મહારાષ્ટ્રમાં બીજેપી સેના : વિધાનસભા હાથમાં કર્યા પછી રાહતનો નહીં, ટેન્શનનો શ્વાસ લેવાનો આવ્યો છે

04 July, 2022 12:54 PM IST  |  Mumbai | Manoj Joshi

બીજેપી સેનાનું આ જે શાસન હાથમાં આવ્યું છે એમાં ક્યાંય મહારાષ્ટ્ર બીજેપી જશ લઈ શકે એમ નથી એ સૌકોઈ જાણે છે

પ્રતીકાત્મક તસવીર

હા, અત્યારે તો એવું જ છે. ગઈ કાલે ફ્લોર ટેસ્ટ પાસ કરીને બીજેપી અને એકનાથ શિંદેના સાથીઓએ સરકાર બનાવી લીધી અને બીજેપીના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરને સ્પીકરપદ સોંપવામાં આવ્યું. દેખીતી રીતે સૌકોઈનો જંગ પૂરો થયો અને શિવસેનાએ હારનો અનુભવ પણ કરી લીધો એટલે દરેક મોરચા પર હળવાશ અને રાહતનો અનુભવ થયો, પણ એ બહારથી દેખાય છે. હકીકત એવી નથી. મહારાષ્ટ્ર વિધાનસભા હાથમાં કર્યા પછી બીજેપી સેનાએ હવે રાહતનો નહીં, પણ ખરા અર્થમાં ટેન્શન સાથે શ્વાસ લેવાનો છે.

છેલ્લાં અઢી વર્ષ મહારાષ્ટ્ર માટે ભારોભાર કપરાં ગયાં છે. તિજોરી ખાલી છે અને એ તિજોરી કોઈ કાળે રાતોરાત ભરાવાની નથી ત્યારે બીજેપી સેનાને બેચાર દિવસનો આરામ પણ પોસાવાનો નથી, એણે ભાગવાનું છે અને ભાગતાં-ભાગતાં એણે એ સૌને પણ સાથે રાખવાના છે જેમને છેલ્લાં અઢી વર્ષમાં અનેક પ્રકારના વાયદા કર્યા હતા.

બીજેપી સેનાનું આ જે શાસન હાથમાં આવ્યું છે એમાં ક્યાંય મહારાષ્ટ્ર બીજેપી જશ લઈ શકે એમ નથી એ સૌકોઈ જાણે છે. કેન્દ્રમાં બેઠેલા દિગ્ગજો અને શિવસેનાના અસંતોષ સાથે આ સરકારની રચના થઈ છે અને એ રચનાના ભાગરૂપે જ દેવેન્દ્ર ફડણવીસને સ્ટેટનું બીજા નંબરનું પદ સોંપવામાં આવ્યું છે. આ એક સિવાયનાં પણ અનેક કારણો છે, પણ આ કારણ મહત્ત્વનું છે અને પ્રથમ હરોળમાં છે. મોવડીમંડળે જ્યારે મહારાષ્ટ્ર બીજેપીનું સત્તા સાથે સગપણ કરાવી દીધું છે ત્યારે અને શિવસેનાની મૂળભૂત માનસિકતાને પકડી રાખીને સેના સામે વિરોધ કરવા ઊતરી આવેલા સૈનિકોને બાગડોર હાથમાં સોંપાઈ છે ત્યારે તેમની પાસે જાતને પુરવાર કરવા માટે અને મહારાષ્ટ્રને નવેસરથી મજબૂત, સક્ષમ અને તાકાતવર બનાવવા માટે લાંબો સમય નથી જ નથી.

શિવસેના અને બીજેપીએ ફ્લોર પર બહુમતી પસાર કરી લીધા પછી એવું પણ ધારવાની જરૂર નથી કે આ સરકાર સ્થાયી રહેશે. આંતરિક મતભેદ પણ કામ કરી શકે છે તો પવાર આણિ મંડળી પણ પોતાનું પોત પ્રકાશવાની કોશિશ કરે એવી શક્યતા બિલકુલ નકારી શકાતી નથી. બને કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાને કાબૂમાં રાખે, પણ એવું થયું તો શિવસેનામાંથી એકનાથ શિંદે પછીનો એક પંથ બહાર આવશે અને જો એ ન આવે તો વિનાસંકોચ એવું માની લેવું કે આ બળવામાં ક્યાંક ને ક્યાંક શિવસેના પણ માનસિક રીતે સહમત હતી. કહેવાનો ભાવાર્થ એ કે રાજકીય પરિસ્થિતિ પણ આવતા દિવસોમાં વણસે અને બીજેપી સેનાએ વધારે સાબદા રહેવું પડે, પણ પોતાની તમામ તાકાત એ દિશામાં રાખતાં-રાખતાં પણ એણે કામ કરવું પડશે અને નક્કર કામ કરવું પડશે. 

વિરોધ પક્ષમાં બેઠી હતી ત્યારે બીજેપી અને દેવેન્દ્ર ફડણવીસે વેપારીઓથી માંડીને ગુજરાતીઓને અનેક વચન આપ્યાં છે. એ વચન લઈ જનારા સૌકોઈ હવે ફરી સામે આવશે અને એ સામે આવશે ત્યારે નૅચરલી વચન-પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખશે તો એ સિવાયનાં પણ જેકોઈ પ્રૉમિસ અપાયાં હશે એ પણ સામે આવશે. એ સૌને નારાજ કરવું પણ બીજેપી સેનાને પોસાશે નહીં તો નવેસરથી વાયદા આપવાનું કામ પણ બીજેપી સેનાથી થઈ નથી શકવાનું. સરવાળે એટલું તો ચોક્કસ છે કે વિધાનસભા હાથમાં આવ્યા પછી હવે હાશકારો નહીં, પણ કપાળે પરસેવો લઈને કામ કરવાનું છે.

columnists manoj joshi