તમારું મૂલ્ય (લાઇફ કા ફન્ડા)

10 July, 2019 10:48 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

તમારું મૂલ્ય (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

ગામમાં એક મોટો ઠેકેદાર હતો. તેના ઘણાં કામ હતાં અને જુદાં જુદાં કામોમાં હજારો મજૂરો તેને ત્યાં કામ કરતા. એક દિવસ ઠેકેદારને ત્યાં કામ કરતા બધા મજૂરોએ પોતાની માગ પૂરી કરાવવા હડતાળ કરી અને મહિનાઓ સુધી હડતાળ ચાલુ રહી. ઠેકેદાર તેમની વાત માન્યો નહીં. મજૂરો હવે દૂરના ગામે મજૂરી માટે ચાલ્યા ગયા તો કેટલાક ઠેકેદાર પાસે કામ માગવા ગયા, જ્યારે બીજે ગામથી પણ મજૂરો અહીં હડતાળનું જાણી કામ માગવા આવ્યા.

ઠેકેદારને તો પોતાનું કામ સતત ચાલુ રાખવા રોજ મજૂરોની જરૂર પડતી જ હતી. પહેલો મજૂર તેની પાસે કામ માગવા ગયો. ઠેકેદારે કહ્યું, ‘કામ આપીશ પણ શું મજૂરી લઈશ તે તું જ બોલ એટલે પછી મગજમારી નહીં.’ મજૂર બોલ્યો, ‘સો રૂપિયા દિવસના.’ ઠેકેદારે તેને ઈંટ બનાવવા માટી ખોદવાનું કામ સોંપ્યું. તેણે આખો દિવસ કામ કરી સો ટોપલા માટી ખોદી.

બીજો મજૂર આવ્યો, ઠેકેદારે તેને પણ પૂછ્યું, ‘કેટલી મજૂરી લઈશ?’ મજૂર બોલ્યો, ‘દિવસના ચારસો રૂપિયા.’ ઠેકેદારે તેને પોતાની કોલસાની ખાણમાં કોલસા ખોદવાનું કામ આપ્યું. તેણે આખો દિવસ કામ કરી દસ મણ કોલસા ખોદી કાઢ્યા.

ત્રીજો મજૂર આવ્યો. તેણે રૂઆબમાં આઠસો રૂપિયા મજૂરી માગી. ઠેકેદારે તેને પણ ના ન પાડી અને પોતાની હીરાની ખાણમાં કામ કરવા મોકલ્યો. તેણે આખો દિવસ કામ કરી ત્રણ હીરા શોધ્યા.

સાંજ પડી. આખો દિવસ કામ કરી ત્રણે મજૂરો ઠેકેદાર પાસે મજૂરી લેવા અને પોતે શું કામ કર્યું તે કહેવા ગયા. ઠેકેદારે બધાની વાત સાંભળી અને પછી પહેલા મજૂરને સો રૂપિયા, બીજા મજૂરને ચારસો રૂપિયા અને ત્રીજા મજૂરને આઠસો રૂપિયા આપ્યા. આ જોઈને પહેલો મજૂર નારાજ થઈ ગયો અને પૂછ્યું ‘આમ કેમ?’

ઠેકેદારે કહ્યું, ‘ભાઈ, તારી મજૂરી તે નક્કી કરી હતી, તેમ આ લોકોએ પણ પોતાની મજૂરી પોતે જ નક્કી કરી હતી. તારામાં જેટલી કામ કરવાની ઈચ્છા, આવડત અને શક્તિ હતી એટલી મજૂરી તે માગી. આ લોકોએ પણ પોતાની આવડત, ઈચ્છા અને શક્તિ પ્રમાણે મજૂરી માગી અને બધાએ કામ પણ તે પ્રમાણે જ કર્યું છે. તે માત્ર માટી ખોદી, બીજા મજૂરે કોલસા અને ત્રીજા મજૂરે હીરા...’ ઠેકેદારની વાત સાંભળી મજૂર ચૂપ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મૂળ કામ તો જમીન ખોદવાનું જ હતું, પણ કોણે કયાં અને કઈ રીતે કર્યું તેના પર આધાર હતો.

આ પણ વાંચો : કમાલ શબ્દોની (લાઇફ કા ફન્ડા)

પોતાની આત્મશક્તિ પર વિશ્વાસ રાખો, તેનું મૂલ્ય તમે જેટલું આંકશો તેટલું જ થશે. માટે હંમેશાં ઉચ્ચ વિચાર...ઊંચું નિશાન...ઊંચું મૂલ્ય રાખો.

columnists