જીવન જીવવાનો અભિગમ (લાઈફ કા ફન્ડા)

11 September, 2019 09:26 AM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

જીવન જીવવાનો અભિગમ (લાઈફ કા ફન્ડા)

એક ૮૫ વર્ષનાં દાદી. નામ શાંતાગૌરી. ખૂબ જ હોશિયાર અને હિંમતવાન. આમ ભણેલાં ઓછું પણ જીવનનું ગણતર એકદમ સરસ રીતે જાણે. જ્યાં જાય ત્યાં બધાને પોતાના કરી લે. પ્રેમ આપી અને મદદ કરી દરેકને પોતાના કરી લે. આમ તો દાદી ખડે ખાં કહેવાય. સરસ સાડીઓ પહેરે, સદા હસતાં રહે, પણ દાદીના જીવનમાં પણ તકલીફો ઓછી નહોતી. પોતે ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. ડગુમગુ ચાલતાં ઘરનાં બધાં કામ કરે. બીમાર પતિની સંભાળ રાખે. બાળકો દૂર બહારગામ રહેતાં હતાં. દાદીના પતિની તબિયત વધુ બગડી. એક કૅર ટેકર રાખ્યો. દાદી અને કૅર ટેકર બન્નેનો આખો દિવસ દાદાની સંભાળ રાખવામાં જાય. પોતાના સ્વભાવ પ્રમાણે દાદીએ કૅર ટેકરને પણ પ્રેમ આપી પોતાનો કરી લીધો.

કૅર ટેકર રોજ ઘરે આવે, બાર કલાક કામ કરે, દાદાની સેવા કરે. તેને ખબર હતી કે દાદીના પગ પણ બહુ દુખે છે છતાં સદા હસતા મોઢે બધાં કામ કરે. દાદાની પાસે સેવામાં હાજર ને હાજર રહે અને હંમેશાં હસતાં ને હસતાં. એક દિવસ દાદી જાતે-જાતે પોતાના દુખતા પગ પર મલમ ચોળી માલિશ કરી રહ્યાં હતાં ત્યારે કૅર ટેકરે પૂછ્યું, ‘દાદી તમને આટલો દુખાવો છે, દાદા આટલા માંદા છે છતાં તમે હંમેશાં હસતાં ને હસતાં કઈ રીતે રહી શકો છો?’ દાદીએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘ભાઈ, આ જ તો જીવન છે, શું હું આખો દિવસ પલંગ પર બેસીને આ પગ દુખે છે, આ પગ દુખે છે એનું ગાણું ગાયે રાખું તો શું દુખાવો મટી જશે, ના એમ નહીં થાય. આખો દિવસ દુખતા પગ કરતાં મારા શરીરનાં જે અંગો આ ઉંમરે પણ બરાબર ચાલે છે એ માટે હું ભગવાનનો આભાર માનીશ. ઈશ્વરનો ખૂબ-ખૂબ આભાર કે હું બરાબર જોઈ શકું છું, વિચારી શકું છું, રસોઈ બનાવી શકું છું અને નાનાં-મોટાં કામ કરી શકું છું.

આ પણ વાંચો: તું હજી ત્યાં જ છે... ( લાઈફ કા ફન્ડા)

મેં મનથી નક્કી કર્યું છે કે ઈશ્વર જીવનમાં રોજ એક નવા દિવસની ભેટ આપે છે એ હું આનંદથી પસાર કરીશ. મેં નક્કી કર્યું છે કે હું હંમેશાં ખુશ રહીશ અને ખુશીથી ઊભરાતી યાદો જ મનમાં રાખીશ.’ કૅર ટેકર મુશ્કેલીઓથી ભરેલા જીવન પ્રત્યેનો દાદીનો અભિગમ સાંભળી રહ્યો. દાદીએ આગળ કહ્યું, ‘જીવનમાં મુશ્કેલીઓ અચાનક આવી શકે, પણ હંમેશાં ખુશ થવું મારી પોતાની રીત અને પસંદ છે. કોઈને નફરત કોઈક કારણથી આપોઆપ થઈ જાય, પણ બધાને પ્રેમ આપવો મારી પોતાની પસંદગી છે. સંજોગોને કારણે નકારાત્મક વિચાર આવી જાય, પણ હંમેશાં સકારાત્મક રહેવું એ મારી પસંદગી છે. ફરિયાદો તો આપોઆપ થઈ જાય, પણ ફરિયાદ કર્યા વિના જે મળ્યું છે એ માટે આભાર માનવો મારી પસંદગી છે. અને હું આવી રીતે જ મારું જીવન જીવી રહી છું.’ 

columnists gujarati mid-day