Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનનાં તાળાં (લાઇફ કા ફન્ડા)

મનનાં તાળાં (લાઇફ કા ફન્ડા)

10 May, 2019 10:38 AM IST |
હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

મનનાં તાળાં (લાઇફ કા ફન્ડા)

મનનાં તાળાં (લાઇફ કા ફન્ડા)


લાઇફ કા ફન્ડા

એક જાદુગરને પોતાની આવડત પર બહુ અભિમાન હતું. તે એક પછી એક રાજ્યમાં જતો અને ત્યાં રાજાના દરબારમાં જઈ પડકાર ફેંકતો કે હું તમારા રાજ્યની જેલમાંથી મિનિટોમાં બહાર આવી જઈશ અને જો તે શક્ય બને તો તમારે મને ૧૦૦૦ સોનામહોર આપવી. બધાં રાજ્યની કોઈ પણ જેલમાંથી પોતાના હાથના કસબને વાપરી ગમે તેટલું અઘરું તાળું હોય તેને તોડી તે તરત બહાર આવી જતો અને ઇનામ મેળવી બીજા રાજ્ય તરફ ચાલતો થતો.



જાદુગર એક નાનકડા રાજ્યમાં પહોંચ્યો. નાનું રાજ્ય હતું એટલે જેલ પણ નાની અને સામાન્ય સુરક્ષા વાળી હતી. જાદુગરે દરબારમાં જઈ પડકાર આપ્યો. રાજાએ કહ્યું ‘સારું આવતી કાલે સવારે અમે તમને જેલમાં પૂરશું, તમે બે કલાકમાં બહાર આવી દેખાડજો, હું તમને ૨૦૦૦ સોનામહોર આપીશ.’ જાદુગર બોલ્યો, બે કલાક બહુ છે, હું તો મિનિટોમાં બહાર આવી જઈશ. રાજાએ કહ્યું, ઠીક ત્યારે કાલે જોશું.


રાત્રે રાજાએ પોતાના વૃદ્ધ મંત્રી જોડે મસલત કરી લીધી. બીજે દિવસે જાદુગરને રાજ્યની નાનકડી સામાન્ય જેલના સૌથી સુરક્ષિત દરવાજાવાળા કમરામાં પુરવામાં આવ્યો અને વર્ષો જૂનું મોટું તાળું બહારથી મારવામાં આવ્યું.

જાદુગર, ભલે જેટલું મોટું તાળું મારવું હોય મારે હું તો હમણાં બહાર આવી જઈશ એમ વિચારતો અભિમાનથી વટ સાથે અંદર ગયો.


વૃદ્ધ મંત્રીએ દરવાજો બરાબર બંધ કર્યો. જાદુગરે પોતાના કમરપટ્ટામાં છુપાવેલ એક પાતળો તાર કાઢ્યો અને જેલના દરવાજા પર લટકતાં તાળાંને પકડીને તાર દ્વારા ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઘણાં પ્રયત્ન કર્યા પણ તાળું ખૂલ્યું નહીં. અડધો કલાક થયો, એક કલાક થયો, સતત પ્રયત્ન કરી જાદુગર થાક્યો. બીજો અડધો કલાક વીત્યો. હવે જાદુગર પોતાની બધી આવડત અજમાવી હાર્યો હતો. તારથી ગમે તે કરે તાળું ખૂલતું જ ન હતું. બે કલાક પૂરા થયા.

થાકેલો જાદુગર હું મારી હાર સ્વીકારું છું બોલતા દરવાજાના ટેકે ઢળી પડ્યો. જાદુગરનો ધક્કો લાગતા દરવાજો ખૂલી ગયો. જાદુગરના આશ્ચર્યનો પાર ન રહ્યો. હકીકતમાં તાળું મારેલું જ ન હતું. આ મોટું તાળું તેને અટકાવી શકે તેમ હતું જ નહીં, પણ તે ત્યાં જ અટક્યો. જે દરવાજો ખુલ્લો જ હતો તે ખોલવામાં તે નાકામ રહ્યો હતો.

આ પણ વાંચો : દરેક દિવસ ઊજવો - (લાઇફ કા ફન્ડા)

આ વાર્તાની જેમ આપણા મનમાં અને વિચારોમાં ઘણાં આવાં ખોટાં તાળાં લટકતાં હોય છે, મારાથી આ કામ નહીં થાય, આ મને થોડું આવડે. બધા જાય ત્યાં હું થોડો જાઉં, હું આ નાના માણસો જોડે બોલું, હું શું કામ સામેથી બોલું. આવા આપણા જ વિચારોનાં તાળાં આપણને ઘણાં સહેલાં અને સારાં કામ કરતાં અટકાવે છે. હકીકતમાં આ તાળાં માત્ર આપણા વિચારોમાં હોય છે અને આવાં તાળાં આપણને આગળ વધતા અટકાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 10:38 AM IST | | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK