નહીં ખબર હોય. એવી દલીલ પણ થતી રહે છે કે તેને આ બધી વાતમાં રસ જ નથી હોતો, પણ મારું કહેવું છે કે રસ નથી એ વાતને આવી રીતે સિનેમાસ્કોપ કરવાને બદલે બહેતર છે કે તેને રસ પડે, સમજણ પડે એ રીતે તેના વિચારોને વાળો અને તેને આ અને આ પ્રકારની વાતોમાં રસ લેતી કરો. તેમને કિચનમાં પણ ક્યારેય રસ નહોતો અને ક્યારેય બાળકો મોટાં કરવામાં પણ ઇન્ટરેસ્ટ નહોતો અને એ પછી પણ તેમણે એ કામ કર્યું છે અને ખૂબ સારી રીતે કર્યું છે. રસ ન હોવો કે પછી રસ ન લેવો એ ક્યારેય સ્થાયી પ્રક્રિયા નથી, એ અસ્થાયી છે. જીવનમાં ઘણાં કામો કરવા તમે રાજી નથી હોતાં, પણ સમય આવ્યે તમારે એ કામો કરવા પણ પડે છે અને તમે એ કરી પણ લેતા હો છો. એટલું જ નહીં, તમે એમાં પારંગત પણ બનતા હો છો. આ વાસ્તવિકતા સૌકોઈએ સમજવાની અને સ્વીકારવાની જરૂર છે.

ભારેખમ લાગતી કે પછી સુફિયાણી લાગતી આ સલાહનો સૌથી મોટો હેતુ એ જ છે કે જો લાઇફ અચોક્કસ હોય તો તમારે તમારી ચોક્સાઈની, તકેદારીની માત્રા વધારી દેવી જોઈએ. ગઈ કાલે આપણે વાત કરી જયપુરની ફ્લાઇટમાં સાથે ટ્રાવેલ કરતા એક પૅસેન્જરની અને એ જ વાત પરથી આજનો આ વિષય ખૂલ્યો છે.

અગમચેતી જીવનમાં જરૂરી છે અને આ બાબતમાં જ આપણે થોડા લઘરા છીએ. ઘણાને પોતાની આ અસ્તવ્યસ્ત નીતિરીતિનો ગર્વ પણ છે, પરંતુ એ ગર્વ લેવાની વાત બિલકુલ નથી. જીવનને જો સરળ રાખવું હોય અને જીવનનો અંત આવે ત્યારે પાછળ રહેલા સૌકોઈને સરળતા અને સહજતા આપવી હોય તો તમારે આ લઘરાપણું છોડવું પડશે. જરા દૃઢતા સાથે અને મક્કમતા સાથે જયપુરની ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા પેલા મહાશયના સ્થાને તમારી જાતને મૂકીને વિચારજો કે તેમની ગેરહાજરીમાં હવે તેમના પરિવારની પરિસ્થિતિ કેવી હશે. શું તેની વાઇફને તેના હસબન્ડની બૅન્ક ડિટેઇલ ખબર હશે? ખબર હશે તેને કે ઘરના ડૉક્યુમેન્ટ્સ ક્યાં પડ્યા છે? એ પણ ખબર હશે તેને કે તેના પતિદેવે કેટલા મિત્રોને પૈસા આપ્યા છે અને કોની-કોની પાસેથી ઉધારી લેવાની છે? આ જ નહીં, આવી તો અઢળક વાતો છે જે આપણા પરિવારમાં, આપણી વાઇફને પણ ખબર નથી હોતી. શું આપણે ઇચ્છીએ છીએ કે આપણી ગેરહાજરીમાં આપણી વ્યક્તિ હેરાન થાય અને છતે પૈસે દુ:ખી થાય? શું ઇચ્છીએ છીએ આપણે કે આપણી ગેરહાજરી સમયે લાગણીશીલ યાદો વચ્ચે આપણો પરિવાર આર્થિક અને સામાજિક રીતે પણ હેરાન થાય?

આ પણ વાંચો : કુદરતી ઉપાધિઓ : જો કુબુદ્ધિ સૂઝે તો જાતને કાબૂમાં રાખવી એ જ શ્રેષ્ઠ પ્રક્રિયા

જો જવાબ ‘ના’ હોય તો તમારે અમુક બાબતમાં વધારે ચોક્સાઈ લઈ આવવાની છે અને એ ચોક્સાઈ કેવી-કેવી હોવી જોઈએ એની માટે આવતી કાલે ફરી અહીંયા જ મળવાનું છે. આવતી કાલે વાત કરીશું, અણધારી એક્ઝિટની સામે આપણે કઈ રીતે સક્ષમ બનીશું?

manoj joshi columnists