Independence Day 2023: કહેવાનું નથી, એ જ અનુભવ સાથે જીવવાનું છે અને જીવતા રહેવું એ જ રાષ્ટ્રભક્તિ છે

11 August, 2023 06:57 PM IST  |  Mumbai | Manoj Joshi

Independence Day 2023: ચાઇના અને પાકિસ્તાન જેવા બે દુશ્મન દેશ વચ્ચે આપણે સતત પીલાતા હતા અને એ પછી પણ આપણે સર્વોચ્ચ રીતે ટકી ગયા. આ જે ટકવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાએ જ તો આપણને સમજાવ્યું છે, ‘મેરા ભારત મહાન.’

તસવીર સૌજન્ય મિડ-ડે

Independence Day 2023:  આઝાદી પર્વ.
પંચોતેર વર્ષ. આ નાનો સમયગાળો નથી, પણ એમ છતાં વાત જ્યારે રાષ્ટ્રની હોય ત્યારે આ સમયગાળાને નાનો જ કહેવો પડે અને એ જ રીતે જોવો પણ પડે. જો તમે ચાલીસના દસકાને ધ્યાનથી જોયો હોય તો બ્રિટિશરોએ દેશ છોડતાં પહેલાં એવી અરાજકતા ઊભી કરી હતી કે આપણને દેશ સંભાળવાની પ્રક્રિયામાં આઝાદી પછી પણ દસકો નીકળી ગયો અને એ દસકા દરમ્યાન પણ તમે જુઓ, દેશ પર બહારથી હુમલા પણ ચાલુ રહ્યા. ચાઇના અને પાકિસ્તાન જેવા બે દુશ્મન દેશ વચ્ચે આપણે સતત પીલાતા હતા અને એ પછી પણ આપણે સર્વોચ્ચ રીતે ટકી ગયા. આ જે ટકવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાએ જ તો આપણને સમજાવ્યું છે, ‘મેરા ભારત મહાન.’

મહાનત્વની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સહજ રીતે જોવી પડશે અને એ સહજ રીતે ત્યારે જ જોઈ શકાશે જ્યારે આ ત્રણ શબ્દો માત્ર શબ્દો બની રહેવાને બદલે અનુભવ બનીને રહે. એ અનુભવ જ આપણા દેશને સાચા અર્થમાં મહાન બનાવશે. આ દેશ આપણો છે. આ દેશની એકેક સંપત્તિ આપણી છે અને આ દેશની દરેક સંપત્તિ પર આપણો હક છે એ સહજતા મનમાં ઘર કરશો ત્યારે જ આપણે આ દેશનું મૂલ્ય સમજીશું અને આ દેશનું મૂલ્ય સમજાશે ત્યારે જ આપણને એની સાથે જોડાયેલી દરેક વાત, દરેક ચીજ, દરેક મુદ્દાઓ આપણાં લાગશે.

રસ્તા પર કચરો ફેંકવાની માનસિકતા પણ તો જ નીકળશે અને ગાર્ડનમાં ગંદકી નહીં કરવાની સમજણ પણ તો જ કેળવાશે. સમયની થપાટ સહન કરતી અને ખંડિયેર બનતી જતી રાજવી ઇમારતની દીવાલ પર પ્રેમનો એકરાર કરવાનું તો જ અટકશે. બેફામ ભાગતાં વાહનો તો જ નિયમ તોડતાં બંધ થશે અને રસ્તા પર કોઈને દુખી થતા જોઈને તો જ અટકવાનું મન થશે. મેરા ભારત મહાન. માત્ર શબ્દો નથી, એને માટે અનુભૂતિ જોઈશ, એવી અનુભૂતિ જે તમને પણ અંદરથી લાગણી આપે.

Independence Day 2023 એટલે આઝાદીનો અર્થ સ્વતંત્રતા છે, સ્વચ્છંદતા નહીં અને આપણે હવે એવો અર્થ સમજતા થઈ ગયા છીએ. દેશની સંપત્તિને પોતાની માનવાનું કામ થશે ત્યારે જ એ સ્વચ્છંદતા દૂર થશે. આ આખો દેશ આપણો છે, દેશના દરેકેદરેક નાગરિક આપણા સ્વજન છે અને એ સ્વજન માટે આપણી જવાબદારી છે. જો આ વાતને સહજ રીતે, સરળતા સાથે અને વાજબી રીતે જીવનમાં અમલ કરતા થઈ શકો એવી આજના આ દિવસે અભ્યર્થના. રાષ્ટ્રની ઉંમર ૭પ વર્ષની થઈ છે, પણ એમાં પાકટતાનો અભાવ છે, આપણે એ પાકટતા હવે દેખાડવાની છે. કારણ શું એ જાણવા માટે આપણે ચાણક્યના શબ્દોની હેલ્પ લઈએ.

રાષ્ટ્રનું મૂલ્ય ત્યાં રહેતા રહેવાસીઓના આધારે નક્કી થતું હોય છે. જે રાષ્ટ્રવાસી પોતાનું મૂલ્યાંકન વાજબી ન કરે એ રાષ્ટ્રનું મૂલ્ય ક્યારેય કોઈ અન્ય વાજબી રીતે આંકી ન શકે.
બહુ જ સાચા છે આ શબ્દો. આપણે આપણી કિંમત સમજવાની છે. જો આપણે આપણી કિંમત કરતા થઈશું તો જ આપણે અન્યની કિંમત પણ વાજબી રીતે કરતા થઈશું. બસ, આ જ આજના આ આઝાદી પર્વની શીખ છે, જેનો અમલ તાત્કાલિક કરવાનો છે.

columnists manoj joshi independence day