અમદાવાદની ઘટના આઘાતજનક તો છે જ,પરંતુ એ સાથોસાથ શરમજનક પણ છે

16 July, 2019 01:42 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

અમદાવાદની ઘટના આઘાતજનક તો છે જ,પરંતુ એ સાથોસાથ શરમજનક પણ છે

મનોજ જોષી

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

રવિવારે સાંજે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એક દુખદ ઘટના ઘટી. એક રાઇડનો લોખંડનો ભરાવદાર પિલર તૂટ્યો, જેને લીધે સેંકડો લોકો પચાસથી પંચોતેર ફુટ ઉપરથી નીચે પટકાયા. બે જણનો જીવ ગયો અને ચાલીસથી વધારે લોકો ઘાયલ થયા. ઘાયલ થયેલાઓમાંથી અડધોઅડધ લોકોને મલ્ટિપલ ફ્રૅક્ચર થયાં છે અને હવે આવતા બે-ચાર મહિના સુધી પથારી પરથી ઊભા નથી થઈ શકવાના. ઈશ્વર કરે, જીવનભર રહી જાય એવી કોઈ ખોડનો સામનો તેમણે ન કરવો પડે. મુદ્દો અત્યારે એ અકસ્માત કે થયેલી ઈજાથી રહી જનારી ખોડનો નથી. મુદ્દો છે એ વ્યવસ્થાનો અને વ્યવસ્થા સાથે જોડાયેલી જવાબદારીનો. જો આવી કોઈ ઘટના બિહારમાં ઘટી હોત કે પછી યુપીના અંતરિયાળ ગામડામાં બની હોત તો એની તીવ્રતા પ્રમાણમાં ઓછી હોત, પરંતુ આ ઘટના ગુજરાતમાં અને એ પણ ગુજરાતના અમદાવાદ શહેરમાં ઘટી છે. ગંભીર બાબત છે આ. રાજકીય રંગ આપવાની કે રાજકીય કાદવ ઉછાળવાની કોઈની મહેચ્છા હોય કે ન હોય, પણ આવી ઘટના સાથે એ ઊડે એવું તો સ્વીકારી જ લેવું પડે.
વાત પહેલી, આ પ્રકારની રાઇડનું નિયમિત મેઇન્ટેનન્સ થતું હતું કે નહીં એ જોવાની જવાબદારી કોની હોતી હશે અને એ જવાબદારી કેવી રીતે નિભાવવામાં આવતી હશે? મારું અંગત માનવું છે કે આપણી ઉપર કોઈ નજર રાખનારું હોય ત્યારે જ આપણે જવાબદારી કેમ નિભાવીએ, ત્યારે જ આપણે કાયદાઓનું પાલન શું કામ કરીએ? એ કામ કરવાનું જ છે, માણસાઈની ફરજમાં છે ત્યારે આવાં કામો આપણે શું કામ સાચી રીતે અને સારી રીતે જાતે જ પૂરાં ન કરી લઈએ. જુઓ, કોઈ પણ દુખદ ઘટના ક્યારેય નક્કી કરીને નથી આવતી, પણ માનવસર્જિત ઘટનાઓમાં હંમેશાં બેદરકારી જવાબદાર હોય છે. મને અંગત રીતે લાગે છે કે આ ઘટનામાં ખરેખર ગુજરાત સરકાર અને એની સાથોસાથ કેન્દ્ર સરકારે પણ ગંભીરતા દાખવીને તપાસનો આદેશ આપવો જોઈએ અને જ્યાં પણ આ પ્રકારના ઘરઘરાવ મેળાઓ ચાલે છે, રાઇડ બેસાડવામાં આવી છે ત્યાં જઈને તપાસ થવી જોઈએ કે ત્યાં જે ચાલી રહ્યું છે એ કેટલું વાજબી રીતે ચાલે છે અને એના સંચાલનથી માંડીને એનું મેઇન્ટેનન્સ કઈ રીતે થાય છે?
રાઇડ્સ ખરેખર આનંદ માટે હોય છે અને આનંદ માટે હોય એ જગ્યાએ વ્યક્તિ પોતાના ફૅમિલી સાથે આનંદપ્રમોદ કરવા જ આવતી હોય છે. જરા વિચાર તો કરો, તમે દુનિયાથી થાકીહારીને પરિવાર સાથે, મિત્રો સાથે કે બાળકો સાથે થોડી સુખની ક્ષણ માણવા આવ્યા હો એવા સમયે આવું બને ત્યારે એ ઘટના તમારા માનસપટ પર કેવી રીતે અંકાઈ જાય અને એના લીસોટા કેટલો સમય સુધી તમારા મન પર રહે?

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

વેપાર નીતિમતા જાણવવા માટે છે. જગતમાં વેપાર કરવાનો જ હોય. આપણાં શાસ્ત્રો પણ કહે છેઃ શ્રી સવા. જેનો ભાવાર્થ એવો છે કે એક રૂપિયા પર વધુમાં વધુ પચીસ પૈસા કમાવવા, એનાથી આગળ એક પૈસો પણ હરામ સમાન છે. હરામની આ વ્યાખ્યા, પાપની આ પરિભાષાને જો સમજી લેવામાં આવશે તો જીવન પણ સુધરશે, મોત પણ સુધરશે અને માહ્યલો પણ સંતોષ પામશે.

columnists manoj joshi