મહારાષ્ટ્રમાં બીજેપી સેના : કૅપ્ટન રહ્યા પછી વાઇસ કૅપ્ટન બનો ત્યારે સ્પોર્ટ્‍સમૅન-સ્પિરિટની પરીક્ષા થાય

05 July, 2022 11:36 AM IST  |  Mumbai | Manoj Joshi

અગાઉ તમે સાહેબ રહ્યા હો એ જ ઑફિસમાં તમારે નીચેના પદ પર રહેવાનું આવે તો માણસ ક્યારેય એ સ્વીકારતો નથી

પ્રતીકાત્મક તસવીર

આમ તો આ વાત ગયા વીકમાં જ કરવી હતી, પણ પરિસ્થિતિ અને સંજોગો જે રીતે બદલાતાં હતાં એ જોઈને સમય ખેંચવો વાજબી લાગ્યો, પણ હવે સમય આવી ગયો છે એ વાત કહેવાનો. તમે સર્વોચ્ચ સત્તા પર રહ્યા હો અને એ પણ અનાયાસ નહીં, નિશ્ચિત કરવામાં આવ્યું હોય એ મુજબ તમે સર્વોચ્ચ સત્તા પર રહ્યા, લાંબો સમય રહ્યા હો અને એ પછી પણ તમને એ જ પદ માટે પ્રોજેક્ટ કરવામાં આવતા હોય અને એવામાં પરિણામો બદલાય અને તમે એ પદથી દૂર ચાલ્યા જાઓ. ઠીક છે, બને એવું એટલે એ વિશે વધારે ચર્ચામાં ન પડીએ, પણ થોડા સમય પછી તમારી સામે ફરીથી એ જ પરિસ્થિતિ આવે અને એ પરિસ્થિતિ વચ્ચે તમારી સામે જવાબદારી આવે કે હવે તમે સર્વોચ્ચ પદ નહીં, પણ તમે એનાથી નીચેનું પદ સંભાળશો. બીજા શબ્દોમાં કહીએ તો, તમે હવે કૅપ્ટન નહીં, પણ વાઇસ કૅપ્ટન બનો.

ભલે તમારી પાસે કૅપ્ટનશિપનો અનુભવ હોય, ભલે તમે જ નવી ટુર્નામેન્ટમાં કૅપ્ટન બનવાના હતા, પણ ઠીક છે; આ વખતે કૅપ્ટન કોઈ બીજું રહેશે અને તમે વાઇસ કૅપ્ટન બની જાઓ. સાહેબ, આ જે સ્વીકાર છે એ સ્વીકાર માટે બહુ મોટું મન જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે એ મોટું મન દેખાડ્યું છે અને એ દેખાડીને જ તેમણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ સ્વીકાર્યું છે. જરા યાદ કરો એ દિવસ, જે દિવસે સૌથી પહેલાં મીડિયામાં એવા સમાચાર વહેતા થયા કે ચીફ મિનિસ્ટર ફડણવીસ બનશે અને એ ન્યુઝ આવ્યાના બે કલાક પછી નવેસરથી ન્યુઝ આવ્યા કે ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે બનશે અને એવું જ બન્યું. બન્ને પદ બદલાયાં અને બદલાયેલાં એ પદ માટે પદાધિકારીમાં સિનિયર કહેવાય એવા દેવેન્દ્ર ફડણવીસે કોઈ વિરોધ પણ ઉઠાવ્યો નહીં અને કોઈ વાંધાવચકા પણ કાઢ્યા નહીં.

આ જે નીતિ છે એ નીતિ જ જીવનમાં તમને આગળ લાવવાનું કામ કરતી હોય છે. અગાઉ તમે સાહેબ રહ્યા હો એ જ ઑફિસમાં તમારે નીચેના પદ પર રહેવાનું આવે તો માણસ ક્યારેય એ સ્વીકારતો નથી. ઘરમાંથી એક વાર જુદી થયેલી વહુ ફરીથી એ ઘરમાં પગ મૂકવા રાજી નથી હોતી કે પછી એક વખત કૅપ્ટન બનેલો પ્લેયર, બીજી ટર્મમાં વાઇસ કૅપ્ટન બનીને નવા કૅપ્ટનને સાહેબ તરીકે નથી સ્વીકારતો, પણ એ તમામ વાતોને અવળી પુરવાર કરવાનું કામ દેવેન્દ્ર ફડણવીસે કર્યું અને આ જે કરી શકે એ જ સાચી સ્પોર્ટ્‍સમૅનશિપ કહેવાય, આને જ સાચો સ્પોર્ટ્‍સમૅન-સ્પિરિટ કહેવાય. આ ત્યારે જ થઈ શકે જ્યારે તમે અહમ્‍ને આગળ ધરીને ચાલતા નથી. આવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે તમારામાં રહેલા હુંપણાને મોટો નથી થવા દેતા.

જીવનમાં આવો તબક્કો આવે ત્યારે હજારો લોકોએ નોકરી છોડી દીધી છે, સેંકડો લોકોએ ટીમ પડતી મૂકી દીધી અને એવું કરનારાઓએ પડતીને સ્વીકારી લીધી છે, પણ ઈગો, અહમ્‍, ઘમંડને હાથમાંથી છોડ્યો નહીં. જીવનમાં એક વાત યાદ રાખજો કે જો નવી ઊંચાઈ હાંસલ કરવી હોય તો, જીવનમાં જો નવી સફળતા પ્રાપ્ત કરવી હોય તો અને એ સફળતાની સાથે વિરાટ બનતા જવું હોય તો ક્યારેય અહમ્‍ને પકડીને ન રહેતા. પદ નહીં, પણ કર્મના આધારે આગળ વધનારાની સફળતાને કોઈ રોકી નથી શકતું.

columnists manoj joshi