તું હજી ત્યાં જ છે... ( લાઈફ કા ફન્ડા)

10 September, 2019 03:53 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

તું હજી ત્યાં જ છે... ( લાઈફ કા ફન્ડા)

નગરમાં એક મહાત્માજી આવ્યા. તેમની ત્રણ દિવસની પ્રવચનસભાનું આયોજન હતું. તેમની વાણી અને વિચાર એટલા શુદ્ધ અને સરળ હતા કે ગામલોકોને તેમનું પ્રવચન સંભાળવાનું ગમતું એટલે ભીડ વધતી જતી હતી. ત્રણ દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબર જ ન પડી. ગામલોકોએ વધુ આગ્રહ કરી મહાત્માજીને વધુ રોકાઈ જવા આગ્રહ કર્યો. મહાત્માજી સંમત થયા અને બે દિવસ વધુ રોકાયા.

છેલ્લા દિવસે મહાત્માજીના પ્રવચન બાદ સાંજની હરિનામની ધૂન ચાલુ હતી ત્યાં એક માણસ ઓચિંતો આવ્યો અને મહાત્માજીને એલફેલ બોલવા લાગ્યો, ‘તું ધુતારો છે, લોકોને મીઠું-મીઠું બોલી બનાવે છે અને તારી વાતો સાંભળવામાં લોકો કામ નથી કરતાં વગેરે વગેરે.’

મહાત્માજી તેની વાત શાંતિથી સાંભળતા રહ્યા. ન તેમને ગુસ્સો આવ્યો, ન તેમને ખરાબ લાગ્યું, ન તેમના મુખ પરનું સ્મિત દૂર થયું; પરંતુ ગામલોકો ગુસ્સે થઈ ગયા અને પેલા માણસને મારવા ઊઠ્યા. મહાત્માજીએ બધાને અટકાવ્યા. તેમના એક અવાજ પર બધા અટકી ગયા અને શાંતિ જાળવી રાખી તથા હરિનામની ધૂન આગળ ચલાવી. પેલો માણસ બોલતાં-બોલતાં થાક્યો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો.

ઘરે ગયા બાદ રાત્રે માણસને પોતાના વર્તન બદલ પસ્તાવો થયો. કેમે કરીને ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે તે મહાત્માજીની માફી માગવા ગયો, પણ મહાત્માજી તો ત્યાંથી નીકળી ગયા હતા. પેલા માણસે ગામલોકોને પૂછ્યું, ‘મહાત્માજી કઈ તરફ, કયા નગર ગયા છે?’ અને ખબર પડતાં જ આંખ મીંચીને એ દિશામાં મહાત્માજીને મળવા દોડ્યો. મહાત્માજી બીજા નગરમાં પહોંચી પ્રવચન આપી રહ્યા હતા. પેલો માણસ ત્યાં પહોંચ્યો અને પ્રવચનસભામાં પહોંચીને સભાની વચ્ચે દોડીને મહાત્માજીનાં ચરણોમાં પડી ગયો અને રડતાં-રડતાં કાન પકડી પોતાના ગઈ કાલના ખરાબ વ્યવહાર અને અપશબ્દો માટે વારંવાર માફી માગવા લાગ્યો. મહાત્માજીએ તેને ઊભો કર્યો અને પૂછ્યું, ‘ભાઈ, કોણ છે તું અને શું કામ રડીને માફી માગે છે?’

આ પણ વાંચો: પ્રશ્નનો હલ - (લાઇફ કા ફન્ડા)

પેલા માણસ અને મહાત્માજીના શિષ્યોને નવાઈ લાગી કે મહાત્માજી કેમ આમ બોલે છે. હજી ગઈ કાલે જ આ માણસે તેમનું ભરસભામાં કેટલું અપમાન કર્યું હતું. પેલા માણસે નીચું જોઈ ધીમે સાદે કહ્યું, ‘મહાત્માજી, ગઈ કાલે મેં તમારી જોડે ખરાબ વ્યવહાર કર્યો હતો. એ ભૂલની માફી માગું છું, મને માફ કરો.’

મહાત્માજી હસીને બોલ્યા, ‘ભાઈ, હજી તું ગઈ કાલમાં જ છે. હું તો ક્યારનો એ વાત ભૂલી આગળ આજમાં આવી ગયો છું. તું હજી ત્યાં જ શું કામ રહે છે. ભૂલી જા અને આજમાં આવી જા. ગઈ કાલમાં જીવીને કોઈ ફાયદો નથી. એને ભૂલી જવામાં જ સાર છે.’
પેલા માણસે મહાત્માજીને વંદન કર્યા

columnists gujarati mid-day