Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મોંઘું ઘરેણું (લાઇફ કા ફન્ડા)

મોંઘું ઘરેણું (લાઇફ કા ફન્ડા)

19 June, 2019 01:03 PM IST |
હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

મોંઘું ઘરેણું (લાઇફ કા ફન્ડા)

મોંઘું ઘરેણું (લાઇફ કા ફન્ડા)


લાઇફ કા ફન્ડા

બે સખીઓ દિવ્યા અને શીખા લગ્ન બાદ ઘણાં વર્ષે મળી. કૉલેજકાળમાં આમ સાથે ભણતી અને સાથે ફરતી, પણ અંદરથી સ્ત્રી સહજ સ્વભાવને લીધે એકમેકની સુંદરતાને લીધે મનમાં ઇર્ષ્યાભાવ રાખતી હતી. કૉલેજ પૂરી થઈ અને બધા જીવનમાં આગળ વધી ગયા. આ બન્ને સખીઓનાં પણ લગ્ન થઈ ગયાં. બન્નેનાં લગ્ન સુખી-સંપન્ન પરિવારમાં થયાં હતાં. એકમેકનાં લગ્નમાં હાજરી આપી હતી અને પછી લગ્નજીવનમાં વ્યસ્ત થઈ જતાં સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ આજે મળ્યા હતા.



શીખાએ પગથી માથા સુધી હીરાના દાગીના પહેર્યા હતા. મોંઘો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. હાથમાં મોંઘો મોબાઇલ હતો, પણ ચહેરો માયૂસ હતો. આંખ નીચે કાળાં કૂંડાળાં હતાં. આ બાજુ દિવ્યાએ કોઈ દાગીનો પહેર્યો ન હતો. સલવારકમીઝ પણ સાવ સાદા કોટનનાં હતાં, પણ આંખો ચમકતી હતી અને ચહેરા પર મોટું સ્મિત હતું. બન્ને એકબીજાને મળ્યાં. શીખા દિવ્યાને જોઈને મનોમન રાજી થઈ અને કેમ છે, કેમ નહીં બાદ પોતાના પૈસાની વાત કરવા લાગી. મોંઘી ગાડી, મોંઘા દાગીના વગેરે વગેરે. વાત-વાતમાં તેણે દિવ્યાને ટોણો મારતાં કહ્યું, ‘અરે તારો બંગલો હતોને, સાંભળ્યું હતું કે ખોટ જતાં વેચવો પડ્યો; વેચાઈ ગયોને.’


દિવ્યાએ કહ્યું, ‘હા, શું થાય વેપારમાં ખોટ ગઈ એથી લેણદારોના પૈસા આપવા વેચવો પડ્યો. ભલે બંગલો ગયો, પણ ઇજ્જત રહી ગઈ. વેપાર-ધંધામાં આવું ચાલ્યા કરે.’

શીખાને દિવ્યાના ઘા ખોતરવાની મજા આવી રહી હતી. તે બોલી, ‘તને તો ઘરેણાં પહેરવાનો બહુ શોખ હતો, કેમ આજે કઈ પહેર્યું નથી? હું તો જો રોજ જ આટલાં ઘરેણાં પહેરીને જ બહાર નીકળું છું એ પણ રોજ જુદાં-જુદાં મેચિંગ.’


દિવ્યા તેની બડાઈ સાંભળી રહી પછી ધીમેથી બોલી, ‘મેં એક મોંઘું ઘરેણું પહેર્યું છે જે તારી પાસે નથી.’

શીખાને નવાઈ લાગી કે આ શું બોલી રહી છે.

દિવ્યા ધીમેથી અને મક્કમતાથી બોલી, ‘તારી મોંઘી ગાડીના અરીસામાં જો કે તે ઘણા દાગીના પહેર્યા છે, પણ શું તારા મોઢા પર સ્મિત છે, આંખોમાં ચમક છે. જ્યારે મનમાં આનંદ અને ચહેરા પર સ્મિત ન હોય તો આ બધા દાગીના અને વૈભવ શું કામનો?’

આ પણ વાંચો : દોરડાની ગાંઠ (લાઇફ કા ફન્ડા)

શીખાએ જોયું કે દિવ્યાના ચમકતા સ્મિત સામે તેના બધા દાગીનાની ચમક ઝાંખી પડતી હતી અને પોતાના મુખ પર તો સ્મિત હતું જ નહીં. તે ચૂપચાપ ગાડીમાં બેસી જતી રહી.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 01:03 PM IST | | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK