લાઇસન્સમાં લેસન વધારો : બાળકોના હાથમાં વાહન પકડાવી દેવાની ભૂલ તમે કેટલી વાર કરી છે?

20 September, 2022 02:09 PM IST  |  Mumbai | Manoj Joshi

પ્રી-મૅચ્યોર્ડ બાળકોના હાથમાં વેહિકલ આપી દેવાની જે નીતિ પેરન્ટ્સ રાખે છે એ ખરેખર શરમજનક છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વિષય પર આવતાં પહેલાં એક આડવાત કરીએ અને એ આડવાતમાં સૌથી પહેલાં પ્રશ્ન પૂછવાનો છે, દુબઈની આવક શું?

તમે જો એવું ધારતા હો કે ક્રૂડ, તો જવાબ છે ના, કારણ કે દુબઈ પાસે એવું ક્રૂડ નથી જેની આવકથી દેશની આવકનો મોટો હિસ્સો સચવાતો હોય. એ અબુધાબી છે. અબુધાબી પાસે ક્રૂડ પુષ્કળ માત્રામાં છે અને અબુધાબીની ઇન્કમમાં સૌથી મોટો શૅર એ ઇન્કમનો પણ છે. દુબઈની ઇન્કમનો મોટો સોર્સ ટૂરિસ્ટ છે અને એ પછીના ક્રમે એવિયેશન છે. ઓછામાં ઓછા ખર્ચમાં ઍરપોર્ટ પર પાર્કિંગની સુવિધા અને દુનિયા કરતાં ઓછી કિંમતમાં પેટ્રોલ મળતું હોવાથી (અબુધાબીને કારણે) યુરોપ અને એશિયા વચ્ચે કનેક્ટિવિટીમાં વપરાતી મોટા ભાગની ફ્લાઇટ અહીં આવે છે અને દુબઈની ઇન્કમના સોર્સમાં બીજા સ્થાને છે. આપણે જે વાત કરવી છે એ વાત હવે આવે છે, નિયમોનું ઉલ્લંઘન.

હા, નિયમોના ઉલ્લંઘન બદલ લેવામાં આવતા દંડની આવક દુબઈની નૅશનલ ઇન્કમમાં ત્રીજા ક્રમે આવે છે અને આ દંડ પણ સૌથી વધારે ટ્રાફિકના નિયમો તોડવા બદલ એકત્રિત થાય છે!
જરા વિચાર કરો કે આપણે ત્યાં તો આ વાતને જરાય ધ્યાનમાં લેવા કોઈ રાજી નથી. ઈ-ચલણ આવી ગયાં એટલે ઘરે-ઘરે મેમો પહોંચતા થયા, પણ એ મેમો નહીં ભરવાની માનસિકતા આપણે કેળવી લીધી છે અને સ્થાનિક રાજકારણી પણ જ્યારે જરૂર પડે ત્યારે પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા ખાતર એ મેમો માફ કરવાની માનસિકતા રાખે છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે આપણે ત્યાં ટ્રાફિકની બાબતમાં કોઈને દરકાર નથી અને એ પણ એક કારણ છે કે આપણે ત્યાં ઍક્સિડન્ટમાં સતત જાનમાલને નુકસાન થતું રહે છે. સૌથી શરમની વાત જો કોઈ હોય તો એ છે સંતાનપ્રેમ. પ્રી-મૅચ્યોર્ડ બાળકોના હાથમાં વેહિકલ આપી દેવાની જે નીતિ પેરન્ટ્સ રાખે છે એ ખરેખર શરમજનક છે. ટેન્થ અને ટ્વેલ્થનાં બાળકોની જ અહીં વાત નથી ચાલતી. સેવન્થ અને એઇટ્થમાં ભણતા છોકરાઓને પણ હાથમાં ચાવી પકડાવી દેવામાં પેરન્ટ્સ શૌર્ય ગણે છે, જે ગુનો જ નથી, પાપ પણ છે.

અગ્નિરથ પર સવાર આ બાળક જ્યારે નીકળે છે ત્યારે તે પોતાની મસ્તીમાં કેટલા લોકોના જીવ અધ્ધર કરતો જાય છે એ જોવા માટે એક વાર રસ્તા પર આવો તો તમને સમજાશે કે આપણે અજાણતાં જ કેવી ભૂલ કરીએ છીએ. સંતાનોને એવા લાડ નહીં કરાવો જેને કારણે તેને નિયમોનું પાલન કરવાની ગંભીરતા ન રહે. ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. કબૂલ કે તમે આર્થિક રીતે સાધન-સંપન્ન છો એટલે તમને વાહનની ચિંતા નથી, પણ ભલા માણસ, તમારા સંતાનની તો ચિંતા છેને. જેમ તમારું બાળક કોઈનો જીવ લઈ શકે એમ છે એમ કોઈ ભારે વાહન તમારા બાળકને પણ અડફેટમાં લઈ શકે છે અને એ પણ તેની ભૂલને કારણે. સમય આવી ગયો છે મૅચ્યોર્ડ નાગરિક બનવાનો અને મૅચ્યોરિટી સાથે વાતને વિચારવાનો, સમજવાનો અને એને અમલમાં મૂકવાનો. જો આ કામ તમે કરી શક્યા નહીં તો લખી રાખજો કે તમને આ દેશમાં કોઈ બચાવી નહીં શકે.

columnists manoj joshi