ઓર્ડર નહીં સૂચન (લાઇફ કા ફન્ડા)

22 July, 2019 11:09 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ઓર્ડર નહીં સૂચન (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક મહાન વ્યક્તિની આત્મકથા લખવાની શરૂઆત કરતાં પહેલાં આત્મકથા લખનાર લેખક તેમને વધુને વધુ નજીકથી જાણવા, તેમના વિષે વધુને વધુ માહિતી મેળવવા કાર્યરત હતા. લેખક આ માટે મહાન વ્યક્તિની સાથે વધુને વધુ સમય રહેતા હોય તેવા કર્મચારીઓની મુલાકાત કરી રહ્યા હતા. લેખકે વ્યક્તિના નોકર, રસોઈ કરનાર, ડ્રાઈવર, પ્યૂન, ચોકીદાર વગેરે સાથે વાતો કરી. પછી ઑફિસમાં બીજા બધા કર્મચારીઓ, સેક્રેટરી અને અસિસ્ટન્ટ મૅનેજર સાથે વાતો કરી.

સેક્રેટરીએ કહ્યું, ‘સર પત્ર લખાવે છે પછી મને પૂછે છે બરાબર લાગે છે ને... અને હું પત્ર લખું તો વાંચીને એમ કહે કે આ વાક્ય આમ નહીં આમ લખીએ તો વધુ સારું લાગશે, તને શું લાગે છે ?’ અસિસ્ટન્ટ મૅનેજરે કહ્યું, ‘હું અહી સાત વર્ષથી કામ કરું છું, મેં સરને કોઈ દિવસ આમ કરો, તેમ કરો, હું કહું છું એટલે એમ જ કરો, આ નહીં ચાલે, આમ નહીં કરો, આવા વાક્ય બોલતા સાંભળ્યા જ નથી. તેઓ હંમેશાં તમે આમ કરવાનું વિચારી જોજો અથવા આ રીતે આ કામ જલદી થશે, કરી જોજો - એમ સૂચનો આપે છે.’

ચોકીદાર બોલ્યો, ‘હું આમતેમ હોઉં તો સાહેબ જાતે ઊતરી દરવાજો ખોલે અને કંઈ બોલે નહીં, માત્ર હસીને કહે, મારા આવવાના સમયે ગેટ ખુલ્લો રાખો.’

પ્યૂને જણાવ્યું, ‘વર્ષોથી હું તેમની કેબિનની બહાર બેસું છું, મેં તેમને કોઈ દિવસ કોઈ પણ કર્મચારી કે અન્ય વ્યક્તિનું અપમાન કરતા સાંભળ્યા નથી.’

આત્મકથા લખનાર લેખકે તેમની સાથે કામ કરનાર નાના-મોટા પદાધિકારીઓ, કર્મચારીઓ, નોકરો સાથે વાત કરી અને બધાની વાતોમાંથી એક સાર મળ્યો કે તેઓ ક્યારેય બૉસ બન્યા નથી, ક્યારેય ગુસ્સે થતા નથી અને ગુસ્સામાં કે રૂઆબથી ઓર્ડર આપવાની બદલે હંમેશાં સૂચન આપે છે... તેઓ હંમેશાં સામેવાળી વ્યક્તિને કોઈ પણ કામ જાતે કરવાની, સુધારવાની, મઠારવાની તક આપે છે. તેઓ ક્યારેય કોઈને કામનો ઓર્ડર કરતા નહીં, માત્ર કામ બતાવતા કે આ કામ કરવાનું છે અને કર્મચારીને પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા આપતા હતા.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

એક સાચા અને સારા બૉસ કેવા હોવા જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ હતા શ્રી ઓવન ડી. યંગ. ક્યારેય બૉસ બનીને ન રહેવાની તેમની આગવી ખાસિયત તેમને મહાન બૉસ બનાવતી હતી.

columnists