મોંઘું ઘરેણું (લાઈફ કા ફન્ડા)

06 September, 2019 09:01 AM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

મોંઘું ઘરેણું (લાઈફ કા ફન્ડા)

 

બે સખીઓ દિવ્યા અને શીખા. લગ્ન બાદ ઘણાં વર્ષે મળી. કૉલેજકાળમાં સાથે ભણતી અને સાથે ફરતી, પણ અંદરથી સ્ત્રીસહજ સ્વભાવને લીધે એકમેકની સુંદરતાને લીધે મનમાં ઈર્ષ્યાભાવ રાખતી હતી. કૉલેજ પૂરી થઈને બધા જીવનમાં આગળ વધી ગયા. આ બન્ને સખીઓનાં પણ લગ્ન થઈ ગયાં. બન્નેનાં લગ્ન સુખી-સંપન્ન પરિવારમાં થયાં હતાં. એકમેકનાં લગ્નમાં હાજરી આપી હતી અને પછી લગ્નજીવનમાં વ્યસ્ત થઈ જતાં સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ આજે મળી હતી.

શીખાએ પગથી માથા સુધી હીરાના દાગીના પહેર્યા હતા. મોંઘો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. હાથમાં મોંઘો મોબાઇલ હતો, પણ ચહેરો માયૂસ હતો. આંખ નીચે કાળાં કૂંડાળાં હતાં. આ બાજુ દિવ્યાએ કોઈ દાગીના પહેર્યા નહોતા. સલવાર-કમીઝ પણ સાવ સાદાં કૉટનનાં હતાં, પણ આંખો ચળકતી હતી અને ચહેરા પર મોટું સ્મિત હતું. બન્ને એકમેકને મળી. શીખા દિવ્યાને જોઈને મનોમન રાજી થઈ અને કેમ છે કેમ નહીં પૂછ્યા બાદ પોતાના પૈસાની વાત કરવા લાગી. મોંઘી ગાડી, મોંઘા દાગીના વગેરે વગેરે. વાતવાતમાં તેણે દિવ્યાને ટોણો મારતાં કહ્યું, ‘અરે તારો બંગલો હતોને. સાંભળ્યું હતું કે ખોટ જતાં વેચવો પડ્યો. વેચાઈ ગયોને.’ દિવ્યાએ કહ્યું, ‘હા, શું થાય, વેપારમાં ખોટ ગઈ એટલે લેણદારોના પૈસા આપવા વેચવો પડ્યો. ભલે બંગલો ગયો, પણ ઇજ્જત બચી ગઈ. વેપારધંધામાં તો આવું ચાલ્યા કરે.’

આ પણ વાંચો: વાત શીખવા જેવી (લાઇફ કા ફન્ડા)

શીખાને દિવ્યાના ઘા ખોતરવાની મજા પડી રહી હતી. તે બોલી, ‘તને તો ઘરેણાં પહેરવાનો બહુ શોખ હતો, કેમ આજે કંઈ પહેર્યું નથી. હું તો જો રોજ આટલાં ઘરેણાં પહેરીને જ બહાર નીકળું છું અને એ પણ રોજ જુદાં-જુદાં મૅચિંગ.’ દિવ્યા તેની બડાઈ સાંભળી રહી હતી, પછી ધીમેકથી બોલી, ‘મેં એક મોંઘું ઘરેણું પહેર્યું છે જે તારી પાસે નથી.’ શીખાને નવાઈ લાગી કે આ શું બોલી રહી છે. દિવ્યા ધીમેમથી અને મક્કમતાથી બોલી, ‘તારી મોંઘી ગાડીના અરીસામાં જો કે તેં ઘણા દાગીના પહેર્યા છે, પણ શું તારા મોઢા પર સ્મિત છે, આંખોમાં ચમક છે,જ્યારે મનમાં આનંદ અને ચહેરા પર સ્મિત ન હોય તો આ બધા દાગીના અને વૈભવ શું કામનો?’ શીખાએ જોયું કે દિવ્યાના ચળકતા સ્મિત સામે તેના બધા દાગીનાની ચમક ઝાંખી પડતી હતી અને પોતાના મુખ પર તો સ્મિત હતું જ નહીં. તે ચૂપચાપ ગાડીમાં બેસીને જતી રહી.

columnists gujarati mid-day