દુઃખી થવાનો સમય જ નથી - (લાઇફ કા ફન્ડા)

21 June, 2019 01:57 PM IST  |  મુંબઈ | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

દુઃખી થવાનો સમય જ નથી - (લાઇફ કા ફન્ડા)

એક મધ્યમવર્ગનો યુવાન, પત્ની અને દીકરીનું નાનકડું કુટુંબ... પતિ-પત્ની બંને મહેનત કરી સંસારનું ગાડું ગબડાવે. ખપ પૂરતા પૈસા કમાઈને કુટુંબ સાથે આનંદથી જીવતા આ યુવાન પર જાણે દુઃખના પહાડ તૂટી પડ્યા. યુવાનની પત્ની બીજી વાર માતા બનવાની હતી... બધાં ખુશ હતાં..નવું બાળક આવશે, ખર્ચા અને જવાબદારી વધશે છતાં પતિ-પત્ની તે જવાબદારી સ્વીકારવા સજ્જ હતાં, અને નવા બાળકને આવકારવા આતુર હતાં.

પરંતુ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું. યુવાનની પત્ની નવજાત બાળકીને જન્મ આપી મરણ પામી. સાથે જોયેલાં બધાં સપનાં તૂટી ગયાં અને યુવાનના માથે તૂટી પડ્યો દુઃખનો પહાડ અને બે બાળકીઓના ઉછેરની જવાબદારી... હવે શું કરવું એ મોટો પ્રશ્ન હતો... સગાંવહાલાં દયા ખાતાં પોતાના ઘરે ગયાં... ઘણાંએ બીજાં લગ્ન કરવાની સલાહ આપી, પણ યુવાને એક નિર્ણય કરી લીધો હતો કે તે બીજાં લગ્ન નહીં કરે અને પોતાની બંને દીકરીઓનાં મા અને બાપ બંને બનશે.

નવજાત બાળકીની સંભાળ માટે પોતાની માતાને બોલાવી... અને પોતે ઘણી અને બહારના કામની જવાબદારી પૂરી કરવા કટિબદ્ધ બન્યો. વધુ કમાવા માટે તે બે નહીં, ત્રણ-ત્રણ કામ કરતો... પોતાની નોકરીના સમય બાદ સાંજે બીજે પાર્ટટાઇમ કામ કરતો... અને ઘરે આવી મોડી રાત સુધી ઘરે લઈ આવેલું છૂટક કામ કરતો. સવારે વહેલો ઊઠી ઘરનાં ઝાડુ-પોતાં, સાફસફાઈ, કપડાં-વાસણ કરતો. તેની માતાને રસોઈ બનાવવામાં મદદ કરતો. મોટી બાળકીને શાળા માટે તૈયાર કરતો, નાની બાળકીને નવડાવીને તૈયાર કરતો. પોતે તૈયાર થઈ નોકરીએ જતો. એક ઘડી પણ નવરો બેસતો નહીં, માત્ર સાંજે આવી પત્નીના ફોટા સામે દીવો કરતો ત્યારે પણ દુઃખી ન થતો, પત્નીના ફોટાને તાકી રહેતો અને દુઃખથી હાર્યા વિના જીવન જીવવાનું બળ મેળવતો. એક દિવસ માતાએ કહ્યું, ‘દીકરા, આટલું કામ કરીશ તો બીમાર થઈ જઈશ, અને તારું જીવન શું? તને આટલો દુઃખી હું જોઈ નથી શકતી.’ યુવાન હસ્યો અને બોલ્યો, ‘પણ મા, કયું દુઃખ અને કેવી વાત. મને કોઈ દુઃખ સ્પર્શતું જ નથી.’

આ પણ વાંચો : મોંઘું ઘરેણું (લાઇફ કા ફન્ડા)

માતાની આંખમાં આંસુ આવી ગયા. તે બોલી દીકરા, ‘ઘરની અને દીકરીઓની જવાબદારી, વળી પૈસા કમાવાની મહેનત, અને એકલતા... સતત ૨૪ કલાક તું દોડે છે ત્યારે જરૂરિયાતો માંડ પૂરી થઈ શકે છે. વળી, આગળ બે દીકરીઓ છે એટલે જવાબદારી અને લગ્નના ખર્ચ ને બધું તો છે જ... અને તું સાવ એકલો... ૨૪ કલાકમાં તને સુખની કે નિરાંતની એક ઘડી નથી મળતી અને તું કહે છે હું દુઃખી નથી.’ યુવાન હસ્યો અને બોલ્યો, ‘મા, હું કામમાં અને મારી દીકરીઓની માવજતમાં એટલો વ્યસ્ત છું, મને દુઃખી થવાનો સમય જ નથી.’

columnists