હાર શું છે? (લાઇફ કા ફન્ડા)

17 June, 2019 12:47 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

હાર શું છે? (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક પંખીએ એક-એક તણખલું શોધી-શોધી જાળવીને માળો બાંધ્યો. સમય આવ્યે પંખીએ ઈંડાં મૂક્યાં. માળાપંખી સતત ઈંડાં સેવે અને નરપંખી માળાપંખીને ખોરાક લાવી આપે. થોડો વખત થયે ઈંડાંમાંથી નાનાં નાનાં મુલાયમ બચ્ચાં બહાર આવ્યાં. હવે નરપંખી માળાની આજુબાજુ ઊડી બચ્ચાનું રક્ષણ કરે અને માળાપંખી સતત ખાવાનું શોધે અને બચ્ચાઓને ચાંચ વાટે ખવડાવે.

એક દિવસ નરપંખી થોડે દૂર દાણા ચણવા ગયું. તેની નજર માળા પર જ હતી. તેણે દૂરથી જોયું તો એક જંગલી બિલાડો ઝાડ પર ચડી માળા સુધી પહોંચવાની તૈયારીમાં હતો. નરપંખીએ કલબલાટ કરી મૂક્યો. ભયને લીધે બચ્ચાં પણ ચીસો પાડવાં લાગ્યાં. બીજાં ઘણાં પંખીઓ ભેગાં થઈ ગયાં. બિલાડો તો ભાગી ગયો, પણ એક બચ્ચું માળામાંથી નીચે પડી ગયું. માદાપંખી પણ આવી ગઈ. નરપંખી અને માદાપંખીએ નીચે પડેલા બચ્ચાને સાચવીને માળામાં મૂક્યું. પાણી પીવડાવ્યું. થોડો ખોરાક આપ્યો. બચ્ચું બચી ગયું, પણ ઉપરથી નીચે પડ્યું અને જે બાજુ જમીન સાથે અથડાયું તે બાજુની પાંખનો તેનો વિકાસ ધીમો થઈ ગયો.

થોડો સમય પસાર થયો. નર અને માદાપંખી સાથે મળી પોતાનાં બચ્ચાઓને ઊડવાનું શીખવવા લાગ્યાં. પંખીની જાત, એટલે અન્ય બચ્ચાઓ તો થોડા દિવસોમાં ઊડતા શીખી ગયાં. જે બચ્ચાની એક પાંખનો વિકાસ નબળો હતો તે બચ્ચાને માદાપંખી ખૂબ ધીરજથી ઊડતા શીખવતી, હિંમત આપતી. બચ્ચું ઊડવાની કોશિશ કરતું પણ એક નબળી પાંખના કારણે બીજી પાંખ પર વધારે જોર આવતું અને તે જરાવારમાં જ થાકી જઈ નીચે પડતું. માદાપંખી તેને જાળવી લેતી. નબળી પાંખ ધરાવતા બચ્ચાએ ઘણા દિવસ ઊડવાની કોશિશ કરી. તે જરા ઊડતું અને નબળું પડી નીચે પડતું. હવે તે થાક્યું. મનથી ભાંગ્યું. હવે તેણે માતાને કહી દીધું, મા, મને ઊડવાનું શીખવવાનું રહેવા દે, હું રોજ જેટલી વાર કોશિશ કરું છું એટલી વાર પડું જ છું. હવે મારે ઊડવું નથી, નીચે પડી હારવું નથી. હવે હું ઊડીશ જ નહીં. હું અહીં જમીન પર ઠીક છું.

આ પણ વાંચો : સરખામણી ન કરો - (લાઇફ કા ફન્ડા)

માતા બોલી, મારા બચ્ચા, પડી જવું એ હાર નથી, પણ તું જ્યારે ફરી ઊઠવાની અને ઊડવાની ના પાડે છે તે ચોક્કસ તારી અને મારી હાર છે. તને ખબર નથી પણ તું રોજ સતત ઊડવાની કોશિશ કરે છે અને પડે છે. તને તું પડે છે તે દેખાય છે પણ તું રોજ આગલા દિવસ કરતાં વધારે સમય ઊડી શકે છે તે મને દેખાય છે. કોશિશ ચાલુ રાખ, જરૂર સફળતા મળશે. માતાના શબ્દોએ બચ્ચાને હિંમત આપી. તે ફરી ઊડવા લાગ્યું અને જલદી નીચે ન પડ્યું... ઊડતું રહ્યું.

columnists