સાંભળો ઈશ્વરનો અવાજ - (લાઇફ કા ફન્ડા)

10 October, 2019 04:40 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

સાંભળો ઈશ્વરનો અવાજ - (લાઇફ કા ફન્ડા)

એક પર્વતારોહક એકલો જ ઊંચું બર્ફીલું શિખર સર કરવા નીકળી પડ્યો. માત્ર અને માત્ર પોતાનું નામ થાય તે માટે તે એકલો જ નીકળી પડ્યો. સડસડાટ હિંમતથી ઉપર ચઢી ગયો. તેને ઉપર શિખર પર પહોંચવાની અને બધા પાસે વાહ-વાહ મેળવવાની એટલી ઉતાવળ હતી કે તે રાત્રે પણ ક્યાંય રાતવાસો કરવા ન રોકાયો અને આગળ અને આગળ વધતો રહ્યો. થાકી ગયો હતો, પણ અટકવાનું નામ લેતો ન હતો.

રાત પડવા આવી હતી અને તે શિખરથી માત્ર ૨૫૦ ફુટ દૂર હતો, તેને શિખર પર પહોંચવાની ઉતાવળ હતી, તેને સાબિત કરવું હતું કે હું કોઈના પણ સાથ વિના શિખર સર કરી શકું છું. અંધારી અમાસની રાત અને વાદળછાયું આકાશ હતું. તેથી ચંદ્રનો કે તારાઓનો આછો પ્રકાશ પણ ન હતો. કાળા ડિબાંગ અંધારામાં પણ પર્વતારોહકે ઉપર ચઢવાનું ચાલુ રાખ્યું. બસ શિખર થોડા ફુટ જ દૂર હતું અને અચાનક પર્વતારોહકનો પગ પથ્થર સાથે અથડાયો અને ઠોકર વાગતાં તેણે સમતોલન ગુમાવ્યું અને સડસડાટ તે નીચે ગબડવા લાગ્યો. અંધારામાં કંઈ દેખાતું નહોતું અને કોઈ બચાવવાવાળું પણ સાથે ન હતું. હજારો ફુટની ઊંચાઈથી તે નીચે ગબડી રહ્યો હતો, હવે મોત સામે જ દેખાતું હતું.

પર્વતારોહકનું એકલા જ શિખર સર કરી બતાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું અને અત્યારે તે માત્ર એક દોરડાને સહારે બંધાઈને શિખરથી નીચે તરફ ગબડી રહ્યો હતો. બચવા માટે કંઈક પકડવા પહેલાં ફાંફાં માર્યા, પણ અંધારામાં કંઈ જ દેખાતું ન હતું. હવે માત્ર અને માત્ર ભગવાન સિવાય કોઈનો સહારો ન હતો. પર્વતારોહકે દિલથી ભગવાનને પોકાર્યા અને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર મને બચાવ.’ પર્વતારોહક અભિમાની હતો, અત્યાર સુધી ક્યારેય ભગવાનને યાદ કર્યા ન હતા, પણ મોત સામે દેખાતા ભગવાન યાદ આવ્યા... અને ભગવાને પણ તેની પ્રાર્થના સાંભળી...અને કાળા-ડિબાંગ અંધારામાં કંઈ જ દેખાતું નહોતું ત્યારે એક ગેબી અવાજ સંભળાયો કે ‘દોરડું કાપી નાખ.’ પર્વતારોહક એક દોરડાના સહારે લટકી રહ્યો હતો અને એટલે જ હજી જમીન પર પટકાયો ન હતો. પર્વતારોહકે દોરડું ન કાપ્યું, તેને દોરડા પર ભરોસો વધારે હતો.

આ પણ વાંચો : દરેક માતા-પિતા - (લાઇફ કા ફન્ડા)

આખી રાત બર્ફીલા વાતાવરણમાં તે દોરડાના સહારે લટકતો રહ્યો અને સવારે જ્યારે બચાવ ટુકડીને તેનું બરફમાં થીજી ગયેલું મૃત શરીર મળ્યું ત્યારે તે જમીનથી બે ફૂટ ઊંચે જ લટકતું હતું. જો તેણે ઈશ્વરનો અવાજ સાંભળી દોરડું કાપી નાખ્યું હોત તો તે જમીન પર પહોંચી જાત ને બચી શક્યો હોત, પણ તેણે ઈશ્વરનો અવાજ ન સાંભળતા દોરડા પર ભરોસો રાખ્યો અને મૃત્યુને ભેટ્યો.

columnists