દરેક માતા-પિતા - (લાઇફ કા ફન્ડા)

Published: Oct 09, 2019, 15:43 IST | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ | મુંબઈ

એક દાદાને પંખીઓ બહુ ગમે.

એક દાદાને પંખીઓ બહુ ગમે. રોજ દિવસમાં જ્યારે સમય મળે અને મન થાય ત્યારે પોતાના ૧૨મા માળે આવેલા ફ્લૅટની ગૅલરીમાં ઊભા ઊભા આજુબાજુનાં ઝાડ પર બાંધેલાં પંખીઓના માળાઓનું નિરીક્ષણ કરે, કંઈક નોંધ પણ કરે. ફોટા પાડે. ચકલી અને પોપટને જોઈ આનંદિત થઈ જાય. શ્રાવણ-ભાદરવો વરસાદના મહિના અને આ મહિનામાં જ કાગડાઓ માળા બાંધે અને બચ્ચાને જન્મ આપે. ચતુર ગણાતાં પંખી કાગડાએ તેમની ગૅલરીમાંથી દેખાતા ઝાડની ઘણી ઉપર બરાબર મજબૂત ડાળી... જે આજુબાજુથી બીજી ડાળીથી આચ્છાદિત હતી તેની પર માળો બાંધ્યો. કાગડીએ ઈંડાં મૂક્યાં. દાદાએ વિચાર્યું કે ‘વાહ, આ ચતુર કહેવાતો કાગડો સાચે ઘણો ચતુર છે. કેટલી સુરક્ષિત ઊંચી મજબૂત ડાળ. વળી તડકો-તાપ અને વરસાદથી આજુબાજુની ડાળીઓનાં પાન દ્વારા રક્ષણ પણ.’

સુરક્ષિત માળામાં કાગડીએ ઈંડાં મૂક્યાં... પછી કાગડો અને કાગડી વારાફરતી ઈંડાં સેવે અને ખોરાક શોધવા જાય. રોજનો ક્રમ... અને દાદા પણ રોજ તે જુએ. થોડા દિવસ પછી ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવ્યાં - નાનકડા, કુમળા, નાજુક બચ્ચાં. દાદાએ ફોટા પણ પાડ્યા. એક દિવસ બપોરે જોરદાર પવન ફુંકાયો અને ભારે વરસાદ પડવા લાગ્યો. પવન અને વરસાદનું જોર વધતું જતું હતું. બનવાકાળ એવું થયું કે કાગડાનો માળો જે ડાળી પર હતો તે ડાળીની આજુબાજુની ડાળીઓ જે માળાને તડકા અને વરસાદથી બચાવતી હતી તે તૂટીને નીચે પડી ગઈ. નસીબજોગે માળો જે ડાળી પર હતો તે ડાળી મજબૂત હોવાથી ન તૂટી, પણ આજુબાજુની ડાળીઓ તૂટી જવાથી માળો ખુલ્લો થઈ ગયો. કાગડો અને કાગડી મુંઝાયાં. તેમનાં તાજાં જન્મેલાં બચ્ચાં વરસાદમાં ભીંજાવા લાગ્યાં. કાગડો-કાગડી હિમંત ન હાર્યા, બચ્ચાને વરસાદનાં પાણી અને ઠંડકથી બચાવવા કાગડો પોતાની પાંખ ફેલાવી પોતાના શરીર નીચે બચ્ચાને હૂંફ આપવા લાગ્યો. કાગડી ક્યાંકથી ચાંચમાં દાણા લઈ આવી, બચ્ચાને દાણા ખવડાવ્યા અને પોતે બચ્ચાને પાંખમાં લઈ હૂંફ આપવા બેઠી. કાગડો સતત ભીનો થવાથી ઠંડીમાં ઠૂઠવાતો હતો, તે ઊડીને શરીરમાં ગરમી મેળવવા ગયો. પાંખો પરથી વરસાદનું પાણી ઝાટકી બે મિનિટમાં પાછો આવ્યો અને હવે કાગડી ઊડી. કાગડો બચ્ચાંને પાંખોમાં જાળવીને બેઠો. બંને જણ આમ સતત કરતાં રહ્યાં. પોતાના શરીરની હૂંફથી બચ્ચાને જાળવતાં અને ઊડીને પોતે ગરમી મેળવતાં. કાગડા–કાગડીએ મા-બાપની ફરજ નિભાવી અને તેમની આ પ્રેમભરી ફરજને દાદાએ વિડિયોમાં રેકૉર્ડ કરી લીધી.

રાત્રે ભોજન બાદ ઘરના બધા સભ્યોને ભેગા કરી વિડિયો બતાવ્યો અને કહ્યું ‘જુઓ માતા–પિતા પોતાના બાળક માટે શું શું કરી શકે છે તે જુઓ... અને ક્યારેય મનમાં પ્રશ્ન થાય કે માતા- પિતાએ અમારા માટે શું કર્યું છે તો આ વિડિયો ફરીથી જોજો. યાદ રાખજો, માત્ર કાગડો અને કાગડી નહીં બધાં જ માતા-પિતા પોતાનાં બાળકો માટે દરેક કષ્ટ સહન કરી બાળકોને કષ્ટથી બચાવે છે.’

- હેતા ભૂષણ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK