વાત શીખવા જેવી (લાઇફ કા ફન્ડા)

30 August, 2019 02:15 PM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

વાત શીખવા જેવી (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક કૂતરા અને વાંદરા વચ્ચે કોઈ કારણસર લડાઈ થઈ. વાંદરો ઘૂરક્યો અને કૂતરાએ પોતાનો પંજો વાંદરાના મોઢા પર વીંઝ્યો...વાંદરો માર ખાઈને ભાગ્યો અને થોડીવારમાં જ પાંચથી સાત વાંદરાને સાથે લઈને આવ્યો. હવે કૂતરાનું આવી બન્યું, આટલા બધા વાંદરા સામે તે એકલો કઈ રીતે ટકે. તે સામો થયો જ નહીં અને ગરદન નમાવી ચૂપ જ રહ્યો. બિલકુલ સામો થયો જ નહીં. વાંદરાની ટોળી કંઈ કર્યા વિના ચાલી ગઈ.

હવે આપણને બે-ત્રણ વિચાર આવે કે કેમ કૂતરો સામો ન થયો, કેમ વાંદરાઓએ તેને છોડી દીધો કે પછી કેમ કૂતરાએ બીજા કૂતરાઓને ભેગા ન કર્યા, પણ આવું કંઈ ન થયું...અને વળી પાછા વાંદરા પોતાની મસ્તીમાં અને કૂતરો પોતાની ગલીમાં ફરવા લાગ્યો.

ચાર દિવસ પછી વળી પાછી લડાઈ થાય તેવી પરિસ્થિતિ થઈ. કોઈકે કૂતરાને ખાવા માટે ત્રણ- ચાર ભાખરીઓ આપી અને બીજા કોઈકે બિસ્કિટ. હવે કૂતરો આ બેમાંથી પહેલાં શું ખાવું તે વિચારી રહ્યો હતો ત્યાં એક વાંદરો ત્યાં આવ્યો. ન કૂતરો આક્રમક બની ભસ્યો કે ન ત્યાંથી ભાગ્યો. કૂતરાએ કંઈ કર્યું નહીં એટલે વાંદરો પણ શાંતિથી બેઠો. હવે કૂતરાની નજીક ભાખરીઓ હતી અને વાંદરાની નજીક બિસ્કિટ, પણ વાંદરાની નજર ભાખરી પર હતી અને કૂતરાની નજર બિસ્કિટ પર. બંને એકબીજાની નજર પારખી ગયા. કૂતરાએ ધીમેથી ભાખરી વાંદરા તરફ ખસેડી અને વાંદરો શું કરે છે તે જોવા શાંત બેઠો. વાંદરાએ ભાખરી લઈ લીધી અને બિસ્કિટ કૂતરા તરફ ખસેડી. બંને પશુઓ શાંતિથી પોતાની મનગમતી વસ્તુ ખાવામાં મશગૂલ બન્યા.

આ પણ વાંચો : 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

બે પશુઓની આ વાતમાં શું સમજવાનું? ...સમજવાનું એ છે કે પશુઓ પણ સમય આવે પશુતા ભૂલીને શાંતિનો માર્ગ પસંદ કરે છે. અત્યારે તો એવું થઈ રહ્યું છે કે માણસ માનવતા ભૂલી પશુતા શીખી રહ્યો છે. પશુઓની પશુતા ઓછી થઈ રહી છે અને માણસની પશુતામાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. પશુઓ વેર ભૂલે છે, માણસ વેર વધારે છે, સતત વેર ઘૂંટે છે. માણસ રોટી અને જમીન માટે એકબીજા સાથે લડે છે અને પશુઓ જે મળે તે વહેંચીને ખાઈ લેવાનો રસ્તો પસંદ કરે છે. આજકાલ માણસની વૃત્તિ જોઈ કદાચ પશુઓ એમ વિચારતા હશે કે આપણે પશુ છીએ, આપણાથી આ માણસ જેવું ક્રૂર ન થવાય. વાત સમજો, જીવનમાં પ્રવેશેલી પશુતાને દૂર કરી પ્રેમ અને માનવતા વાવો.

columnists