સોનેરી જોડાણ (લાઇફ કા ફન્ડા)

12 July, 2019 10:30 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

સોનેરી જોડાણ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

જપાનની પુરાણી લોકકથા છે. ત્યાંના સમ્રાટ ચીન ગયા હતા અને રાણી માટે એક એકદમ સુંદર ચીની કારીગરી ધરાવતો સુંદર ફૂલદાન લાવ્યા. આ ફૂલદાન ખૂબ જ કીમતી હતું અને સમ્રાટે ભેટ આપ્યું હતું એટલે રાણી માટે તે જીવથી પણ વધારે કીમતી હતું. રાણી આ ફૂલદાનમાં રોજ જાતે ફૂલ ગોઠવતાં અને બરાબર પોતાના કક્ષમાં વચ્ચેના ટેબલ પર ગોઠવીને મૂકતાં. રાણીનો આ ફૂલદાન પ્રત્યે દિવસે-દિવસે લગાવ વધતો જતો હતો.

એક દિવસ સમ્રાટ પોતે ઉતાવળમાં કક્ષમાં આવ્યા અને તેમનો ધક્કો બરાબર વચ્ચે ગોઠવેલા ફૂલદાનને લાગ્યો અને ફૂલદાન નીચે પડ્યું અને તેના ટુકડા થઈ ગયા. રાણી ફૂલદાન તૂટવાના અવાજથી ચોંક્યા અને ફૂલદાનને તૂટેલું જોઈ રડવા લાગ્યાં. સમ્રાટે કહ્યું ‘હું આવું જ બીજું ફૂલદાન મગાવી દઈશ.’ પણ રાણીના આંસુ અટકતાં ન હતા. સમ્રાટે નગરના અનુભવી મંત્રીને બોલાવ્યા અને ઉપાય પૂછ્યો. અનુભવી મંત્રી બોલ્યા મને એક દિવસનો સમય આપો હું ફૂલદાન જોડવી દઈશ. રાણી બોલ્યા ‘તૂટેલું ફૂલદાન જોડાશે તો પણ તેના પર સાંધા રહી જશે અને તેની સુંદરતા ઓછી થઈ જશે’ અને રડવા લાગ્યાં.

મંત્રી દાસીની મદદથી કાળજીથી ફૂલદાનના બધા ટુકડા ઉપાડીને લઈ ગયા. અને તેમણે રાજ્યના સૌથી ઉત્તમ સોનાના દાગીના બનાવતા કારીગરને બોલાવી આ ફૂલદાનના ટુકડાઓ પીગળેલા સોનાની મદદથી જોડવા કહ્યું. કારીગરે ચોકસાઈથી બધા ટુકડા સોનાથી જોડી દીધા અને જ્યારે તૂટેલું ફૂલદાન જોડાઈને તૈયાર થયું તો તેની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા હતા. જ્યાં જ્યાં જોડાયેલા સાંધા હતા ત્યાં ત્યાં સોનેરી રેખાઓ ચમકતી હતી. મંત્રીએ ફૂલદાન સમ્રાટને આપ્યું. ફૂલદાન જોઈ સમ્રાટ ખુશ થઈ ગયા. મંત્રી અને કારીગરને ઇનામ આપી ફૂલદાન લઈ રાણીને આપવા ગયા. રાણી તો ફૂલદાનની વધેલી સુંદરતા જોઈ ખુશ ખુશ થઈ ગયાં.

આ લોકકથા પ્રમાણે જપાનમાં પરંપરા થઈ ગઈ કે કોઈ પણ તૂટેલા સાધનને સોનાથી જોડી દેવું જેથી તે જોડાઈ પણ જાય અને તેની ખામી સમ સાંધા સોનેરી બની તેની સુંદરતા વધારી દે. અને જપાન અને જપાનીઓનો ઈતિહાસ કહે છે કે જપાન યુદ્ધમાં, વિશ્વયુદ્ધમાં, અણુબૉમ્બ હુમલામાં, કુદરતી આફતો - ધરતીકંપ અને સુનામીમાં જ્યારે જ્યારે તૂટ્યું છે ત્યારે ત્યારે હિંમત, મહેનત, નિયમિતતા, જ્ઞાન અને દેશપ્રેમના સોનાથી જોડાઈને વધુ સુંદર અને વધુ વિકસિત બન્યું છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

જીવનમાં તમે પણ જ્યારે તમારા દિલને, તમારી હિંમતને તૂટેલી અનુભવો ત્યારે આ જપાની લોકકથાનો નિયમ યાદ રાખજો અને તૂટેલા દિલ અને તૂટેલી હિંમતને સતત પરિશ્રમ, મહેનત, પ્રેમ અને લાગણીના સોનાથી ફરી જોડી દેજો... અને સુંદર અને હિંમતવાન બની ફરી આગળ વધજો.

columnists