સાચી રાહ ચીંધનાર (લાઇફ કા ફન્ડા)

હેતા ભૂષણ | Apr 04, 2019, 11:53 IST

ગાય સમર્પિત શિષ્ય છે. વાઘ અભિમાની હૃદય છે અને ગાયને બચાવનાર માલિક ગુરુ છે અને કાદવનું દલદલ દુનિયાની મોહમાયા છે. ગુરુ જીવનમાં સાચો રાહ દેખાડે છે.

સાચી રાહ ચીંધનાર (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક જંગલમાં એક ગાય ઘાસ ચરતાં ચરતાં દૂર નીકળી ગઈ અને પોતાના ટોળાથી વિખૂટી પડી ગઈ. થોડી વાર પછી તેણે થોડે દૂર વાઘની ગર્જના સાંભળી. વાઘ તેની દિશામાં જ આવતો હતો. ગાય જલદી જલદી ભાગવા લાગી, પણ થોડી જ વારમાં વાઘ એકદમ નજીક આવી ગયો. વાઘથી બચવા માટે ગાય આમતેમ કોઈ રસ્તો શોધવા લાગી. તેનું ધ્યાન એક છીછરા તળાવ પર ગયું, અને બરાબર વાઘ તેની પર તરાપ મારવાની તૈયારીમાં જ હતો ત્યારે ગાય જીવ બચાવવા તળાવમાં પડી. વાઘ પણ ગાયને પકડી લેવાની ઉતાવળમાં કંઈ વિચાર્યા વિના ગાયની પાછળ તળાવમાં કૂદ્યો.

બન્ને જણા, ગાય અને વાઘ તળાવમાં પડ્યાં તળાવ છીછરું હતું, પણ કાદવની દલદલ બની ગઈ હતી. ગાય અને વાઘ બન્ને આ કાદવના દલદલમાં ફસાયાં હતાં અને જેટલી બહાર આવવાની કોશિશ કરતાં અંદર ધસતાં જતાં હતાં. બન્ને વચ્ચે થોડું જ અંતર હતું. પણ કાદવમાં ફસાયેલો વાઘ ગાય સામે ઘૂરકતો હતો અને કહેતો હતો કે હું થોડી વારમાં તને ખાઈ જઈશ, પણ તેના સુધી પહોંચી તેને નુકસાન પહોંચાડી શકતો નહોતો. ગાય સમજી ગઈ કે વાઘ પણ કાદવમાં ફસાયો છે અને હવે તેને નુકસાન નહીં પહોંચાડી શકે.

ગાય ધીમેથી બોલી, તારો કોઈ માલિક છે. વાઘ અભિમાનથી બોલ્યો, ના, હું જ મારો માલિક છું. જંગલમાં બધા મારાથી ડરે છે. મારો કોઈ માલિક નથી. ગાય બોલી, તું ગમે તેટલો તાકતવર હશે, પણ હવે અહીં તારી કોઈ તાકાત કામ નહીં લાગે. તું તારો જીવ નહીં બચાવી શકે. વાઘ આ સાંભળી ગુસ્સાથી બોલ્યો, જો હું નહીં બચી શકું તો તારું શું થશે. તું કઈ રીતે બચી શકીશ. આ કાદવમાં તું પણ મરી જઈશ.

આ પણ વાંચો : જ્યાં છો ત્યાં ખીલો (લાઇફ કા ફન્ડા)

ગાય ધીમેથી બોલી, ના, હું બચી જઈશ. વાઘ બોલ્યો, હું આટલો તાકતવર છું છતાં આ કાદવમાંથી બહાર નીકળી શકતો નથી તો તું કઈ રીતે નીકળીશ. ગાય બોલી, હું જાતે નહીં નીકળી શકું, પણ મારા માલિક મને આવીને બચાવશે. જયારે સાંજે તેને ખબર પડશે કે હું બીજી ગાયો સાથે ઘરે નથી પહોંચી એટલે તે મને શોધવા આવશે અને મને આ કાદવમાંથી કાઢશે અને સાથે ઘરે લઈ જશે. સાંજ પડી. ગાયનો માલિક તેને શોધતો આવ્યો અને તેને બહાર કાઢી ઘરે લઈ ગયો.

પ્રસ્તુત વાર્તામાં ગાય સમર્પિત શિષ્ય છે. વાઘ અભિમાની હૃદય છે અને ગાયને બચાવનાર માલિક ગુરુ છે અને કાદવનું દલદલ દુનિયાની મોહમાયા છે. ગુરુ જીવનમાં સાચો રાહ દેખાડે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK