લિવ-ઇન ‌રિલેશનશિપઃ યે ગુથ્થી સુલઝેગી નહીં...લિવ-ઇન જ્યારે બને ઇમોશનલ અત્યાચાર

27 November, 2022 10:02 AM IST  |  Mumbai | Ruchita Shah

અગ્રણીઓ માને છે કે આ સંબંધ ટેમ્પરરી અરેન્જમેન્ટ હોઈ શકે, પરંતુ કાયમી સોલ્યુશન તો નથી જ. તો એક વર્ગ એવું પણ કહે છે કે શું કામ વ્યક્તિ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે મોકળાશ સાથે લગ્ન વિના ન રહી શકે?

પ્રતીકાત્મક તસવીર

આજની પેઢી વધુ ને વધુ સંબંધના આ સેટઅપમાં રહેવાનું પસંદ કરી રહી છે ત્યારે આવનારો સમય કેવો હશે? આપણા સામાજિક ઢાંચા પર એની શું અસર થશે? જ્યારે ‌‘લિવ-ઇન રિલેશનશિપ’માં રહેતા હો ત્યારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેવા પ્રશ્નોના જવાબ મેળવીએ આજે...

શ્રદ્ધા વાલકરનો કેસ ભયંકર તો છે જ, પણ સમાજમાં બદલાતા પરિવર્તનને આયનો દેખાડનારોય છે. નવી સામાજિક વ્યવસ્થામાં લિવ-ઇન રિલેશનશિપ ન્યુ નૉર્મલ બની અને નો સ્ટ્રિન્ગ્સ અટેચ્ડ જેવા આ સંબંધો સાથે આવ્યાં ઇમોશનલ બૅગેજિસ. જુનવાણી વિચારો ધરાવતા પરિવારોને દીકરીના આવા સંબંધો અસ્વીકાર્ય હોય અને એવું જ વલણ સમાજનું હોય. એવામાં સોશ્યલી આઇસોલેટ થયેલી યુવતીને સ્ત્રી-પુરુષના સંબંધોમાંથી મરી પરવારતા આકર્ષણની વરવી વાસ્તવિકતાનો અને પુરુષના પઝેસિવનેસના નામે વધતા અબ્યુઝ તેમ જ ડોમેસ્ટિક વાયલન્સનો પરિચય થાય ત્યારે વધુ એક શ્રદ્ધા પેદા થવાનો ડર રહે છે. ફૅમિલી અને સમાજે એકલતામાં હડસેલી દીધેલી યુવતીઓએ શેનું ધ્યાન રાખવું જોઈએ એની છણાવટ કરે છે ‘મિડ-ડે’નાં રુચિતા શાહ. 

યુનિયન મિનિસ્ટર કૌશલ કિશોરે ગયા અઠવાડિયે એક નિવેદન આપ્યું કે શ્રદ્ધા વાલકર સાથે જે થયું એવી ક્રિમિનલ ઘટનાઓ વધવા પાછળનું એક કારણ લિવ-ઇન રિલેશનશિપ છે અને એજ્યુકેટેડ છોકરીઓએ આ પ્રકારના સંબંધોને અવૉઇડ કરવા જોઈએ. આ નિવેદન પછી ફરી એક વાર લિવ-ઇન રિલેશનશિપ અને એની સાથે સંકળાયેલા પ્રશ્નો ચર્ચામાં છે. આપણું સંવિધાન આર્ટિકલ-૨૧ અંતર્ગત લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપે છે. લિવ-ઇનમાં રહેવું કે લગ્ન કરીને સાથે રહેવું એનો નિર્ણય લેવાનો પ્રત્યેક વ્યક્તિને અધિકાર છે. તો પછી શું કામ સમાજના સો કોલ્ડ રૂઢ‌િવાદી લોકો એનો વિરોધ કરે છે એ વિષય પર આધુનિકતાનો પ્રચાર કરતા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આખો મામલો અત્યારે પેચીદા સ્તરે છે ત્યારે લિવ-ઇન રિલેશનશિપ સાથે સંકળાયેલી કેટલીક આંટીઘૂંટીઓ અને આ સંબંધ સાથે સમાજના કલેવરમાં આવી રહેલા ફેરફારો પર ચર્ચા કરીએ...

રિયલ લાઇફ કિસ્સો

લિવ-ઇનમાં રહેવું એ યોગ્ય છે કે અયોગ્ય એની ચર્ચામાં ઊતર્યા પછી ‘મિડ-ડે’ સાથે નામ નહીં આપવાની શરતે મલાડમાં છેલ્લાં આઠ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક કચ્છી કપલને મળીએ. પોતાના પહેલાના લગ્નજીવનમાં પછડાટ ખાધા પછી છૂટાછેડા સાથે ફરીથી જીવનને સેટલ કરવાના પ્રયાસ કરી રહેલું આ કપલ એક કૉમન ફ્રેન્ડના માધ્યમથી એકબીજાને મળ્યું. મિત્રતા ઊંડી થઈ એટલે સાથે રહેવાનો નિર્ણય લીધો, જેમાં સૌથી પહેલાં પેરન્ટ્સની સહમતી લીધી. અંકિતા (નામ બદલ્યું છે) કહે છે, ‘શરૂઆતમાં પેરન્ટ્સને ખચકાટ હતો. જોકે તેઓ સહમતી ન આપે તો સાથે ન રહેવું એવું પણ અમે બન્નેએ નક્કી કરી લીધેલું. જીવનના કોઈ તબક્કે તમને કમ્પેનિયનશિપની જરૂર લાગતી હોય છે. જ્યારે પેરન્ટ્સ એક જ શહેરમાં રહેતા હોય અને તમે તમારા પાર્ટનર સાથે લિવ-ઇનમાં રહેતા હો એ બાબત હજી આપણા સમાજને ડાયજેસ્ટ નથી થતી. પણ મારાં મા-બાપ ખરેખર ખૂબ જ સપોર્ટિવ રહ્યાં છે. તેમની પરમિશન પછી અમે સાથે રહેવાનું નક્કી કર્યું છે અને આજ સુધી એ જ રીતે રહીએ છીએ. લગ્ન થયા પછી સંબંધનું આખું કલેવર બદલાઈ જાય છે. એકબીજા પ્રત્યેનો અપ્રોચ બદલાઈ જાય છે. સંબંધને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાવાનું શરૂ થઈ જાય છે. જ્યારે અમારી વચ્ચે આજે પણ એટલી જ રિસ્પેક્ટ અકબંધ રહી છે. અમે બન્ને એકબીજાના પરિવારમાં થતા ફંક્શન્સમાં જઈએ છીએ. ઘરની અને બહારની જવાબદારી સરખા ભાગે નિભાવીએ છીએ. અમારી વચ્ચે ખરા અર્થમાં પાર્ટનરશિપ છે. આર્થિક રીતે, પારિવારિક રીતે, સામાજિક રીતે અમે સાથે મળીને ઘર ચલાવીએ છીએ. બાળકો નથી જોઈતાં અમારે, કારણ કે બાળકો કરો તો તમારે ઘણું સેક્રિફાઇઝ કરવું પડે, પોતાના સપનાને મારીને બાળકના ઉછેર માટે ઘણો બધો સમય ફાળવવો પડે. તેને એક સારું જીવન આપવા માટે અઢળક પ્રકારનું આર્થિક બર્ડન પણ વધી જાય. ઘણા લોકો કહે છે અમને કે બાળક હશે તો બુઢાપાની સેવા કરશે તારી, ત્યારે હું કહેતી હોઉં છું કે મારી પાસે પૈસા હશે તો તમારું બાળક પણ મારું ધ્યાન રાખશે. એટલે લગ્ન કરવાનો અમારો અત્યારે તો કોઈ ઇરાદો નથી. પણ હા, બાળકનું પ્લાનિંગ કરતાં હો તો લગ્ન કરી લેવાં જોઈએ. બાકી જો એકબીજાની સાથે જીવવું હોય તો લગ્નનો થપ્પો જરાય જરૂરી નથી. ઇન ફૅક્ટ, એ થપ્પો લાગ્યા વિના તમે વધુ ઇક્વલિટી અને સમજદારી સાથે જીવી શકો છો.’

આવાં ઘણાં કપલ છે જેઓ ઘણાં વર્ષો સુધી લિવ-ઇનમાં રહ્યાં હોય અને પછી મોડાં-મોડાં બાળક માટે લગ્ન કર્યાં હોય. ૧૭ વર્ષ પોતાની લિવ-ઇન પાર્ટનર સાથે રહી બન્ને દીકરીના ભવિષ્ય માટે લગ્ન કરનાર ફિલ્મમેકર હંસલ મહેતાનો કિસ્સો આપણી સામે જ છે. અંકિતા ઉમેરે છે, ‘લિવ-ઇનમાં તમારા પેરન્ટ્સનું અપ્રૂવલ મહત્ત્વનું છે. ધારો કે તેઓ સાથ ન આપે તો પેરન્ટ્સનું ઘર છોડીને જવાની સલાહ હું નહીં આપું. બન્ને જણ હળીમળીને બધી જ જવાબદારી નિભાવે. ફૅમિલીનો સપોર્ટ હતો એટલે અમને સોસાયટી તરફથી બહુ ભોગવવાનું નથી આવ્યું.’

સૌથી મોટી સમસ્યા

આ થઈ વાત હૅપિલી લિવિંગ ઇન રિલેશન‌ કપલની. જોકે આનાથી વિપરીત કિસ્સા પણ ઘણા છે. જેમ કે મુંબઈના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. રિદ્ધિશ મારુ પોતાની પાસે અત્યારે આવેલા કિસ્સા વિશે વાત કરતાં કહે છે, ‘ઝારખંડની એક છોકરી અને યુપીનો એક છોકરો છેલ્લાં ત્રણ વર્ષથી લિવ-ઇનમાં રહે છે. જોકે હવે હાલત એવી છે કે તેઓ એકબીજાનો ચહેરો જોવા નથી માગતાં. તેમની વચ્ચે સંબંધમાં ખૂબ ખારાશ વધી ગઈ છે, સેક્સ્યુઅલ અટ્રૅક્શન ઝીરો થઈ ગયું છે અને છતાં ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ બૉન્ડ બન્યું હતું અને ત્રણ વર્ષ સાથે રહ્યાં હોવાથી હજી આ સંબંધ જો ટકી જાય તો સારું એવા આશયથી તેઓ સંબંધને બચાવવા માટે કોઈ રસ્તો મળે એવું ધારીને મારી પાસે આવ્યાં હતાં. આવું જ એક બીજું કપલ છે જેમાં ઓગણીસ વર્ષની છોકરી અત્યારે ભયંકર ડિપ્રેશનમાં છે. પરિવારથી છુપાવીને લગભગ બે વર્ષથી બાવીસ વર્ષના એક યુવક સાથે તે લિવ-ઇનમાં રહેતી હતી. જોકે ધીમે-ધીમે એ છોકરો વધુ ડોમિનેટિંગ અને ગુસ્સાવાળો હતો. તમે આફતાબ-શ્રદ્ધાના કેસમાં વાંચ્યું જ હશે એ રીતે એ છોકરો તેને મારી નાખવાની ધમકી આપતો હતો. તે તેનાથી છૂટવા માગતી હતી, પણ છૂટી નહોતી શકતી. નસીબ સારાં કે તેના પેરન્ટ્સને તેની માનસિક હાલત બગડેલી જણાતાં તેઓ અહીં આવ્યાં અને આખી પરિસ્થિતિ તેમના ધ્યાનમાં આવી. તેમણે પોતાની દીકરીને પેલા છોકરાથી દૂર કરીને પોતાની પાસે રાખી લીધી છે. અત્યારે એ છોકરીની ડિપ્રેશનની દવા ચાલે છે, પણ અત્યારેય તેના મનમાં ડર પેસેલો જ છે કે ક્યારેક એ છોકરો આવી જશે અને તેને મારી નાખશે તો? તેણે બે વર્ષમાં સહેલી ડોમેસ્ટિક હિંસાની બહુ ખરાબ અસર તેની માનસિક સ્થિતિ પર પડી છે. આ પરિવાર પોલીસમાં જવા તૈયાર નથી, કારણ કે તેમને ડર છે કે ક્યાંક પોલીસ તેમને જ હેરાન કરશે અથવા તો તેમની દીકરીની પણ આમાં બદનામી થશે. આ સંબંધોમાં જ્યારે અટ્રૅક્શન પૂરું થાય એ ફેઝ બહુ દયનીય બની જાય છે. લીગલ પ્રોટેક્શન નથી અને સોશ્યલી એક્સેપ્ટેબલ નથી એટલે અંદર ટ્રૉમા વધી જાય છે. હેલ્પ લેવા માટે પણ તમારે સમદુ‌ખિયા શોધવાનાં હોય છે અને એ લોકો પણ ‘છૂટાં પડી જાઓ’ અથવા તો ‘ઍડ્જસ્ટ કર’ એવી સલાહ આપીને બહુ ઇન્વૉલ્વ થવાનું પસંદ નથી કરતા.’

જુનવાણી વિચાર છોડો

સમય સાથે બદલાવ આવે અને એને સ્વીકારવાના હોય. દરેક વખતે ઑર્થોડોક્સ બનીને ઊભા રહી જાઓ એ ન ચાલે. લિવ-ઇન વ્યવસ્થા એ બદલાયેલા સમયનો ચહેરો છે. વિમન એમ્પાવરમેન્ટ, ચાઇલ્ડ અબ્યુઝ અને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ ઍટ વર્કપ્લેસ જેવા મુદ્દા પર કામ કરતી વડોદરાની સંસ્થા આશના ટ્રસ્ટનાં ફાઉન્ડર તૃપ્તિ શેઠ કહે છે, ‘હજીયે સ્ત્રીના મૂળભૂત અધિકાર માટે આપણે ત્યાં હોવા જોઈએ એવા સ્ટ્રૉન્ગ કાયદા નથી. જેમ કે લિવ-ઇનમાં રહીને શારીરિક સંબંધમાં લગ્નનું વચન આપનારો પુરુષ ફરી જાય તો એને માટે કાયદાકીય કોઈ સહાય નથી. મૅરિટલ સેક્સ જે લગભગ દરેક ઘરની કહાની છે એને માટે આપણે ત્યાં કોઈ કાયદો નથી. એક બહેન હતાં. તેમના હસબન્ડ આર્મીમાં છે. તે બહેન કહેતાં કે હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો પતિ સરહદ પર શહીદ થઈ જાય તો સારું. કારણ કે જ્યારે પણ તે ઘરે આવે ત્યારે પત્નીને બેડ પર બાંધીને તેની સાથે હિંસાત્મક રીતે શારીરિક સંબંધ બાંધતો. તેણે પોતાની માતાને ફરિયાદ કરી તો તે કહે કે આવું તો ચાલે. આમાં કંઈ થોડું પોલીસ પાસે જવાનું હોય. આ આપણા સમાજનું મૂળ કલેવર છે જેમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ મૉડર્ન થઈ હોય તો પણ તેમના માનસમાંથી પુરુષનું આધિપત્ય ભૂંસાય નહીં એનું સિસ્ટમૅટિકલી ધ્યાન રખાયું છે. લિવ-ઇન રિલેશનના ઘણા લાભ છે, પરંતુ આપણો સંકુચિત સમાજ આ વાતને આબરૂ અને ઇજ્જતથી જોતો હોય ત્યારે સ્ત્રીઓએ આ પ્રકારના સંબધોમાં પણ ખૂબ ભોગવવું પડતું હોય છે. કેસ ટુ કેસ લિવ-ઇનની સ્થિતિ જુદી હોય છે. અહીં હું છોકરીઓને સલાહ આપીશ કે લિવ-ઇનમાં ઍડ્જસ્ટમેન્ટ કરવું પડે તો કરજો, પણ કૉમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. ઍડ્જસ્ટમેન્ટ અને કૉમ્પ્રોમાઇઝમાં બહુ ફરક છે. અત્યારે ગે અને લેસ્બિયન કપલ વધુ લિવ-ઇનમાં રહેતાં હોય એવું મેં ઑબ્ઝર્વ કર્યું છે. આજના સમયમાં સેફ્ટી, સિક્યૉરિટી અને સોસાયટલ સપોર્ટના બહાના હેઠળ જે લગ્ન સંસ્થાનાં ગુણગાન ગવાય છે એ લગ્નમાંથી એ બધું જ મળે એ જરૂરી નથી. એ સમયે લિવ-ઇન સિસ્ટમને સાવ અળખામણી કરી દેવી યોગ્ય નથી. હું તો એટલું જ કહીશ કે તમને જેમાં મજા આવે એમાં રહો. બેશક, તમારી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને.’

વિરોધ કરતાં શીખો

લિવ-ઇનમાં રહેવું જરાય ખોટું નથી, પરંતુ ત્યાં થતા અબ્યુઝનો વિરોધ સહેતા રહેવું એ ખોટું છે. તમે ગમે તે રિલેશનમાં હો, ડોમેસ્ટિક વાયલન્સ હોય તો સમયસર એમાંથી બહાર નીકળી જવાની હિંમત અને કેળવણી તમારે તમારાં સંતાનોને આપવી જોઈએ. આ બાબતમાં ઇન્ડિયન અસોસિએશન્સ ઑફ વિમેન સ્ટડીઝનાં વાઇસ પ્રેસિડન્ટ પ્રો. વિભૂતિ પટેલને નાનપણમાં જ પોતાની નાની પાસેથી ટ્રેઇનિંગ મળી છે. નાનીના શબ્દો યાદ કરતાં વિભૂતિબહેન કહે છે, ‘મારાં નાની પોતે ૨૮ વર્ષની ઉંમરે વિડો થઈ ગયાં હતાં. તેમણે મને શીખવેલું કે પહેલી વાર અપમાન કરે કે હાથ ઉપાડે તો હાથ ઝાલજો. આપણે ત્યાં રોટલા ઓછા નથી. આપણે શીખવાડ્યું જ નથી આ સ્ત્રીઓને. સ્ત્રીઓ સધ્ધર થઈ છે, પરંતુ આજે પણ ૭૦,૦૦૦ રૂપિયાનો પગાર લેતી ઊંચી, મજબૂત મહિલા ડો‌મેસ્ટિક વાયલન્સ સહન કરી લેતી આવી છે, કારણ કે આપણે એ સમજણ કલ્ટિવેટ જ નથી કરી કે આ સહન ન કરવાનું હોય. હવે ઍટ લીસ્ટ એ માટેની અવેરનેસ આવી રહી છે. આજે મહિલાઓમાં લોન્લીનેસ વધી રહી છે એ પણ એક કારણ છે કે ઘણુંબધું સ્ત્રીઓ સહન કરી લે છે. એટલે જ લિવ-ઇન સારું કે ખરાબ ગણવાની કે એને આદર્શોમાં બાંધવાનું બંધ કરો. શ્રદ્ધાના કેસમાં જ જુઓને. તે એકલી હતી, કારણ કે તેના લિવ-ઇન સ્ટેટસને સામાજિક એક્સેપ્ટન્સ નહોતું મળ્યું એટલે તેણે ધીમે-ધીમે પોતાને સોશ્યલ સર્કલમાંથી કટ-ઑફ કરી લીધી હતી. એ એકલતા કયા લેવલની હશે જ્યારે તેણે પોતાનો પરિવાર, પોતે જે એરિયામાં મોટી થઈ, ભણી-ગણી એ સ્થાન છોડી દીધું. એકલતાને કારણે ખોટાની ડિપેન્ડન્સી વધતી હોય છે. સોશ્યલ આઇસોલેશનને દૂર કરવાના પ્રયાસ થવા જોઈએ, આવા સંબંધોમાં હોય તેમને માટે.’

સ્ત્રીઓનો ઝુકાવ શું કામ?

૧૯૮૩માં શરૂ થયેલી ‘‌અસ્તિત્વ’ નામની સંસ્થા લગ્ન અને તેના જેવા સંબંધોમાં ત્રાહિત મહિલાઓને મદદ કરવા માટે સક્રિય છે. આ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર બકુલા ઘાસવાલા કહે છે, ‘લગ્ન પરંપરા ક્યારે શરૂ થઈ અને કેવી રીતે એ આગળ વધી એના પર મેં પુષ્કળ રિસર્ચ કર્યું છે. એક ઋષિની સ્ત્રીને દાનવો ઉપાડી ગયા એ ઘટના પછી સમાજમાં લગ્ન પરંપરા શરૂ થઈ. એનું મુખ્ય કારણ સ્ત્રીઓની સલામતી હતું. પરંતુ અત્યારે ઘણાં લગ્નોમાંથી એ ગાયબ છે. ડિવૉર્સ વધ્યા છે એ ખખડી રહેલી લગ્ન સંસ્થાની

ચાડી ખાય છે અને એક રીતે જો ડિવૉર્સ વધશે તો આત્મહત્યા અને ખૂનનું પ્રમાણ ઘટશે. સતત બંધનમાં રહેલી સ્ત્રીઓને મુક્ત થવું છે અને એટલે જ કદાચ સ્ત્રીઓ હવે લિવ-ઇન રિલેશનને પ્ર‌િફર કરતી થઈ છે. કાયદા અને સમાજનાં બેવડાં બંધનોથી મુક્ત થવાની ઝંખનાનું આ પરિણામ છે. જોકે અત્યારે સામાજિક જટિલતા વચ્ચે એ પણ મુશ્કેલ થઈ ગયું છે.’

સ્ટેબિલિટીનું મહત્ત્વ

બીજી બાજુ આ જ મુદ્દા પર ડૉ. રિદ્ધિશ મારુ જુદો મત ધરાવે છે. આપણા પૂર્વજોએ લગ્ન નામની પરંપરા બનાવી એ કંઈ સાવ અકારણ તો નહોતી જ એમ જણાવીને તેઓ કહે છે, ‘લગ્ન તમને સ્થિરતા આપે છે. સક્સેસ માટે સ્ટેબિલિટી મહત્ત્વની છે. કરીઅરમાં નવા-નવા આયામ આસાનીથી સર કરી શકો છો જો તમે મેન્ટલી, ‌

ઇમોશનલી અને ફિઝિકલી સિક્યૉર્ડ અને હેલ્ધી હો. તમને કોઈ ફિલ્મ માટે પણ ટેસ્ટિંગ નથી મળતું કે ચાલો અડધી ફિલ્મ જુઓ, પસંદ આવે તો આગળ જોજો, તો પછી લગ્ન માટે ‘પહેલાં સાથે રહીને જોઈએ, ફાવે છે કે નહીં પછી નક્કી કરીશું’ એ પ્રકારનું ટેસ્ટિંગ મળે એવી ચાહ કેટલી યોગ્ય છે? જો સંબંધ, ખાસ તો ઇન્ટિમેટ સંબંધ એક વર્ષથી વધુ ચાલે તો એમાં અટેચમેન્ટ અને ફીલિંગ્સ જોડાઈ જ ગઈ હોય અને પછી એમાં છૂટા પડવામાં ઘણો મેન્ટલ ટ્રૉમા સંકળાયેલો હોય છે. અમુક પર્ટિક્યુલર એજમાં હૉર્મોન્સ વધેલાં હોય ત્યારે લગ્ન કરીને જીવનને થાળે પાડવાની આપણી પ્રાચીન પદ્ધતિ પાછળના તર્કને આજના વેસ્ટર્ન કલ્ચરથી અંજાયેલી પેઢીએ સમજવાની જરૂર છે અને એવું નથી કે બધાં જ લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. સહનશક્તિ અને કમ્યુનિકેશનનો અભાવ આ બે મુખ્ય કારણો છે અત્યારે લગ્નમાં વધી રહેલા ભંગાણમાં. જો બન્ને પક્ષથી આ દિશામાં કામ થાય તો સંબંધ સચવાઈ શકે છે અને હેલ્ધી રિલેશન બહુ જરૂરી છે વ્યક્તિની મેન્ટલ હેલ્થ માટે.’

લિબરલ સમાજની આડઅસર

લિવ-ઇન રિલેશનશિપ હિન્દુસ્તાનમાં વર્ષોથી હતું. આજે પણ ઘણા કલ્ચરમાં લગ્ન વિના રહેવાની પ્રથા છે. આ ‌સંદર્ભે જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘કદાચ છેલ્લાં બસો-ત્રણસો વર્ષમાં લગ્નની પરંપરા શરૂ થઈ. મારી દૃષ્ટ‌િએ તમે લિવ-ઇનમાં રહો કે લગ્નથી જોડાયેલા હો તો કોઈ ફરક નથી પડતો. જો તમે પરસ્પર

રિલેશનને લઈને વફાદાર છો. જો રિલેશનશિપ માટે શ્રદ્ધા, પ્રેમ અને ડેડિકેશન નથી તો બન્ને બાબતોમાં તમારે ભોગવવાનું આવવાનું છે. લગ્નમાં પરિવારનું અને સમાજનું અપ્રૂવલ મળે છે એ ફરક. આ જ અપ્રૂવલ લિવ-ઇનમાં મળી જાય તો એ જ સંબંધ છે. જોકે અત્યારે ગ્લોબલાઇઝેશનના સમયમાં હું સમાજ સાથે રહીશ તો સમાજ મારી સાથે રહેશે એ માનસિકતા ઊડી રહી છે. મેટ્રો સિટીમાં તો લોકો વધુ ને વધુ આઇસોલેટ થતા જાય છે એમાં સમાજ જેવું કંઈ રહ્યું જ નથી અને એટલે જ મેટ્રો સિટીમાં લિવ-ઇન રિલેશનમાં જીવતા વધુ લોકો જોવા મળશે. અત્યારે સમાજના સેફ્ટીના નિયમો લોકોને જરાય મહત્ત્વપૂર્ણ લાગતા નથી, કારણ કે અત્યારે સ્પીડ છે જીવનમાં. તેજ ગતિમાં સમાજમાં અંધાધૂંધભર્યો માહોલ છે અને એનોનિમિટી એટલે કે સામાજિક ઓળખની બાબતમાં શૂન્યતા પ્રસરી છે એટલે જ આવા સંબંધમાં હિંસા વધી છે. લોકોનો બદનામીનો ડર ગયો છે, કારણ કે જેનું નામ જ નથી તેઓ શું બદનામ થવાના, પરંતુ તમે જોશો તો આજે પણ જે સમાજમાં બધા જ ક્લોઝલી એકબીજા સાથે જોડાયેલા છે અને જ્યાં આજે પણ પરસ્પર કનેક્શન અકબંધ રહ્યા છે ત્યાં આવા કિસ્સા નહીં જોવા મળે તમને’.

કાયદો શું કહે છે?

લિવ-ઇન રિલેશનને આર્ટિકલ-૨૧ અંતર્ગત બંધારણીય માન્યતા તો મળી જ છે, પણ સાથે સુપ્રીમ કોર્ટે આ પ્રકારના સંબંધોમાં કાયદાકીય નિયંત્રણ રાખવા માટે કેટલીક ગાઇડલાઇન્સ પણ આ પ્રકારના વિવિધ કેસમાં જાહેર કરી છે. પુખ્ત વયના અપરિણીત સ્ત્રી અને પુરુષ લગ્ન વિના પણ જો પતિ-પત્નીની જેમ લાંબા સમય સુધી સાથે રહેતાં હોય તો તેમના સંબંધને ‘ઇન ધ નેચર ઑફ મૅરેજ’ એટલે કે લગ્ન જેવા જ સંબંધો ગણવામાં આવશે અને તેમને પ્રિવેન્શન ઑફ ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ, ૨૦૦૫ અંતર્ગત સુરક્ષા મળશે. ત્યાં સુધી કે સ્ત્રી પાર્ટનરને છૂટા પડ્યા પછી એલિમનીનો અને આ સંબંધમાંથી થયેલાં બાળકોને તેમના પેરન્ટ્સ દ્વારા ઊભી કરાયેલી પ્રૉપર્ટીમાં પણ અધિકાર મળશે. આ સંદર્ભે સુરતમાં ફૅમિલી કોર્ટ અને સિવિલ કોર્ટના અગ્રણી ઍડ્વોકેટ અને સોશ્યલ વર્કર શૃંગી દેસાઈ કહે છે, ‘હવે કાયદાની દૃષ્ટ‌િએ લિવ-ઇન રિલેશનને માન્યતા મળી છે, પરંતુ આજે પણ હિન્દુ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કરેલા કપલને જેટલું કાનૂની બૅકઅપ મળે છે એવું લિવ-ઇન પાર્ટનરના કેસમાં નથી મળતું. હવે બદલાતા સમયના નવા પ્રશ્નો આવ્યા છે અને એ બદલાવને અનુરૂપ બદલાવો કાયદામાં પણ આવી રહ્યા છે. આપણે ગમે એટલા મૉડર્ન થઈએ તો પણ લગ્ન પરંપરા પુરુષપ્રધાન સમાજની જ શાખ પૂરે છે. લગ્ન કરીને સ્ત્રી પુરુષના ઘરે જ જાય, પુરુષનો જ વંશવેલો આગળ વધે, પોતાનું નામ બદલીને પુરુષનું નામ મૂકવાનું જેવા નિયમો લગ્ન પરંપરામાં છે જ. લગ્નમાં તકલીફો હોય તો છૂટાછેડા માટેની જે લીગલ પ્રોસિડિંગ છે એ પણ ખૂબ જ સમય માગી લેતી અને પેઇનફુલ છે. આ બધું જાણીને સમજણપૂર્વક લગ્નથી દૂર રહેનારાં કપલ મૅચ્યોરિટી સાથે લિવ-ઇનમાં રહેવાનું નક્કી કરે તો હજી એ યોગ્ય છે. અધરવાઇઝ એ ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થઈ શકે છે. મારી પાસે એવા કેસ છે જેમાં લિવ-ઇન પાર્ટનરની સતામણીથી કંટાળી ગયા હોય, પણ હવે ન પરિવાર સાથ આપવા તૈયાર હોય કે ન અન્ય કોઈ તરફથી તેઓ સપોર્ટ મેળવી શકતા હોય. જ્યારે તમે મૅચ્યોર્ડ નથી, ફાઇનૅન્શિયલી કૅપેબલ નથી ત્યારે હું લિવ-ઇનમાં ઉતાવળ કરીને ન રહેવાની સલાહ જ આપીશ. એવા પણ ઘણા કિસ્સા હોય છે કે ગામડામાં પત્ની હોય અને અહીં એકલો રહેતો પુરુષ કોઈ સ્ત્રીને પટાવી નાખે અને પોતાનું રિલેશનશિપ સ્ટેટસ છૂપું રાખે અને પછી ખબર પડે ત્યારે અહીં તો તેણે કંઈ ગુમાવવાનું છે જ નહીં. લગ્ન કર્યાં હોય તો કંઈ આમ હાથ ખંખેરીને ચાલતી પકડે એવું ન કરી શકે. આવા કેસમાં લગ્નનું બંધન જરૂરી છે.’

શૃંગી દેસાઈ લિવ-ઇનની બાબતમાં સમજણ, મૅચ્યોરિટી અને આર્થિક રીતે પગભર આ બાબતોને મહત્ત્વની માને છે.

‘મેરા ક્યા ઔર મુઝે ક્યા’માંથી બહાર નીકળીએ?

અત્યારે ત્રણ પ્રકારના સંબધો ચલણમાં છે; લગ્ન, લિવ-ઇન રિલેશન અને લિવ-ઇન રિલેશન અબાઉટ ટુ ગેટ મૅરિડ. સાઇકિયાટ્રિસ્ટ અને વિચારક ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘લગ્ન પરંપરાને કોઈ આંચ આવે એવી સંભાવના મને દેખાતી નથી. હા, એટલું ચોક્કસ કહીશ કે લોકો લિવ-ઇનનો વધુ સહજ સ્વીકાર કરતા થશે. જોકે સાથે સમાજે કમ્યુનિટી કનેક્શન વધારવાં પડશે. ‘મેરા ક્યા અને મુઝે ક્યા’ની ખોખલી માનસિકતામાંથી બહાર આવીને એક સૂત્રથી બંધાઈને કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાથે થઈ રહેલા અન્યાય સામે આગળ આવવું પડશે. વિચાર કરો કે શ્રદ્ધાને તેનો પાર્ટનર મારી રહ્યો હતો એ સમયે તેના પાડોશીઓએ કે જાણતા લોકોએ તરત જ આફતાબને સીધોદોર કર્યો હોત કે આ પર્સનલ મૅટર ભલે હોય, પણ જો હવે તેના પર હાથ ઉપાડ્યો છે તો તારા ટાંટિયા ભાંગી નાખીશ એવો ભય દેખાડ્યો હોત તો આફતાબ ગભરાયો હોતને? મારી દીકરી થોડી છે, મારે શું? આવી માનસિકતાથી બહાર નીકળવાની સમાજે અત્યારે સૌથી વધુ જરૂર છે. લિવ-ઇન ખરાબ નથી. આને તમે લગ્ન પહેલાંની આજના સમયને અનુરૂપ ટેસ્ટ ડ્રાઇવ તરીકે જુઓ. સામજ સુન્ન થઈ ગયો છે, ઇમોશનલેસ થઈ ગયો છે, આસપાસ થઈ રહેલી ઘટનાઓ વિશે જાણીને કે કોઈના પર થઈ રહેલા અત્યાચાર પ્રત્યે લોકોનું ખૂન ખૌલતું નથી અને આક્રમક થઈને ખોટાનો વિરોધ કરવાનું શૌર્ય આપણામાંથી ગાયબ  થઈ ગયું છે એ સમસ્યા છે. લિવ-ઇન રિલેશનને ગાળો આપવાથી કંઈ નથી બદલાવાનું. સાચા બદલાવ માટે તમારે, મારે, આ સમાજે પોતાની સેન્સિટિવિટી અને ઍક્શનને જગાડવાની 
જરૂર છે.

columnists ruchita shah