ના કોઈ ઉમંગ હૈ ના કોઈ તરંગ હૈ ઝિંદગી એક જંગ હૈ જબ તક બીવી સંગ હૈ

16 September, 2019 02:20 PM IST  |  | માણસ એક રંગ અનેક- પ્રવીણ સોલંકી

ના કોઈ ઉમંગ હૈ ના કોઈ તરંગ હૈ ઝિંદગી એક જંગ હૈ જબ તક બીવી સંગ હૈ

ગયા સોમવારે એક ફોન આવ્યો. મારા જ મોબાઇલ પર ફોન હતો છતાંય મને પૂછ્યું, ‘પ્રવીણભાઈ બોલો છો?’ મેં કહ્યું, ‘બોલતો જ નથી, સાંભળું પણ છું. બોલો, શું કામ છે?’ તે બોલ્યા, ‘જય જિનેન્દ્ર, તબિયત સારી છેને? હું મહેન્દ્ર બોલું છું. ઓળખાણ પડી?’ મેં ટૂંકમાં કહ્યું, ‘ના.’ તે બોલ્યા, ‘બસ કે? ભૂલી ગયા? મહિના પહેલાં આપણે બ્રાહ્મણ સમાજના ફંક્શનમાં મળેલા ત્યારે મેં તમારી પાસેથી ફોન-નંબર લઈ સેવ કરેલો. યાદ કરો. જોકે તમને તો ઘણાબધા માણસો મળે એમાં મારા જેવો નાનો માણસ ક્યાંથી યાદ રહે?’ મારી ધીરજ ખૂટી. મેં કહ્યું કે ‘મહેન્દ્રભાઈ, કામ શું છે એ બોલોને!’ તેણે કહ્યું કે ‘બસ કે રાજા, કામ હોય તો જ તમને ફોન થાય? સંબંધ કોને કહેવાય? કામ પડે ને ફોન કરે એ તો સ્વાર્થ કહેવાય. હું સ્વાર્થી નથી, તમારો ફૅન છું. આવતા રવિવારે તમારા નવા નાટકનો શુભારંભ થાય છે એની જાહેરાત વાંચી તમને અભિનંદન આપવા ખાસ ફોન કર્યો છે, સાહેબ.’ મેં અભિનંદન સ્વીકાર્યાં, આભાર માન્યો. મને એમ કે વાત પૂરી થશે, પણ તેમણે મારો કેડો ન છોડ્યો. ‘‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’ નામ તમે શું કામ રાખ્યું? બધા ગુજ્જુભાઈ કંઈ થોડા બ્લફમાસ્ટર હોય છે? તમને નથી લાગતું કે આપણા ગુજરાતી ભાઈઓની આમાં બદનામી થાય છે?’

મારું મગજ ફરી ગયું. પણ આવા સંવાદ-વિવાદોથી હું ટેવાયેલો હોવાથી મેં શાંતિથી કહ્યું કે જુઓ ભાઈ, નાટકનું શીર્ષક નાટકના એક પાત્રને અનુલક્ષીને રાખ્યું છે ને એ બાબત આપણે જ્યારે નિરાંતે રૂબરૂ મળીશું ત્યારે ચર્ચા કરીશું. તો તરત જ તેમણે કહ્યું ‘હું ક્યારે મળવા આવું?’ હું ફસાયો. મેં કહ્યું કે ‘હું ફ્રી હોઈશ ત્યારે તમને ફોન કરીને બોલાવીશ. ઓકે?’ હું નિરાંતનો શ્વાસ છોડું એ પહેલાં ફરીથી તેમણે શરૂ કર્યું, ‘અમદાવાદમાં મારા એક સંબંધીએ આ નાટક જોયું. તેમણે મને એની સ્ટોરી પણ કહી. પતિ પત્ની પાસે જુઠ્ઠું બોલે છે ને એમાં કેવો ફસાય છે એ જ વાત છે ને? પણ સાહેબ, પતિને જુઠ્ઠું બોલવાનો શોખ નથી હોતો, તેને પરાણે, નાછૂટકે બોલવું પડે છે. એ વાત આ નાટકમાં છે

દરેક કાળા વાદળ પાછળ એક રૂપેરી કોર હોય છે. દુનિયામાં એટલું બધું ખરાબ કંઈ નથી હોતું જેમાંથી કંઈક સારું ન નીકળે એ રૂએ મને આ ભાઈનો ફોન આર્શીવાદ સમો નીવડ્યો. લેખનો વિષય મળી ગયો. માણસ જુઠ્ઠું શું કામ બોલે છે? જુઠ્ઠાણું તેની ગળથૂથીમાં હોય છે? તેની પ્રકૃતિમાં હોય છે? લાચારી હોય છે? સ્વબચાવ હોય છે? સ્વાર્થ કે ડર હોય છે? આદતથી મજબૂર કે યુધિષ્ઠિરની માફક આપદ્ ધર્મ હોય છે? કારણો અનેક છે, પણ હકીકત એક છે. આજકાલ ભ્રષ્ટાચારની માફક જુઠ્ઠાણું પણ જીવનનો એક ભાગ બની ગયું છે. હાલત એવી થઈ ગઈ છે કે સત્યને સત્ય તરીકે સાબિત કરવામાં પણ અસત્યની મદદ લેવી પડે છે. જબરદસ્ત જુઠ્ઠાણાની અસર સત્ય કરતાં પણ વધારે પ્રબળ હોય છે. ‘હું ક્યારેય જુઠ્ઠું બોલતો નથી.’ એ સૌથી મોટામાં મોટું જુઠ્ઠાણું છે. એવું પણ કહેવાય છે કે જૂઠું બોલવું એ પુરુષોનો જન્મસિદ્ધ હક છે અને એને માની લેવું એ સ્ત્રીઓની ફરજ છે. ‘સાચું કહું તો... થી શરૂ થતું વાક્ય મોટે ભાગે જૂઠું કહેવા માટે જ હોય છે. હિટલર કહેતો કે એકનું એક જૂઠાણું વારંવાર બોલતા રહો તો એ સાચું લાગવા માંડશે.

હિટલરની એક વાત બહુ વિચારવા જેવી છે. જોકે એ વાત હકીકતમાં તો તેના સાથી સલાહકાર ગોબેલ્સ કહી છે. જૂઠું બોલવું એ એક કલા છે. સાચું તો કોઈ મૂર્ખ માણસ પણ બોલી શકે છે. જૂઠું બોલવા માટે વ્યક્તિમાં મુખ્યત્વે પાંચ ગુણ હોવા જોઈએ. આત્મવિશ્વાસ, નીડરતા, શબ્દભંડોળ, યાદશક્તિ અને નફ્ફટાઈ. સત્ય બહુ લાંબું જીવે છે એ વાત સાચી, પણ સત્ય બોલનારાઓની વસ્તી બહુ ઓછી છે. જ્યારે જુઠ્ઠાણાનું આયુષ્ય ભલે ટૂંકું હોય, પણ વસ્તીમાં વિપુલ છે. જુઠ્ઠાણાંના ગુણ-દોષ વ્યક્તિ, વય અને પ્રસંગ અનુસાર બદલાતા રહે છે. બાળકો માટે જુઠ્ઠાણું અવગુણ કહેવાય છે, પ્રેમીઓ માટે એ કળા ગણાય છે, રાજકારણીઓ માટે એ કુશળતા ગણાય છે ને એ કુશળતા અનિવાર્ય છે. વૃદ્ધજનો માટે એ સ્મૃતિભ્રમ કહેવાય છે અને પતિ-પત્ની માટે એ પ્રકૃતિ ગણાય છે. ‘જૂઠ બોલે તો કૌઆ કાટે’ એ કહેવત વર્ષોથી પ્રચલિત છે, પણ ‘સચ બોલે તો સોના પાવે’ એ ઉક્તિ લુપ્ત થઈને ‘સચ બોલે તો સજા પાવે’ પ્રચલિત થઈ ગઈ છે. ‘જૂઠે કા મુંહ કાલા સચ્ચે કા બોલબાલા’ ને બદલે ‘જૂઠે કે ઘર મેં ઉજાલા, સચ્ચે કે ઘર મેં તાલા’ પ્રચલિત છે.

એક સંતને કોઈએ પૂછ્યું કે કયું અસત્ય વધારે ખરાબ છે, સ્વાર્થ ખાતર બાલાયેલું કે પરમાર્થ ખાતર બોલાયલું? સંતે હસીને કહ્યું કે હે વત્સ, સત્ય અને અસત્યમાં બહુ ફેર નથી. બન્ને છરી જેવા છે. એનો ઉપયોગ મારવા માટે કરો છો કે સમારવા માટે એ વાત મહત્ત્વની છે. કાતરનો ઉપયોગ સાંધવા માટે પણ થાય અને કાપવા માટે પણ. સત્ય-અસત્ય સાપેક્ષ છે. દવાથી લોકો સાજા થાય છે એ સત્ય છે તો દવાથી લોકો માંદા પણ પડે છે અને એ પણ સત્ય છે. સત્ય-અસત્યનાં પરિણામો એને સારા-ખરાબ ઠરાવે છે. હું દૃઢપણે માનું છું કે સૌથી વધારે ખરાબ સત્ય કે અસત્ય એ મૌન છે. ન બોલાયેલું સત્ય કે અસત્ય સૌથી વધારે ખરાબ છે. જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ રહેવું અને જ્યાં ચૂપ રહેવાની જરૂર હોય ત્યાં બોલવું એ બન્ને અધમ છે, અપરાધ છે.

તટસ્થતા ગુણ હોવા છતાં નિર્ણાયક પરિસ્થિતિમાં અભિપ્રાય ન આપવો એ કાયરતા છે. દૂધ અને દહીંમાં પગ રાખવાની વૃત્તિ છે એ અસત્ય કરતાં પણ વધારે ખતરનાક છે. દુનિયામાં સૌથી વધારેમાં વધારે જૂઠું આપણા પોતાના ઘરમાં જ બોલાતું હોય છે. એમાં પણ સૌથી વધારે જૂઠું પતિ-પત્ની વચ્ચે જ બોલાય છે. આ જુઠ્ઠાણાં મોટે ભાગે નિર્દોષ હોય છે, પણ એનું પરિણામ સદોષ જુઠ્ઠાણાં કરતાં વધારે ખતરનાક ક્યારેક નીવડે છે. પતિ-પત્ની વચ્ચે બોલાતાં જુઠ્ઠાણાંઓનો મોટે ભાગે આશય એકબીજાને ખુશ કરવાનો કે રાખવાનો હોય છે તો ક્યારેક એકબીજાના સંબંધમાં ગાંઠ ન પડી જાય એનો હોય છે. ‘શંકા પ્રેમની કાતર છે અને વિશ્વાસ પ્રેમનું ફેવકૉકોલ છે’ એવા શબ્દો ફક્ત પુસ્તકમાં વાંચવા અને વ્યાખ્યાનમાં સાંભળવા મળે. હકીકત એ છે કે પ્રકૃતિથી પુરુષ અવિશ્વાસુ અને સ્ત્રી શંકાશીલ હોય છે (બધા નિયમોને અપવાદ હોવાના જ એની ખાસ નોંધ લેવી).

પતિ અને પત્ની બે વ્યક્તિઓ એવી છે જે એકબીજા વગર રહી શકતી નથી અને એકબીજા સાથે પણ રહી શકતી નથી. એટલે ક્યારેક-ક્યારેક વિશ્વાસ ડગી જતો હોય છે ને શંકા જાગી જતી હોય છે ત્યારે જુઠ્ઠાણાંનો સહારો લેવો પડે છે. કેટલીક વાર પતિ પત્નીનો પ્રેમ પામવા, પ્રશંસા મેળવવા જૂઠું બોલતો હોય છે તો પત્ની પતિનો વિશ્વાસ મેળવવા, ગુસ્સો ટાળવા કે પતિ દુ:ખી ન થાય એ ખાતર જૂઠું બોલે છે. ઘણી વાર પતિ અને પત્ની બન્ને જુઠ્ઠાણાંને પોતાની નબ‍ળાઈ નહીં, પોતાની સિદ્ધિ ગણી જૂઠું બોલતાં હોય છે અને એકબીજાને છેતર્યાનો આનંદ માણતાં હોય છે. ક્યારેક પત્નીઓને પતિ જૂઠું બોલે છે એ ગમે છે. પતિ જ્યારે કહે છે કે તું આજે બહુ સુંદર લાગે છે, તું સ્માર્ટ દેખાય છે, તારા થકી જ મારું અસ્તિત્વ છે, તું જો ન હોત તો હું ન હોત, તારા વગર આ ઘર સ્મશાન છે, તારું મને વ્યસન થઈ ગયું છે, વળગણ થઈ ગયું છે, તું બે દિવસ દૂર રહે છે તો હું મુંઝાઈ જાઉં છું વગેરે આવાં જુઠ્ઠાણાં પત્નીના જીવનનું ભાથું બની જાય છે. પત્ની પણ પતિને ખુશ રાખવા આવી જ તરકીબ અજમાવતી હોય છે.

‘તમારા જેવો પર્ફેક્ટ માણસ મેં ક્યારેય જોયો નથી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો, રાત-દિવસ મહેનત કરો છો, કોઈ સારી ચીજ જોઉં છું તો મને તમારી યાદ આવે છે, એ ખરીદી મને ગિફટ આપવાનું મન થાય છે પણ આટલી મોંઘી વસ્તુ લઈશ તો તમે ગુસ્સે થશો એવું માની ટાળું છું. યુ આર રિયલી જીનિયસ... એવું બોલીને પતિનું મનોરંજન કરતી હોય છે.

છેલ્લે...
મોટે ભાગે પુરુષો પત્નીઓના સવાલોથી ત્રાસી જઈને જૂઠું બોલતા હોય છે. પતિ ઘરે મોડો પહોંચ્યો. પત્નીએ પૂછ્યું, ‘કેમ આટલું મોડું થયું? મોડું થવાનું હતું તો ફોન કેમ ન કર્યો? મેં ફોન કર્યો તો ઉપાડતા કેમ ન’તા?’ પતિએ શાંતિથી કહ્યું ‘ડાર્લિંગ, બોર્ડ મીટિંગ હતી. અર્જન્ટ ઇશ્યુ હતો. બોર્ડરૂમમાં નેટવર્ક નહોતું. પણ એક ખુશખબર આપું, આવતે મહિનેથી કદાચ મને સૅલરીમાં ૧૦ ટકાનું ઇન્ક્રીમેન્ટ મળી જશે.’ વાત ત્યાં પતી ગઈ. આ જુઠ્ઠાણું હતું. જો તે સાચું બોલ્યો હોત તો? ‘કેમ આટલું મોડું થયું?’ ‘રસ્તામાં જૂના મિત્રો મળી ગયા. પરાણે હોટેલમાં ઘસડી ગયા.’ ‘કોણ મિત્રો?’ ‘તું નથી ઓળખતી,’ ‘પણ નામ તો હશેને? કે નામ વગરના મિત્રો હતા?’ ‘નામ છે લલિત, જયોતીન્દ્ર, અરવિંદ, સુરેશ.’ ‘આ બધાં નામો મેં કોઈ દિવસ તમારા મોઢે સાંભળ્યાં નથી.’ પત્નીએ પૂછપરછ ચાલુ જ રાખી. ‘જૂના મિત્રો છે, ઘણાં વર્ષો પછી મળ્યા.’

‘કોઈ લેડીઝ નહોતી?’ ‘ના રે.’ ‘ખાઓ મારા સમ!’ પત્નીએ ચાલુ જ રાખ્યું. ‘અરે પણ એમાં સમ શું ખાવાના? નહોતી એટલે નહોતી.’ ‘કઈ હોટેલમાં ગયા હતા?’ ‘હોટેલ હિલટૉપ.’ ‘તો-તો ડ્રિન્ક લીધું હશે.’ ‘એ લોકોએ લીધું, મેં ફક્ત બ્રિઝર લીધું.’ ‘ખાઓ તમારા સમ!’ ‘બ્રિઝરમાં મારા સમ?’ ‘મારા કહીશ તો તમે તરત ખાશો, કેમ કે મને ખબર છે કે તમે ડ્રિન્ક લીધું છે.’ પતિ કંટાળી જાય. હાથ જોડી કહેવું પડે કે મારી મા, મને માફ કર, હવેથી હું પ્રતિજ્ઞા કરું છું કે કોઈ દિવસ સાચું નહીં બોલું! ટૂંકમાં પતિ-પત્નીની જુઠ્ઠાણાંની ફક્ત એક રમત જ હોય છે, એનો આનંદ લેવાનો હોય. સિરિયસલી નહીં લેવાની. આ પણ પરસ્પર પ્રેમનો અનાડી પ્રકાર છે.

આ પણ વાંંચો: શતરંજ સી ઝિંદગી મેં કૌન કિસકા મોહરા હૈ આદમી એક હૈ મગર સબકા કિરદાર દોહરા હૈ

સમાપન
એક દિવસ મેં વાઇફને સવાલ કર્યો કે તું કોણ છે?
વાઇફે સરસ જવાબ આપ્યો કે
માણો તો હું મોજ છું
પણ ઘટતી જાઉં રોજ છું
ક્યારેક દુ:ખનો ધોધ છું તો
ક્યારેક હું સુ:ખની ખોજ છું!
ભરી લો તો હું શ્વાસ છું
રાખી લ્યો તો વિશ્વાસ છું
ક્યારેક આસપાસ છું તો
ક્યારેક હું બહુ ખાસ છું!
લડી લ્યો તો જંગ છું હું
પૂરી લ્યો તો રંગ છું હું
ક્યારેક ઘણી તંગ છું તો
ક્યારેક તારી સંગ છું હું!
સમજો તો એક વિચાર છું
માનો તો સાચો યાર છું
સ્વપ્ન માનો તો સાકાર છું
ઈશ્વરે આપેલ મહા ઉપહાર છું
(વૉટ્સઍપ)

 

columnists gujarati mid-day