ભગવાનનું ક્વેશ્ચન પેપર (લાઇફ કા ફન્ડા)

24 April, 2019 01:20 PM IST  |  | હેતા ભૂષણ

ભગવાનનું ક્વેશ્ચન પેપર (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક રાતે બધાની પરીક્ષા લેતા ફરતા અને પોતે પણ પળે-પળે પરીક્ષા લેતા માણસને સપનું આવ્યું અને સપનામાં એક દેવદૂત હાથમાં હૉલ-ટિકિટ આપી બોલ્યો, ‘આવતી કાલે તમારી સ્વર્ગમાં એન્ટ્રી મળશે કે નહીં એ નક્કી કરવા માટેની એન્ટ્રન્સ પરીક્ષા છે. આ તેની હૉલ-ટિકિટ છે.’

સતત પરીક્ષા આપતો હોવા છતાં પરીક્ષાનું નામ પડતાં જ માણસ ડરી ગયો. તેણે દેવદૂતને પૂછ્યું, ‘મારી પરીક્ષા શું કામ?’

દેવદૂતે કહ્યું, ‘પરીક્ષા તો બધાએ આપવી જ પડે, એમાંથી કોઈ છટકી શકતું નથી, પણ બધાની પરીક્ષા જુદી-જુદી રીતે લેવામાં આવે છે. ચાલો, કાલે તમારી પરીક્ષા છે. ઑલ ધ બેસ્ટ.’

માણસે કહ્યું, ‘અરે દેવદૂત, જરા એ તો કહેતા જાઓ કે પરીક્ષામાં પુછાશે શું?’

દેવદૂત હસતાં-હસતાં કહે છે, ‘પ્રશ્નપત્ર તો ભગવાન જ આપશે, પણ મને એટલી ખબર છે કે બહુ ઓછા પ્રશ્નો હશે અને જવાબ માત્ર હા અને નામાં આપવાનો રહેશે.’ આટલું બોલી હાથમાં હૉલ- ટિકિટ મૂકી દેવદૂત અંતર્ધ્યાન થઈ ગયો.

સપનું હતું, પણ સપનામાં પણ માણસની ઊંઘ ઊડી ગઈ. આવતી કાલની પરીક્ષાની તૈયારી કરવા માટે તેની પાસે માત્ર ૨૪ કલાક જ હતા. શું કરું, શું કરું. શું જાણી લઉં, શું વાંચી લઉં. શું મોઢે કરી લઉં એ નક્કી કરવામાં જ ઘણો સમય પસાર થઈ ગયો. ધર્મનાં થોથાં ઊથલાવ્યાં. ગીતા ખોલી પછી બંધ કરી. ઘણું કર્યું અને સતત ચિંતા પણ કરી કે પરીક્ષામાં શું પુછાશે?

બસ, ૨૪ કલાક તો ચપટીકમાં પસાર થઈ ગયા. પરીક્ષાનો સમય થઈ ગયો. દેવદૂત હાજર થઈ ગયો હાથમાં પ્રશ્નપત્ર લઈને. દેવદૂતે કહ્યું, ‘આજે તમારા માટે ભગવાને સૌથી નાનું પ્રશ્નપત્ર મોકલાવ્યું છે જેમાં માત્ર બે પ્રશ્ન જ છે અને ઉત્તર પણ લાંબા નથી લખવાના. માત્ર હા કે નામાં જ ઉત્તર આપવાનો છે.’

માણસ રાજી થઈ ગયો. માત્ર બે જ પ્રશ્ન, ચાલો સારું એમ મનમાં વિચાર્યું અને પ્રશ્નપત્ર વાંચવાનું શરૂ કર્યું.

પહેલો પ્રશ્ન, શું તમે પૃથ્વી પર જન્મ લઈને ખુશ છો? ગુણાંક ૧.

બીજો પ્રશ્ન, શું પૃથ્વી પર તમે જેને મળ્યા છો એ લોકો ખુશ છે? ગુણાંક ૯૯.

જવાબ લખે એ પહેલાં માણસની ઊંઘ ખૂલી ગઈ. સપનું પૂરું થયું અને માણસની આંખો પણ ઊઘડી ગઈ. જ્યારે ભગવાન આવી સાચે જ પરીક્ષા લે ત્યારે બન્ને પ્રશ્નના જવાબ હા લખી ૧૦૦ ગુણાંક મેળવવા તે કામે લાગી ગયો.

આ પણ વાંચો : લાઇફ કા ફન્ડા - બોલો ઓછું, સાંભળો વધુ

ચાલો આપણે પણ ભગવાનના ક્વેશ્ચનપેપરના જવાબ હામાં લખી શકીએ એ માટે કામે લાગી જઈએ. અન્યને ખુશી આપો, તમને આપોઆપ ખુશી મળશે.

columnists