હાર ન માનો (લાઇફ કા ફન્ડા)

05 April, 2019 02:20 PM IST  |  | હેતા ભૂષણ

હાર ન માનો (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

રાધિકા દોડવાની પ્રૅક્ટિસ કરી કરીને થાકી... આવતી કાલે શાળામાં સ્પોર્ટ્સ ડે... દર વર્ષે રાધિકા જ દોડવાની દરેક સ્પર્ધામાં પહેલી આવી ઢગલાબંધ ગોલ્ડ મેડલ જીતતી, પણ આ વર્ષે તે જરાક હતાશ હતી. હજી મહિના પહેલાં જ તેને ડેન્ગી થયો હતો અને એટલે તે થોડી અશક્ત થઈ ગઈ હતી. અને તૈયારી માટે પણ થોડો ઓછો સમય મળ્યો હતો. રાધિકાનો મોટો ભાઈ શુભ સતત તેને પ્રેરણા આપવા સાથે જ રહેતો. રાધિકાએ મહેનત પણ ઘણી કરી હતી, પણ દર વર્ષ જેવી તૈયારી ન હોવાથી તે ચિંતામાં હતી.

દોડ લગાવીને તે આવી અને શુભે, ગુડ માય ચૅમ્પિયન... કહી એનર્જી‍ ડ્રિન્ક આપ્યું. ભાઈના હાથમાંથી એનર્જી‍ ડ્રિન્ક લેતાં રાધિકા બોલી, ચૅમ્પિયન બનીશ કે નહીં... તે તો કાલે ખબર પડશે... મારી તૈયારી ઓછી છે એટલે મને ડર છે કે હું બધી સ્પર્ધા જીતી શકીશ કે નહીં? રાધિકાની આ વાત તેની મમ્મી અને પપ્પાએ સાંભળી. બન્ને જણ તેની પાસે ગયા. શાન્તિથી તેને બેસાડી અને પછી મમ્મીએ કહ્યું, દીકરા તને ખબર છે, આપણે સૌથી પહેલાં કોઈ પણ લડાઈ ક્યાં અને કેમ હારીએ છીએ? રાધિકાએ કહ્યું, હા મમ્મી, કોઈ પણ લડાઈ આપણે જે તે લડાઈના મેદાનમાં અને આપણી તૈયારી ઓછી હોય એટલે હારીએ છીએ. જોને એટલે જ મારી તૈયારી ઓછી છે એટલે કાલે જીતવાની આશા પણ ઓછી છે.

મમ્મી બોલી, ના બેટા, અહીં તારી ભૂલ થાય છે. આપણે સૌથી પહેલાં લડાઈ આપણા વિચારોમાં હારી જઈએ છીએ. જો આપણે એમ વિચારીએ કે આ કામ મારાથી નહીં થઈ શકે તો તે કામ આપણે ન કરી શકીએ. જો આપણે એમ વિચારીએ કે આ કામ મારી શક્તિ બહારનું છે તો તે કામ હંમેશાં આપણી પહોંચની બહાર જ રહેશે. જો આપણે એમ વિચારીએ કે કોઈ વસ્તુ કે સફળતા મને નહીં મળે તો તે આપણને નહીં જ મળે. એટલે જીવનમાં કોઈ પણ લડાઈ જીતવા માટે સૌથી પહેલાં તેને આપણા વિચારોમાં જીતવી જરૂરી છે, અને તે માટે આપણા વિચારોનો પ્રવાહ બદલવાની જરૂર છે. જો તું સતત એમ વિચારીશ કે મારી તૈયારી ઓછી છે એટલે હું નહીં જીતી શકું તો તું નહીં જીતી શકે, પણ આ જ વિચાર બદલીને તું એમ વિચારીશ કે ભલે મને તૈયારી માટે સમય ઓછો મળ્યો, પણ મેં સતત અને સખત મહેનત કરી છે અને આવતી કાલે જીતવા માટે હું જી જાન લગાડીને દોડીશ તો તું આવતી કાલે ચોક્કસ જીતી જઈશ.

આ પણ વાંચો : સાચી રાહ ચીંધનાર (લાઇફ કા ફન્ડા)

મમ્મીની વાત સાંભળી રાધિકાની હતાશા દૂર થઈ. તે નવા જોમ અને નવા વિચાર સાથે ફરી પ્રૅક્ટિસ માટે દોડી અને પપ્પા અને ભાઈ બોલ્યા, ચૅમ્પિયન!!!

life and style columnists