કૉલમઃ મૈં ખુદ આયા નહીં લાયા ગયા હૂં, ખિલૌને દે કે બહલાયા ગયા હૂં

29 April, 2019 08:39 AM IST  |  મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

કૉલમઃ મૈં ખુદ આયા નહીં લાયા ગયા હૂં, ખિલૌને દે કે બહલાયા ગયા હૂં

પ્રવીણ સોલંકી

ચૂંટણીના ઉમેદવારની દશાનું વર્ણન હોય એ રીતે આ પંક્તિઓ વાંચશો તો ઉમેદવારની અવદશાનો ખ્યાલ આવી જશે. વળી ચૂંટણીના ઉમેદવાર માટે એક બીજી ઉક્તિ પણ પ્રસિદ્ધ છે. ‘ન કોઈને કાયદો પસંદ છે, ન કોઈને વાયદો પસંદ છે; બધાને પોતપોતાનો ફાયદો જ પસંદ છે.’ વ્યક્તિગત રીતે આ બધાને જ લાગુ પડે છે, પણ રાજકારણીઓ આવા છે એનો પુરાવો કોઈ માગતું નથી, એમાં પણ ચૂંટણી આવે ત્યારે ખાસ. જેમને આપણે પાઘડી સમજીને માથે બેસાડ્યા છે એ મોટે ભાગે પગલુછણિયા જ નીકળ્યા છે. આપણે આપણા ઘરમાં ચાંદીનાં ખોટાં શ્રીફળ ઘરમાં રાખીએ છીએ એમ આપણા દેશની સંસદમાં ચાંદીનાં ખોટાં શ્રીફળ જ લગભગ બેઠાં છે (કેટલાંક સૂતાં પણ હોય છે). બિચારાં સાચાં શ્રીફળ તો વધેરાઈ જ જાય છે કે વધેરાઈ જ ગયાં હોય છે! પ્રજાને રાજકારણીઓ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો છે, રાજકારણીઓને પોતાની યોગ્યતાઓ ઉપરથી. એટલે રાજકારણીઓ આડાઅવળા રસ્તા લેતા થઈ ગયા છે.

સદીઓથી મા-બાપની એક જ ઇચ્છા રહી છે-હોય છે કે તેનું સંતાન ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, બૅરિસ્ટર થાય, કમ્પ્યુટર નિષ્ણાત થાય, વેપારી થાય, સારી કંપનીમાં નોકરી મળે, પ્રોફેસર થાય, કલેક્ટર થાય વગેરે. તેમની આ ઇચ્છા પૂરી કરવા સંતાનને શરૂઆતથી જ એ પ્રમાણે તાલીમ આપવામાં આવે છે, માવજત કરવામાં આવે છે.

હવે વિચારો, કેટલાં મા-બાપે શરૂઆતથી જ વિચાર્યું હશે કે તેમનું સંતાન રાજકારણી બને? નેતા બને? (કલાકારોની બાબતમાં પણ આ જ પ્રશ્ન છે.)

રાજકારણી બનવા માટે કોઈ ડિગ્રી મેળવવી પડતી નથી, કોઈ શિક્ષણ લેવું પડતું નથી. ઘણીખરી વ્યક્તિ રાજકારણી આકસ્મિક રીતે, સંજોગોવશાત્ બની જતી હોય છે. પછી અનુભવ અને આવડત પ્રમાણે નેતાગીરી પ્રાપ્ત કરે છે. બાકી નેતા બનવા માટે કોઈ ડિગ્રીની જરૂર પડતી નથી કે ન કોઈ શિક્ષણની. સાંપ્રતકાળમાં નેતા બનવા માટે પાંચ પ્રકારની યોગ્યતા ગણાય છે (૧) આત્મવિશ્વાસથી જૂઠું બોલવાની વક્તૃત્વ કળા, (૨) લોકોનું સંગઠન ઊભું કરવાની તાકાત, (૩) બાહુબલ-ધાકધમકીથી સમાજમાં ભય ઉત્પન્ન કરવાની હિંમત. (૪) અઢળક સંપત્તિ-પૈસાથી કોઈ પણ વસ્તુ ખરીદી શકવાની પાત્રતા. (૫) એકબીજાના કાફૂ ભંભેરી, લડાવી મારી પોતાનો માર્ગ મોકળો કરી લેવાની આવડત. આ પાંચમાંથી કોઈ પણ બે સાધનો હોય તો નેતા બનવાનું સાધ્ય જરૂર પાર પાડી શકાય.

હાલમાં ચૂંટણીનો માહોલ, અવસર છે ત્યારે આ બધું સ્વાભાવિક રીતે યાદ આવે છે કે જે રીતે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે એનાથી ક્ષુબ્ધ થઈ જવાય છે. ગાળાગાળી, આક્ષેપો, પ્રતિઆક્ષેપો, એકબીજાની દુખતી નસ દબાવવાની દોડ, એકબીજાનું ચારિhયખંડન વગેરેથી ત્રાસ અનુભવાય છે. કોઈ કોઈને પપ્પુ કહે છે, કોઈ કોઈને ફેંકુ કહે છે, કોઈ કોઈને ‘ચોર’ કહે છે તો કોઈ કોઈને જોકર કહે છે. કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો, કોણે કેટલી બેઈમાની કરી, કોણે કેટલી ધૃષ્ટતા કરી એ વાતના જ ઢોલ પિટાય છે. કોઈ પોતે શું કરવા માગે છે કે દેશના પ્રાણપ્રશ્નોની વાત કરતું જ નથી. બીજાની લીટી ભૂંસીને પોતાની લીટી મોટી દેખાડવાનાં હવાતિયાંમાં વિવેકભાન ભુલાઈ ગયું છે. વળી નવાઈની વાત તો એ છે કે ‘અ’ પક્ષના ઘેટાં જેવા સમર્થકો ‘બ’ પક્ષની નિંદામાં તાળીઓ પાડે, હાકોટા-તાબોટા પાડે. તો ‘બ’ પક્ષના બળદ જેવા સમર્થકો ‘અ’ પક્ષની નિંદાના રાસડા લે. દેશ ગયો જહન્નમમાં.... પક્ષને પ્રણામ! આ એક બહુ જ અગત્યના મુદ્દા વિશે કોઈ કેમ વિચારતું નથી? બીજાની લીટી ભૂંસીને પોતાની લીટી મોટી દેખાડવાની આ પ્રક્રિયાઓનો કોઈ વિરોધ કેમ નથી કરતું?

રોજ સવારમાં છાપાં, ટીવી, મોબાઇલ, મૅગેઝિન, વૉટ્સઍપ વગેરેમાં એકની એક વાત, એકની એક નિંદા, એકની એક પ્રશંસા, એકના એક સ્લોગન વાંચી-સાંભïળીને ઊબકા આવે છે. હવે મતદાન કરવા માટેની સલાહનો મારો શરૂ થયો છે. ‘મતદાન કરવું એ આપણી ફરજ છે, મતદાન એ આપનો અધિકાર છે, મતદાન જે નથી કરતા તે એક પ્રકારના દેશદ્રોહી છે, મતદાન કર્યા વગર બહારગામ ચાલ્યા જવું એ એક નૈતિક અપરાધ છે, તમારો મત કીમતી છે, રાષ્ટ્રનું ભાવિ તમારા હાથમાં છે, મત આપી રાષ્ટ્રના નર્મિાણના સાક્ષી બનો.’ આ અને આવાં સ્લોગનો શું સૂચવે છે? આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ લોકોને આ બધું સમજાવવું પડે એવી અવદશા માટે કોણ જવાબદાર છે?

હકીકત એ છે કે આમ નાગરિક ત્રસ્ત થયો છે. છેલ્લાં ૭૦ વર્ષથી છેતરાતો આવ્યો છે. દરેક ચૂંટણીમાં તેના ઉદ્ધારનાં બ્યુગલો ફૂંકાય છે ને ચૂંટણી પછી એને ભૂલી જવાય છે. આમ જનતા એવું વિચારવા લાગી છે કે ગમે તે સરકાર આવે, અમારી દશા તો એની એ જ રહેવાની છે. એ લોકોનો અનુભવ છે કે વર્ષોથી ચૂંટણી આવે છે કે બેઈમાની, લાલચ, વચનો, જ્ઞાતિવાદ, જાતિવાદ, હિંસા, આક્ષેપબાજીની મોસમ શરૂ થઈ જાય છે. દરેક પક્ષ કે ઉમેદવારનો એક જ એજન્ડા હોય છે. ‘મેરી કમીઝ ઉનકે કમીઝ સે જ્યાદા સફેદ હૈ.’ સફેદ દૂધ જેવાં કપડાં પહેરીને, પાંચ-પચીસ ચમચાઓ-કહેવાતા કાર્યકરોને સાથે રાખી
ઘરે-ઘરે હાથ જોડી મતની ભીખ માગતા જોઇને દયા ઉપજે છે. ચોરે ચૌટે મતની બાંગ પુકારે છે, ગલી ગલીમાં નારા ગજવે છે, મેદાને મેદાને સભાઓ યોજાય છે. સભાઓમાં મોટે ભાગે વિરોધ પક્ષોને ગાળો દેવાય છે, એની ભૂલો બતાવાય છે, એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પડાય છે. છેલ્લી ચૂંટણીમાં સર્કસ વધારે પ્રચલિત થયું છે.

૧૯૫૦થી ૬૦ના દાયકામાં ચૂંટણી પ્રચારમાં થોડીઘણી પણ ગંભીરતા જળવાતી. પક્ષ અને ઉમેદવારમાં અંશત: શિસ્ત, સભ્યતા અને સમજદારી દેખાતાં હતાં, સ્લોગનોમાં પણ સજ્જનતા હતી. ‘ગરીબ ને ધનવાન બન્ને એકસમાન’ (સામ્યવાદી પક્ષ), ‘છોડો ઊંચ-નીચનો વાદ, લાવો સમાજવાદ (સમાજવાદી પક્ષ), ‘જય જવાન જય કિસાન’ (કૉન્ગ્રેસ). એ પછી ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસના ભાગલા પાડ્યા. ‘આત્માના અવાજ’ના નામે અશિસ્તનાં પગરણ શરૂ થયાં. એના છાંટા અન્ય પક્ષો પર પણ પડ્યા.એ પછી તો ઘણુંબધું બન્યું. ન બનવાનું પણ બન્યું. બે-ચાર ચૂંટણીઓ થઈ, એક જ પક્ષની સરકાર બનવાને બદલે ‘જોડાણ’વાળી સરકારો બનવા લાગી. પણ પરિણામ શું? સરકાર બદલાઈ પણ પ્રજાની દશા ન બદલાઈ. પ્રજા માટે તો કેદ એની એ જ રહી. ફક્ત દીવાલ જ બદલાઈ.

એક એવો પણ વિચાર આવે છે કે આટઆટલી ચૂંટણીઓ થઈ, દરેક સમયે શાસક પક્ષે પોતાના પક્ષનો ઢંઢેરો (મૅનિફેસ્ટો) પ્રજા સમક્ષ મૂક્યો પણ ઢંઢેરામાં અપાયેલાં વચનો કયા અને કેટલા પક્ષે પૂરાં કયાર઼્?
ટૂંકમાં મત આપવાનો ઉમળકો જાગે, સ્વયંભૂ પ્રેરણા થાય, ઉમળકો આવે એવું વાતાવરણ હજી સુધી સર્જાયું નથી એનો અફસોસ છે. મત આપવો જ જોઈએ એમાં કોઈ બેમત નથી, પણ કોને આપવો કે શું કામ આપવો એનાં સ્પષ્ટ કારણો મળતાં નથી. એટલે મતદારો અસમંજસ સ્થિતિમાં રહે છે.

આ પણ વાંચોઃ કૉલમઃસમય ગૂંગા નહીં બસ મૌન હૈ, વક્ત પર બતાતા હૈ કિસકા કૌન હૈ

અને છેલ્લે...

આ વખતના ચૂંટણી પ્રચારના સંદર્ભમાં એક સામાજિક સંવાદ વાગોળવા જેવો છે. એક સુંદર યુવતીનું સગપણ કરવાનું હતું. કિશોર, મેહુલ અને રમાકાંત નામના ત્રણ-ત્રણ યુવાનોનાં માગાં આવ્યાં હતાં. પણ યુવતીને સંતોષ નહોતો, અવઢવમાં હતી. આ યુવતી પર આશિષ નામના યુવાનની પણ નજર હતી. તેણે ગમે તે કરીને યુવતીનો સંપર્ક કયોર્. બન્નેનું મિલન ગોઠવાયું. યુવાનને ખબર હતી કે યુવતીને ત્રણ-ત્રણ સારાં માગાં આવ્યાં છે એટલે યુવતીનું દિલ કેમ જીતવું એની પેરવીમાં રચ્યોપચ્યો રહ્યો.

થોડી પ્રાથમિક વાતો પછી યુવતીએ પૂછ્યું, ‘તમે શું કરો છો?’ પ્રશ્નના જવાબમાં આશિષે કહ્યું, ‘હું કંઈ કિશોર જેવો બેકાર નથી. કિશોરે તો ગામનું કરી નાખ્યું છે. કેટલાય લેણદારો તેને ત્યાં ધક્કા ખાય છે. ને મેહુલ તો બાપના પૈસે તાગડધિન્ના કરે છે. જુદી-જુદી છોકરી ફેરવે છે, ડ્રિન્ક પણ કરે છે, દારૂ પીને બે વાર ડ્રાઇવિંગ કરતાં પકડાયો છે. મારી પાસે પુરાવા છે. ને રમાકાંતની તો વાત જ કરવા જેવી નથી. બાપનું જે કંઈ હતું એ બધું જ ઉડાવી ફનાફાતિયા કરી નાખ્યું છે. મા સાથે રોજ ઘરમાં ઝઘડા કરે છે. તેના મિત્રો પણ બધા બે નંબરિયા છે.’

આ પણ વાંચોઃ  જીવન કી ભાગદૌડ મેં ક્યોં વક્ત કે સાથ રંગત ખો જાતી હૈ

યુવતીએ તેને આગળ બોલતાં અટકાવી કહ્યું, ‘મને બીજાઓ શું છે કે કોણ શું કરે છે એમાં બિલકુલ રસ નથી. તમે શું કરો છો કે ભવિષ્યમાં શું કરવા માગો છો એ જાણવામાં જ રસ હતો.’ એટલું કહીને તે ઊઠી ગઈ.
સમજી ગયા?

સમાપન

શયદાની ચાર પંક્તિઓથી કરીએ.
જનારી રાત્રિ, જતાં કહેજે, સલૂણી એવી સવાર આવે
કળીકળીમાં સુવાસ મ્હેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે
હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે

columnists news Election 2019