કીડી પાસેથી શીખો (લાઇફ કા ફન્ડા)

14 May, 2019 02:33 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

કીડી પાસેથી શીખો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક દિવસ ગુરુજીએ આશ્રમમાં શિષ્યોને ભણાવતાં કહ્યું, ‘એક વાત યાદ રાખજો, જીવનમાં જેકોઈ મળે, જે જુએ, જેકંઈ બને એમાંથી કંઈ ને કંઈ શીખવાનું મળશે, માટે શીખતા રહેજો, સતત નવું શીખવા તૈયાર રહેજો.’

એક શિષ્યએ કહ્યું, ‘ગુરુજી અમે તમારી પાસેથી જ્ઞાન મેળવવા સદ્ભાગી બન્યા છીએ પછી અમારે બીજા કોઈ પાસેથી શીખવાની શી જરૂર?’

ગુરુજીએ કહ્યું, ‘વત્સ, હું તમારો ગુરુ છું અને તમને જ્ઞાન આપી રહ્યો છું. હું એટલે જ તમને કહી રહ્યો છું કે દુનિયામાં દરેક જીવ પાસે, દરેક સંજોગમાંથી કંઈક શીખવા મળે જ છે એ હંમેશાં યાદ રાખજો, ચાલો મારી સાથે.’

આટલું બોલી ગુરુજી શિષ્યોને રસોડામાં લઈ ગયા અને જાણીજોઈને થોડી ખાંડ જમીન પર વેરી દીધી.

થોડી જ મિનિટોમાં ક્યાંકથી બે-ત્રણ કીડી ખાંડના દાણાની આસપાસ આવી ગઈ અને પોતાના કદ જેટલો જ ખાંડનો દાણો ઊંચકીને પોતાના દર તરફ જવા લાગી. હજી થોડી વધુ મિનિટો પસાર થઈ ત્યાં તો એક-બે કીડીમાંથી આખી કીડીઓની વણજાર આવી ગઈ. એક લાઇનમાં જતી-આવતી અને ખાંડના દાણાને પોતાના દર તરફ લઈ જતી.

ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ દૃશ્ય જુઓ અને કીડી પાસેથી કંઈક શીખો!’

બધાને નવાઈ લાગી કે ખાંડ ઢોળાય અને કીડી આવે એમાં વળી શું જોવાનું કે શીખવાનું?

ગુરુજી બધાના મનની વાત પામી ગયા અને બોલ્યા, ‘શિષ્યો, આ કીડી સાવ નાનું જંતુ તમને કેટલું બધું શીખવાડે છે. એક ખાંડ ઢોળાઈ અને ગણતરીની પળોમાં કીડીઓ આવી ગઈ એટલે કે તેઓ ખોરાકની શોધમાં સતત રહે છે અને સતેજ પણ રહે છે. બીજું અને ખાસ મહત્વનું એ કે ખાંડનો દાણો હોય કે પછી બીજું કંઈ, કીડી પોતાના શરીર કરતાં વધારે ભાર ઉપાડી લે છે. સતત મહેનત અને પરિશ્રમ કરે છે. ત્રીજું, થોડી વધુ વાર થઈ એટલે એક-બેમાંથી કીડીઓની વણજાર થઈ, જે સૂચવે છે કે તેમનામાં કેટલોબધો સંપ છે. જેને ખોરાક દેખાયો તેણે બધાને જાણ કરી દીધી અને બધા સંપથી ખોરાક દરમાં લઈ જવા લાગ્યા અને કઈ રીતે લઈ જવા લાગ્યા - એક કતારમાં. આ શિસ્ત સૂચવે છે. કીડી નાનકડું જંતુ છે અને સમજદાર પણ છે, આ બધી ક્રિયા તમને દેખાઈ રહી છે. બીજું, આગળ કીડી વિશે જણાવું તો તે સમજદાર અને અગમચેતી ધરાવતું જંતુ છે. એ ખોરાકનો સંચય કરે છે અને એ માટે સખત મહેનત પણ કરે છે.’

આ પણ વાંચો : મનનાં તાળાં (લાઇફ કા ફન્ડા)

બધા શિષ્યો ગુરુજીની વાત એક ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

ગુરુજીએ આગળ કહ્યું, ‘જો એક સાવ નાના જંતુ-કીડી પાસેથી તમને સજાગતા, મહેનત, સંપ અને શિસ્ત શીખવા મળે છે તો વિચારો સમગ્ર સૃષ્ટિમાંથી કેટલું શીખવા મળશે, માટે સજાગ રહેજો.’

columnists