ખાસ ગેસ્ટ (લાઇફ કા ફન્ડા)

હેતા ભૂષણ | Apr 09, 2019, 12:12 IST

મૅનેજર પોતે વેલકમ ટી અને ફૂલો લઈને આવ્યા. તેમણે પણ પોતાના માથાના વાળ કઢાવી નાખ્યા હતા. પિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

ખાસ ગેસ્ટ (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક હિલ સ્ટેશન પર નાનકડી, પણ સરસ હોટેલ હતી. હોટેલમાં એક ૧૪ વર્ષનો છોકરો અને તેના પિતા સાંજે આવ્યા. બન્ને બહુ ચૂપચાપ હતા. હોટેલના સ્ટાફે પણ આ જોયું કે તે બન્ને બહુ શાંત હતા. છોકરો એકદમ નબળો લાગતો હતો અને આંખો અંદર ઊતરી ગઈ હતી. બન્ને રૂમમાં ગયા. ચૂપચાપ બેઠા. ટી.વી. જોયું. પછી રાત્રે જમવા માટે નીચે આવ્યા. છોકરાના પપ્પાએ તેને ભાવતી આઇસક્રીમ અને કેક મગાવી, પણ છોકરાને ખાવામાં બહુ રસ નહોતો. માત્ર એક એક ચમચી ખાઈને તેણે મૂકી દીધું.

થોડી વાર પછી છોકરો થોડું ખાઈને રૂમમાં જતો રહ્યો. પિતા રિસેપ્શનિસ્ટ પાસે ગયા અને તેને કહ્યું, મારે હોટેલના મૅનેજરને મળવું છે. રિસેપ્શનિસ્ટે કહ્યું, સર, કોઈ તકલીફ હોય તો મને કહો, હું તે દૂર કરાવી દઈશ. પિતાએ કહ્યું, ના, એમ તો કોઈ તકલીફ નથી. તમારી બધી સર્વિસ બરાબર છે, પણ મારે મૅનેજરનું ખાસ કામ છે. મારે તેમને એક વિનંતી કરવી છે. મૅનેજર આવ્યા. પિતાએ મૅનેજરને કહ્યું, સર, અમે તમારા એક અઠવાડિયા માટે ગેસ્ટ છીએ. મારા દીકરાને જીવલેણ કૅન્સર છે અને તે પણ ચોથા સ્ટેજનું, અને અઠવાડિયા પછી તેની દવાઓ અને કીમોથેરપી શરૂ થશે અને વાળ બધા ધીરે ધીરે જતા રહેશે અને બીમારીમાં તેના વાળ ખરી જાય તે પહેલાં તેણે પોતે બધા વાળ કાઢી નાખવાનું નક્કી કર્યું છે. તે આજે રાત્રે મારી પાસે જ પોતાના બધા વાળ કાઢી નખાવવાનો છે, અને તેના વાળ કાઢ્યા બાદ તેને સાથ આપવા હું પણ મારા બધા વાળ કાઢી નાખવાનો છું. બસ મારી એટલી વિનંતી છે કે તમારા હોટેલના સ્ટાફમાંથી અમે જ્યારે સવારે નાસ્તા માટે આવીએ તો કોઈ હસીને મજાક ન કરે. મેનેજરે કહ્યું, તમે નિશ્ચિંત રહો એવું કંઈ જ નહિ થાય. ઊલટું અમે અમારા સ્પેશ્યલ ગેસ્ટનું સ્પેશ્યલ સ્વાગત કરીશું.

આ પણ વાંચો : લાઇફ કા ફન્ડા - સાંભળો દિલની વાત

રાત્રે ભારે મનથી બધા વાળ કાઢી નાખ્યા બાદ છોકરો સૂઈ ગયો. ત્યાર બાદ પિતાએ પોતાના માથાના વાળ પણ કાઢી નાખ્યા. અને સવારે છોકરો ઊઠ્યો. પિતાએ વાળ કાઢ્યા તે જોઈ છોકરો પિતાને વળગીને રડવા લાગ્યો. છોકરો નીચે બધા હસશે એ વિચારથી નીચે જવાની ના પડતો હતો. પિતાએ હિંમત આપી. બન્ને નીચે નાસ્તો કરવા ઊતર્યા. રેસ્ટોરાંમાં બધા વેઇટર માથાના વાળ કઢાવીને, ટોપી પર્હેયા વગર પોતપોતાનું કામ કરી રહ્યા હતા. મૅનેજર પોતે વેલકમ ટી અને ફૂલો લઈને આવ્યા. તેમણે પણ પોતાના માથાના વાળ કઢાવી નાખ્યા હતા. પિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. છોકરો તો જાણે બધા પોતાના મિત્રો હોય તેમ બધા સાથે વાતો કરવા લાગ્યો. મૅનેજરે પિતાના કાનમાં કહ્યું, સર, અમારા ગેસ્ટ અમારા માટે ખાસ હોય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK