તાકાત વિશ્વાસની - (લાઇફ કા ફન્ડા)

19 February, 2019 12:28 PM IST  |  | હેતા ભૂષણ

તાકાત વિશ્વાસની - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા 

એક નવપરિણીત યુગલ. લગ્ન કરીને વરરાજા પોતાની નવવિવાહિતા પત્નીને પોતાના ઘરે લઈ જતો હતો. રસ્તામાં એક નદી પાર કરવાની હતી. નવયુગલે એકલતાનો આનંદ માણવા એક નાનકડી હોડીમાં બેસીને નદી પાર કરવાનું નક્કી કર્યું. બન્ને જણ હોડીમાં બેઠાં. હજી હોડી થોડી જ આગળ વધી ત્યાં હવામાન ખરાબ થઈ ગયું અને તોફાનનાં એંધાણ વર્તાયાં. હવે શું કરવું એ વિચારે એ પહેલાં તો તોફાન આવી ગયું.

નવવિવાહિતા યુવતી તો બહુ ડરી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયાં, પણ યુવાન વરરાજા એકદમ શાંત અને નિર્ભય બેઠો હતો. તેમની હોડી એકદમ નાનકડી હતી અને તોફાન એકદમ ભયંકર હતું. આટલા મોટા તોફાનમાં એ ટકી શકે એમ નહોતી. તોફાનની ભયંકરતા પ્રમાણે હવે તેમનું બચવું ખૂબ જ મુશ્કેલ હતું. બન્ને જણ કોઈ પણ સમયે ડૂબી શકે એમ હતાં, પણ યુવાન શાંત, ચૂપચાપ બેઠો હતો. જાણે કંઈ થયું જ નથી અને કંઈ જ થવાનું નથી. નવવિવાહિતા પત્ïની તો મોતના ડરથી એકદમ ધ્રૂજી રહી હતી. તેણે પોતાના પતિને પૂછ્યું, ‘શું તમને ડર નથી લાગતો... આપણું આ તોફાનમાંથી બચવું લગભગ અશક્ય છે. આ તોફાનમાં ગમે ત્યારે નાવ ઊંધી વળી જશે અને આપણે ડૂબી જઈશું. મને નથી લાગતું કે આપણે આ તોફાનમાં સામે કાંઠે પહોંચી શકીએ. હવે તો કોઈ ચમત્કાર જ આપણને બચાવી શકે તો, નહીં તો મૃત્યુ તો નક્કી જ છે. તમને ડર નથી લાગતો? કેમ પથ્થર બની બેઠા છો?’

વરરાજાએ ફટાકથી પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી અને નવવિવાહિતા પત્ïનીના ગળાની એકદમ પાસે મૂકી... કે જો જરાક ચૂક થાય તો પત્ïનીનું ગળું કપાય જ અને તરત પત્નીને પૂછ્યું, અત્યારે તને ડર લાગે છે? પત્ïનીએ કહ્યું, ‘ના. તલવાર તમારા હાથમાં છે તો પછી હું શું કામ ડરું, મને ખબર છે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો એટલે મને નહીં જ મારો.’

આ પણ વાંચો : આનંદમ પરમ સુખમ - (લાઈફ કા ફન્ડા)

વરરાજાએ તલવાર મ્યાનમાં મૂકી અને બોલ્યો, ‘આ જ મારો પણ જવાબ છે. મને ખબર છે કે ભગવાન આપણને ખૂબ જ પ્રેમ કરે છે અને આ તોફાન પણ તેણે જ મોકલ્યું છે. જે કરવું એ તેના હાથમાં છે માટે તે જે કરશે એ સારું જ કરશે. આપણે બચી જઈશું તો બહુ સારું. ઈશ્વરનો આભાર અને ન બચી શક્યાં તો પણ સારું, જેવી પ્રભુની મરજી, ઈશ્વર જે કરશે એ બરાબર જ કરશે. એ આપણા સારા માટે હશે. બસ, તેના પર પરમ વિશ્વાસ રાખવો જરૂરી છે.’

columnists