રુબિક્સ ક્યુબના ઢગલામાંથી મસ્ત મોઝેઇક આર્ટ પૉર્ટ્રેટ્સ બનાવે છે આ લિટલ વન્ડર્સ

09 April, 2021 02:13 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આઠ પ્રકારની ક્યુબ સૉલ્વ કરવામાં માસ્ટરી ધરાવતી ઘાટકોપરમાં રહેતી ૧૧ વર્ષની ફલક અને ૯ વર્ષની પલાશ શેઠે જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ અઢળક અવૉર્ડ પોતાના નામે કર્યા છે

રુબિક દ્વારા જાતજાતના પોર્ટ્રેટ બનાવવામાં માહેર છે ફલક અને પલાશ શેઠ

ઘાટકોપરમાં રહેતી ૧૧ વર્ષની ફલક અને ૯ વર્ષની પલાશ શેઠ રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવામાં એટલી હોશિયાર છે કે, ‘ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સ’, ‘એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ’, ‘ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ’ અને ‘મૅજિક બુક ઑફ રેકોર્ડ્સ’ એ તેમની અજોડ પ્રતિભા અને બુદ્ધિમતાની નોંધ લીધી છે. ચાંદિવલીની પવાર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી લિટલ વન્ડર્સ માટે ૨૦૨૦નું વર્ષ માઇલસ્ટોન બન્યું છે ત્યારે વાત કરીએ તેમની એક્સ્ટ્રા-ઑર્ડિનરી ટૅલન્ટ અને અચીવમેન્ટ્સની.

ટૅલન્ટ ઍન્ડ અચીવમેન્ટ્સ

ફલક અને પલાશ માટે રુબિક્સ ક્યુબિંગ હંમેશાંથી રસનો વિષય રહ્યો છે. ફલક ૬ વર્ષની હતી ત્યારે અમે જોયું કે તેને બ્રેઇન ગેમમાં ઇન્ટરેસ્ટ પડે છે. ક્યુબ તેનું ફેવરિટ ટૉય છે. તેમનાં મમ્મી પૂનમ શેઠ કહે છે, ‘ફલકને ઇન્ટરેસ્ટ હતો પણ એક સાઇડ સૉલ્વ કરે ત્યાં બીજી સાઇડ જમ્બલ થઈ જતી. તેમ છતાં પ્રયાસો કર્યા કરે અને એમાં જ ખૂંપેલી રહે. તેનું જોઈને ચાર વર્ષની પલાશ પણ ટ્રાય કરતી. ઇન્ટરનેટના માધ્યમથી ક્યુબ સૉલ્વ કરવાની ટેક્નિક જોઈ અમે લોકોએ હેલ્પ કરી જોઈ, પરંતુ જોઈએ એવી સફળતા ન મળતાં બાકાયદા તાલીમ માટે મોકલવાનું નક્કી કર્યું. દસ કલાકના કોર્સમાં બન્નેને ક્યુબ સૉલ્વ કરતાં આવડી ગઈ હતી. શરૂઆતમાં ક્યુબ સૉલ્વ કરવામાં ત્રણ મિનિટ લાગતી. પ્રૅક્ટિસ અને પ્રશિક્ષણની કમાલથી સ્પીડ વધતી ગઈ. દોઢ મિનિટ, પચાસ સેકન્ડ અને હાલમાં ૩૦ સેકન્ડમાં સૉલ્વ કરી નાખે છે. પાંચ વર્ષમાં દસ જેટલા શિક્ષકો પાસેથી તેમણે તાલીમ લઈ આ મહારથ હાંસલ કરી છે.’

રુબિક્સ ક્યુબ પ્રત્યેના લગાવને કારણે ફલક અને પલાશને કોરોનાકાળમાં મજાની ઍક્ટિવિટી મળી ગઈ હતી. સમય અને શક્તિને યોગ્ય દિશામાં વાપરી બન્નેએ અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. અચીવમેન્ટ્સ વિશે જાણકારી આપતાં પૂનમબહેન કહે છે, ‘બસો જેટલા સ્પર્ધકો વચ્ચે યોજાયેલી ક્યુબિંગ ચૅલેન્જ ૨૦૨૦ સ્પર્ધામાં ફલક પ્રથમ સ્થાન પર રહી હતી. આ જ ગાળામાં યોજાયેલી ક્યુબપ્લસ વિન્ટર ઓપન ૨૦૨૦માં ચારસો જેટલા સ્પર્ધકોમાંથી તેને ‘અપકમિંગ સ્ટાર ક્યુબર’નો અવૉર્ડ મળ્યો છે. પલાશની ઉપલબ્ધિઓ પણ કંઈ નાનીસૂની નથી. ઉપરોક્ત બન્ને સ્પર્ધામાં તેને ગોલ્ડ મેડલ મળ્યો છે. વાસ્તવમાં શરૂઆતથી જ બન્ને સાથે પાર્ટિસિપેટ કરે છે. પૅશન અને ટૅલન્ટ્સના લીધે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકૉર્ડ્સ બુકમાં સ્થાન મળ્યું છે. ૨૦૧૫થી અનેક સ્પર્ધામાં ભાગ લઈ અઢળક ઇનામો જીત્યાં છે.’

મોઝેઇક પૉર્ટ્રેટ

ફલક અને પલાશને ક્યુબિંગ ઉપરાંત મોઝેઇક પૉર્ટ્રેટ બનાવવાનું ખૂબ ગમે છે. અત્યાર સુધી ભગવાન મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર, સોશ્યલ અવેરનેસ, સ્કૂલનો લોગો વગેરે મોઝેઇક બનાવ્યાં છે. મહિલા દિવસની ઉજવણી રૂપે મધર ટેરેસાનું મોઝિઇક પૉર્ટ્રેટ બનાવ્યું હતું. આ તસવીરો બનાવવા માટે ૧૦થી ૧૨ કલાકનો સમય લાગે છે. ધીરજનો ગુણ વિકસ્યો હોવાથી પૉર્ટ્રેટમાં પણ અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. મોઝેઇકની વાત નીકળતાં ફલક એક્સાઇટ થઈને કહે છે, ‘અમે હંમેશાંથી મોઝેઇક કરવા માગતા હતા. ભૂતકાળમાં કેટલાંક બનાવ્યાં હતાં. લૉકડાઉનમાં અમારી ટૅલન્ટને વધુ વિકસાવવાની તક મળી. અમારી પાસે પાંચસો જેટલી ક્યુબનું કલેક્શન છે એમાંથી પૉર્ટ્રેટ બનવાની પ્રૅક્ટિસ કરીએ છીએ. જોકે આવી તસવીર માટે ઘરમાં વિશાળ જગ્યા જોઈએ. આખો બેડરૂમ રોકાઈ જાય. એક વાર અમે લોકોએ નાનપણની તસવીરનું પૉર્ટ્રટ બનાવ્યું હતું. બહુ મહેનત કરી હતી એટલે ચાર-પાંચ દિવસ રહેવા દીધું, પછી ઉઠાવી લેવું પડ્યું. એ વખતે ઇમોશનલ થઈ જવાયું. હવે દાદા-દાદીનું પૉર્ટ્રેટ બનાવવાનાં છીએ. વાસ્તવમાં અમારી અંદરની ટૅલન્ટને બહાર લાવવાનું શ્રેય દાદા-દાદી અને નાના-નાનીના ફાળે જાય છે.’

મિશન ૧૪

સ્પીડ અને ફ્યુચર ડ્રીમ વિશે વાત કરતાં ફલક કહે છે, ‘ક્યુબ સૉલ્વ કરવામાં અત્યારે અમને ૩૦ સેકન્ડનો સમય લાગે છે. હવે ૧૪ સેકન્ડમાં ક્યુબ સૉલ્વ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. છ મહિનામાં ટાર્ગેટ અચીવ થઈ જાય એ માટે અમે રોજ એક કલાક પ્રૅક્ટિસ કરીએ છીએ. મોટા થઈને મારે બ્રેઇન ગેમ ડેવલપર બનવું છે, જ્યારે પલાશ ડિજિટલ ફોટોગ્રાફર બનવા માગે છે.’

columnists Varsha Chitaliya