પ્રારબ્ધ અને ભક્તિ (લાઇફ કા ફન્ડા)

14 August, 2019 11:55 AM IST  |  મુંબઈ ડેસ્ક | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

પ્રારબ્ધ અને ભક્તિ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક વેપારી ભગવાનના પરમ ભક્ત હતા. નીતિથી ધંધો કરતા અને તેમના મુખ પર દિનભર હરિનામ રહેતું. વેપારીની ઉંમર વધતી ગઈ. હવે વેપાર યુવાન દીકરાઓએ સંભાળી લીધો હતો. વેપારી ઘરે રહીને પૂજાપાઠ-ભજન કરતા. વધુ અવસ્થા થઈ. બીમાર રહેવા લાગ્યા, પણ સતત ભગવાનના નામનો જપ ચાલુ જ રહેતો.

વેપારી એકદમ કૃશ થઈ ગયા. સતત કોઈકે તેમની સેવામાં હાજર રહેવું પડતું. પહેલાં તો દીકરાઓમાંથી કોઈ ને કોઈ હાજર રહેતું. વેપારીને પાણી પિવડાવવાનું, જમાડવાનું, ઝાડો-પેશાબ કરાવવા લઈ જવાનું, સ્નાન કરાવવાનું જેવાં બધાં જ કામ તેમના દીકરાઓ કરતા; પણ વેપારીની માંદગી બહુ લાંબી ચાલી. તેમની હાલતમાં કોઈ સુધાર શક્ય નહોતો. હવે દીકરાઓ પણ સેવા કરી કરીને થાક્યા. તેઓ કામ એકબીજા પર થોપવા લાગ્યા. ઘણી વાર રાતભર વેપારી બૂમ મારતા રહે, પણ કોઈ પાણી પિવડાવવા કે ઝાડો-પેશાબ કરાવવા લઈ જવા માટે હાથ પકડવા પણ ન આવતું. વેપારી બિચારા નસીબને રડીને આંખમાં આંસુ સાથે પ્રભુનામ લેતાં-લેતાં પથારીમાં પડી રહેતા. ઘણી વાર ગાંડી પથારીમાં સૂવું પડતું. વેપારી બિચારા મનોમન પ્રભુને પ્રાર્થના કરતા, ‘પ્રભુ, મારી સામે જો, મને મદદ કર, મને મુક્તિ આપ.’

એક દિવસે રાતે વેપારીએ પાણી પીવા માટે બૂમ પાડી અને એક છોકરો દોડીને આવ્યો અને જાળવીને વેપારીને ઊભા કરી પ્રેમથી ચમચી-ચમચી વડે પાણી પિવડાવ્યું. વેપારીને જાણે વર્ષોની તરસ છીપી હોય એવો હાશકારો થયો. પછી તો રોજ રાતે વેપારી એક ઊંહકારો કરે અને યુવાન છોકરો હાજર થઈ જાય અને વેપારીને ઝાડો-પેશાબ કરાવવા લઈ જાય. પાણી પિવડાવે, પથારી સાફ કરીને બરાબર સૂવડાવે. વેપારી મનોમન વિચારવા લાગ્યા કે આ કોણ છે? મારા કોઈ દીકરા આટલા આજ્ઞાકારી નથી, તેમને તો મારી સેવા કરવાનો કંટાળો આવે છે તો આ કોણ છે જે મારા એકઅવાજે હાજર થઈ જાય છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

એક રાતે વેપારીએ પાણી માગ્યું. યુવાન તરત આવ્યો અને પાણી પિવડાવ્યું. વેપારીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, ‘મને બરાબર દેખાતું નથી, પણ મને ખબર છે કે તું મારો દીકરો નથી. તો તું છે કોણ અને મારી સેવા શું કામ કરે છે?’ વેપારીએ આટલું પૂછતાં ઓરડામાં પ્રકાશ ફેલાયો અને ભગવાને વેપારીને દર્શન આપ્યાં. વેપારી રડી પડ્યા અને બોલ્યા, ‘પ્રભુ તમે મારી સેવા કરો છો. મારા અહોભાગ્ય. પણ પ્રભુ તમે મારી સેવા કાજે રોજ અહીં આવો છો એના કરતાં મને આ શારીરિક પીડામાંથી મુક્તિ અપાવોને.’ ભગવાને કહ્યું, ‘ભક્ત, તારી ભક્તિથી ખેંચાઈને હું અહીં આવું છું. તારી આ શારીરિક પીડા, તકલીફ, કુટુંબીજનોનું ખરાબ વર્તન બધું પ્રારબ્ધ અને કર્મોનું ફળ છે જે તારે ભોગવવું જ પડશે અને તારી સાચી ભક્તિનું ફળ છે કે હું આ બધી પીડા-વેદનામાં તારી સાથે છું.’
કોઈ પણ સંજોગોમાં સાચી ભક્તિ કરો, શ્રીહરિ આપણી સાથે જ રહે છે.

columnists