એક નાની જવાબદારી (લાઇફ કા ફન્ડા)

09 August, 2019 11:33 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

એક નાની જવાબદારી (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી. ઘરના બધા જલદી ઊઠી ગયા. બધાએ દોડાદોડી કરી મૂકી. ડૉક્ટરને બોલાવ્યા. ડૉકટરે કહ્યું ‘હાર્ટ-અટૅક છે, જેમ બને તેમ જલદી હૉસ્પિટલ પહોંચાડવા પડશે. જો કલાકની અંદર સારવાર નહીં મળે તો પેશન્ટનું બચવું મુશ્કેલ બનશે.’ ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. અડધી રાત્રે પણ પંદરથી વીસ મિનિટમાં ઍમ્બ્યુલન્સ આવી ગઈ.

ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર રાત્રે પણ ડ્યુટી પર સજાગ હતો, તરત પરિસ્થિતિ જાણી. જાળવીને પેશન્ટને ઍમ્બ્યુલન્સમાં સુવાડ્યા અને સમયની કટોકટી અને પેશન્ટની નાજુક સ્થિતિ સમજીને ડ્રાઈવરે અૅમ્બ્યુલન્સ બને એટલા થડકા ન લાગે તે રીતે સડસડાટ દોડાવી.

ઍમ્બ્યુલન્સ સીધી હૉસ્પિટલના દરવાજે આવીને જ ઊભી રહી અને અડધી રાત્રે થોડો સ્ટાફ ઊંઘતો હોય તેથી પેશન્ટને અંદર લઈ જવામાં પણ ડ્રાઈવરે મદદ કરી. બને એટલા જલદી પેશન્ટને અંદર ડૉક્ટર સુધી પહોંચાડ્યા. ડૉક્ટર આવ્યા, પેશન્ટને તપાસવાનું શરૂ કર્યું. ઘરના સભ્યો ફોર્મ ભરવામાં અને પૈસા ડિપોઝિટ કરાવવામાં લાગ્યા.

ડૉક્ટરે દર્દીને તપાસી લીધા બાદ કહ્યું ‘સિવિયર હાર્ટએટેક આવ્યો છે, તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા પડશે.’ ડૉકટરે બધી તૈયારીઓ શરૂ કરી. ફટાફટ દવા ને ઇન્જેક્શન આપ્યા અને દર્દીની હાલત ધીમે ધીમે સુધરવા લાગી, થોડી સ્ટેબલ થઈ. ડૉક્ટરે ઘરના સભ્યોને કહ્યું ‘અત્યારે પેશન્ટની સ્થિતિ સારી છે, તબિયત સુધારા પર છે. સારું થયું તમે બરાબર સમયસર તેમને અહીં લઈ આવ્યા. જો દર્દીને હૉસ્પિટલ સુધી લાવવામાં થોડું પણ મોડું થયું હોત તો કંઈ પણ થઈ શકત.’ ઘરના બધા સભ્યોને થોડી હાશ થઈ. બધા ભગવાનનો અને ડૉકટરનો આભાર માનવા લાગ્યા.

થોડે દૂર ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઊભો હતો અને પોતે જે દર્દીને લઈને આવ્યો તેની જાન બચી ગઈ તે જાણીને રાજી થતો હતો, તેના મોઢા પર એક નાનકડી હાશકારો ભરેલી સ્મિતની રેખા અને આંખોમાં પોતે પોતાની જવાબદારી બરાબર નિભાવીની ચમક હતી. ન કોઈએ તેનો આભાર માન્યો, ન ઍમ્બ્યુલન્સના ડ્રાઈવરને કોઈ આવીને પોતાનો આભાર માને તેવી અપેક્ષા હતી. બસ પોતે પોતાની જવાબદારી પૂરી કરી એટલે તે ખુશ હતો.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

આવું રોજ થતું હોય છે, જીવનમાં ડગલે ને પગલે થતું હોય છે. નાની નાની જવાબદારીભર્યાં કામ નિભાવી ઘણા આપણને મદદરૂપ થતાં હોય છે, પણ આપણે મોટી મદદ કરનાર, મોટું કામ કરનારનો સતત આભાર માનીએ છીએ, પણ મોટેભાગે નાની પણ મહત્ત્વની જવાબદારી નિભાવનારનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. એવી ભૂલ ન કરીએ અને દરેક મદદ કરનારનો આભાર માનવાનું ન ભૂલીએ તે બહુ જરૂરી છે.

life and style columnists