તીર બની છૂટ - (લાઇફ કા ફન્ડા)

08 May, 2019 01:47 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

તીર બની છૂટ - (લાઇફ કા ફન્ડા)

એક યુવાન એકદમ નાસીપાસ થઈ એક ચિંતક પાસે ગયો. તેમણે યુવાનને પૂછ્યું, ભાઈ, શું થયું? કેમ હતાશ લાગે છે? યુવાન બોલ્યો, સર, શું કરું? સામાન્ય ભણતર છે. કોઈ સારી નોકરી મળતી નથી. ધંધો કરવા પૈસા નથી. ક્યાં સુધી બેકાર રહું? પિતા પર બોજ બનું? ચિંતકે કહ્યું, ભાઈ, કોઈ કામ નાનું નથી. તને મનગમતું કંઈક કર અને મનગમતું કામ ન મળે ત્યાં સુધી જે મળે છે એમાંથી એક ફાવે એવી નોકરી પસંદ કરી લે. થોડા પૈસા આવશે તો પણ મદદરૂપ થશે. તારો આત્મવિશ્વાસ વધશે.

યુવાન બોલ્યો, સર, એ તો ખબર છે, પણ મને શોખ તીરંદાજીનો છે.

એની રમતમાં ભાગ લેવા ઇચ્છું છું, પણ એની ટ્રેઇનિંગ માટે બહુ પૈસા જોઈએ છે.

ચિંતક હસ્યા અને બોલ્યા, અરે વાહ દોસ્ત, તારો શોખ જ તને જીવનમાં આગળ વધવાનો દરેક અવરોધ અને નિષ્ફળતા સામે લડી લઈ પડકારોનો સામનો કરી મંઝિલ પર પહોંચવાનો સંદેશ આપે છે.

યુવાન કંઈ સમજ્યો નહીં. ચિંતકે કહ્યું, તારી પાસે તીર ચલાવવા માટે ધનુષ-બાણ (બો-ઍરો) છે? યુવાને કહ્યું, હા. ચિંતકે કહ્યું, કાલે લઈને આવજે. બીજા દિવસે યુવાન પોતાનાં ધનુષ-બાણ લઈને આવે છે. ચિંતક તેને ઘરની પાછળ બગીચામાં લઈ જાય છે અને એક ફળ પર નિશાન સાધવા કહે છે. યુવાન ધનુષ-બાણ હાથમાં લે છે. બરાબર પકડી નિશાનનું અવલોકન કરી તીર હાથમાં પકડી ધનુષની દોરી બળ આપી પાછળ ખેંચે છે અને હજી તે તીર છોડે એ પહેલાં ચિંતક તેને અટકાવે છે અને કહે છે, ભાઈ, ધનુષની દોરી પાછળ શું કામ ખેંચે છે, એને આગળ તાર લઈ જા. યુવાન મૂંઝાય છે અને કહે છે, સર, કેવી વાત કરો છો? તીર છોડવા, ધારેલું નિશાન સાધવા ધનુષની દોરી તો પાછળ જ ખેંચવી પડે નહીં તો તીર નિશાન સાધી શકે નહીં.

આ પણ વાંચો : સમય નહોતો - (લાઇફ કા ફન્ડા)

ચિંતક તાળી પાડતાં બોલી ઊઠ્યા, એકદમ બરાબર કહ્યું. તો પછી સમજ જ્યારે જીવન તમને પાછળ જતું લાગે, જીવનની મુશ્કેલીઓ મંઝિલ તરફ પહોંચવા નથી દેતી અને પાછળ પડે છે એવી લાગણી થાય ત્યારે સમજવું કે જીવન તમને કોઈ ઉચ્ચતમ નિશાન, મંઝિલ પર પહોંચાડશે. એટલે જીવનમાં મુશ્કેલી અને તકલીફના સમયે નિરાશ થવાના બદલે સજાગ રહે. હંમેશાં ઊંચું નિશાન રાખ અને સતત પ્રયત્નો ચાલુ રાખ. રોજ જાતે તીરંદાજીની પ્રૅક્ટિસ કર અને પિતાને મદદ કરવા જે મળે એ નોકરી પણ કર. જો હિંમત નહીં હાર. જીવન ભલે પાછળ ખેંચે, તું તીર બની છૂટ. મંઝિલ ચોક્કસ મળશે.

columnists