સૌથી સુખી માણસનું મૃત્યુ (લાઇફ કા ફન્ડા)

11 April, 2019 12:46 PM IST  | 

સૌથી સુખી માણસનું મૃત્યુ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક પર્વતીય નગરમાં લગભગ બધા ચા બગીચાનો માલિક સ્વામીનાથ નગરનો સૌથી પ્રખ્યાત અને સૌથી પૈસાદાર માણસ હતો. તે ઘોડા પર બેસી પોતાના ટી એસ્ટેટમાં ફરી રહ્યો અને પોતે આટલી બધી સંપત્તિનો માલિક છે તે બાબતે પોતાની જાતને જ શાબાશી આપી રહ્યો હતો કે પોતે જાતમહેનતે આ સંપત્તિ એકઠી કરી છે. ટી એસ્ટેટમાં ફરી સ્વામીનાથ નગરમાં પહોંચ્યો. નગરના મંદિરની બહાર એક ગાંડા જેવો લાગતો ફકીર બોલી રહ્યો હતો. મને સપનું આવ્યું છે કે આજે નગરનો સૌથી સુખી, સૌથી પૈસાદાર માણસ મરી જશે. બધા લોકો મંદિરની બહાર ફકીરની આજુબાજુ ટોળે વળ્યા હતા. સ્વામીનાથને આ વાત સાંભળી. સાંભળીને પહેલાં તો તેણે ન ગણકારી, પણ થોડે આગળ જતાં તેને ડર લાગ્યો, કારણ નગરનો સૌથી સુખી અને પૈસાદાર માણસ તે પોતે જ હતો.

થોડે આગળ જતાં સ્વામીનાથનો બાળપણનો મિત્ર રામ પોતાના નાનકડા ખેતરમાં કામ કરી હવે ઝાડ નીચે બેસી પત્નીએ આપેલા બે વાસી રોટલા અને કાંદાનું ભોજન કરી રહ્યો હતો. તેણે સ્વામીનાથને જોયો, આવકાર્યો અને કહ્યું, દોસ્ત, તારે લાયક નથી, પણ ચલ જોડે ભોજન કરીએ. મજા આવશે. સ્વામીનાથ ઘોડા પરથી ઊતર્યો અને બોલ્યો, મને ભૂખ નથી, અને ફકીરના સપનાની વાત કહી બોલ્યો, તું જમી લે. મને કંઈ નથી ખાવું. રામે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ જીવન, આ ભોજન, આ એક એક શ્વાસ માટે તારો ખૂબ ખૂબ આભાર. તે આપ્યું છે, ઘણું આપ્યું છે. બસ આવી જ કૃપા વરસાવતો રહેજે. સ્વામીનાથ બોલી ઉઠ્યો, બે સૂકા રોટલા... નાનું ખેતર... મજૂરીની જિંદગી... ગરીબી માટે તું શું પ્રભુનો આભાર માને છે... હું તો ન માનું. રામ કંઈ બોલ્યો નહિ. પોતાની ધન્યવાદની પ્રાર્થના પૂરી કરી અને ચૂપચાપ જમવા લાગ્યો. જમી લીધા બાદ તેણે પોતાના દોસ્તને કહ્યું, દોસ્ત, ઈશ્વરે આપણને જે આપ્યું તેમાં સંતોષ રાખવો જ સાચી ખુશી છે અને સંતોષ જ સુખ આપે છે. મારે મન પ્રભુએ મને ઘણું આપ્યું છે. ભરપૂર આપ્યું છે. સ્વામીનાથ બોલ્યો, જેવા જેના વિચાર. મને તો આટલું બધું મળ્યું છે તે પણ ઓછું લાગે છે અને તું કંઈ નથી ને ખુશ છે!!! રામે કહ્યું, દોસ્ત, સાચી વાત છે જેવા જેના વિચાર ...

સ્વામીનાથ હજી ચિંતામાં હતો. સીધો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે કહ્યું, તમારી તબિયત સારી જ છે, કંઈ નહિ થાય. છતાં સ્વામીનાથે કહ્યું, ભલે, ડૉક્ટર, પણ આજની રાત તમે મારી સાથે જ રહેજો.

આ પણ વાંચો : ખાસ ગેસ્ટ (લાઇફ કા ફન્ડા)

સવારે સમાચાર આવ્યા, સ્વમીનાથના ગરીબ દોસ્ત રામનું મૃત્યુ થયું છે. માત્ર સ્વામીનાથ જ સમજી શક્યો કે ફકીરનું સપનું સાચું પડ્યું છે.

life and style columnists