અરે, તમે કોણ?

10 May, 2022 12:23 PM IST  |  Mumbai | Ruchita Shah

યસ, આવો જ ઉદ્ગાર લોકોના મોઢામાંથી નીકળતો જ્યારે એક વર્ષના આકરા પ્રયાસો પછી ૩૫ કિલો વજન ઉતારનારાં પારુલ શાહને લોકો જોતા. કોઈ માનવા જ તૈયાર નહોતું કે સર્જરી વિના આવું ટ્રાન્સફૉર્મેશન આવી શકે. વજન ઉતારવાની તેમની રોમાંચક જર્નીના આજે આપણે પણ સાક્ષી બનીએ

પારુલ શાહ

સ્થળ : અમેરિકા. ઉંમર : ૪૭ વર્ષ. બીજા કોઈક માટે બેબી પ્રોડક્ટ્સની શૉપિંગ કરવા ગયા હો અને ત્યાંનો સ્ટાફ તમને પૂછે કે તમારા બાળકની હાઇટ કેટલી છે એટલે તમે હસી પડો અને કહો કે નહીં... નહીં... મારા બાળક માટે નહીં, મારા જેઠાણીની ડૉટર ઇનલૉના બાળક માટે. એટલે સામે ઊભેલી સેલ્સગર્લ તમારો હાથ મિલાવે. તેને આ વાતમાં જરાય વિશ્વાસ જ ન આવે. આ સ્તર પર તમારી ઉંમર ઘટેલી દેખાય તો પછી વેઇટલૉસ માટેના નિયમો પાળવામાં, અનહેલ્ધી વસ્તુઓ નહીં ખાવામાં કે કસરત કરવામાં તમને બહારના કોઈ મોટિવેશનની જરૂર પડે ખરી? એક સમયે ૧૦૪ કિલોનું વજન અને દુનિયાભરના હેલ્થ-ઇશ્યુઝ ધરાવતાં સાઉથ મુંબઈનાં પારુલ બિમલ શાહને આવા અનેક અનુભવો વેઇટલૉસ પછી થયા છે. લોકો તેમને ઓળખી જ ન શકે. અરે, એ જવા દો. કેટલાક લોકો તેમની પીઠ પાછળ એવી વાતો કરતા કે બને જ નહીં કે ખાલી ડાયટ અને એક્સરસાઇઝથી વજન ઘટ્યું હોય, નક્કી તેણે સર્જરી કરાવી હશે. જોકે વાસ્તવિકતા તેઓ પોતે અને તેમનો પરિવાર જ જાણતાં હતાં. મન મક્કમ હોય ત્યારે જીવનમાં કેવા મૅજિકલ બદલાવો આપણે લાવી શકીએ છીએ એની ઇન્ટરેસ્ટિંગ વાતો પારુલબહેન પાસેથી આજે જાણીએ. 
રિયલાઇઝ થવાનું શરૂ થયું
પારુલબહેનનાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન બહુ હેવીવેઇટ નહોતાં; પણ હા, તેમની બહેન અને પિતા હંમેશાં પાતળા રહ્યાં છે. બાકીના સભ્યોનું વજન વધઘટ થતું રહેતું. તેઓ કહે છે, ‘મારું વજન વધારે છે અને એને ઓછું કરવા માટે મારે પ્રયાસ કરવા જોઈએ એવું ૪૩ વર્ષની ઉંમર સુધી ક્યારેય લાગ્યું જ નહોતું. હા, જ્યારે મારાં સાસુ પથારીવશ હતાં અને હેવીવેઇટ હતાં ત્યારે તેમને બધાં કામ માટે ઉપાડીને લઈ જવાં પડતાં. અમે પરિવારના સભ્યો અને ઘરના હેલ્પર બધા મળીને પણ તેમને ઉપાડવામાં અસમર્થ હતા. ત્યારે મને પહેલી વાર વિચાર આવેલો કે મારું વજન આટલું છે અને એમાં ઉંમર જતાં મારે પણ આવી પરવશતા આવી તો શું? એ વિચારમાત્રથી મને ડર લાગેલો. જોકે એ પછી ફરી કામમાં વ્યસ્ત. એ સમયે મારો હોમ ડેકોરની પ્રોડક્ટ્સના ડિઝાઇનિંગનો બિઝનેસ પાટે ચડી રહ્યો હતો. મારા મને ઍન્ગ્ઝાયટી થઈ જતી. ઊંઘ ન આવે. બ્લડ-પ્રેશર હતું. બહુ જ જલદી થાકી જતી. ત્યારે મારી પાર્ટનર-ફ્રેન્ડે મને કરેલી ટકોર ખૂબ કામ લાગી. તેની ઉંમર મારા કરતાં દસ વર્ષ મોટી હતી અને તે એનર્જીથી ભરપૂર હતી. તેણે કહ્યું, ‘આ શું ચાલે છે એ ખબર પડે છે તને? હજી તો બન્ને બાળકોનાં લગ્ન બાકી છે અને ૪૩ વર્ષની ઉંમરે તારી હાલત આવી છે. કર તું કંઈક.’ તેણે જબરદસ્તી એક ડાયટિશ્યન પાસે મને મોકલી. બસ, આ રીતે મારી જર્નીની શરૂઆત થઈ. થોડોક સમય ડાયટિશ્યનના કહેવા પ્રમાણે બધું ફૉલો કર્યું; પણ પછી તો જાતે જ પોતાની બુદ્ધિ વાપરીને શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું વગેરેનો નિર્ણય લઈ લેતી.’
રિઝલ્ટથી મોટિવેશન
બહુ થોડા સમયમાં જ પારુલબહેનને પરિણામ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. તેઓ કહે છે, ‘પાંચ દિવસ વર્કઆઉટ અને ડાયટ-પ્લાન પ્રમાણેનું ભોજન ત્રણેક મહિના ફૉલો કર્યું એમાં જ લગભગ ૧૩ કિલો વજન ઘટી ગયું. એક વાત નક્કી હતી કે મારે મારી જાત સાથે બહુ હાર્શ નહોતું થવું. હું સૅલડ અને સૂપ પર રહી નથી કે ભૂખી પણ રહી નથી. સ્વાદને કે મનને માર્યાં નથી. કન્ટ્રોલ સાથે ભાવતું ખાતી. કદાચ એટલે જ ક્યારેય મારો ચહેરો નિસ્તેજ થઈ ગયો કે ચામડી લબડી પડી એવું બન્યું નહીં. લગભગ એક વર્ષમાં ૩૫ કિલો વજન ઘટી ગયું હતું. સવારે દાળ, ભાત, શાક, રોટલી ખાતી. અફકોર્સ ક્વૉન્ટિટી ઓછી હોય. બસ, મારો નિયમ હતો કે રોજ સવારે ઊઠીને વેઇંગ મશીન પર ઊભી રહેતી. જો ૩૦૦ ગ્રામ પણ વજન વધ્યું હોય તો ડાયટ અને વર્કઆઉટ દ્વારા એને બૅલૅન્સ કરી દેવાનું. રોજનો નિયમ મારા માટે સૌથી મોટું મોટિવેશન હતું. જે ખાઉં છું એ પૂરેપૂરું યુટિલાઇઝ થઈ જાય એ માટે પ્રયત્નો કરતી. ઘરે એક ઇન્સ્ટ્રક્ટર મને એક્સરસાઇઝ કરાવવા આવતો. રોજના ત્રણસો-ત્રણસો ઍબ્સ મારતી. તળેલું, સાકરવાળું ખાવાનું ઓછું કરી નાખેલું. ડિનરમાં ત્રીસ ટકા ક્વૉન્ટિટી ઘટાડી દીધેલી. પિત્ઝા મને બહુ ભાવે. જ્યારે એ ખાધા હોય તો પછી આખા દિવસમાં કંઈ ન ખાઉં એ રીતે કૉમ્પેનસેટ કરતી. પાણીપૂરી ખાવી હોય તો એ પણ ખાઉં, પણ એક કે બે. બીજું તો એવું છેને કે તમને રિઝલ્ટ દેખાવા માંડે એટલે અમુક બાબતોમાં તમારી આદત કેળવાતી જાય. મને ક્યારેક ચૉકલેટ ખાવાનું મન થતું તો હું એ મોઢામાં નાખતી, થોડોક સ્વાદ લઈ લેતી અને પછી એને ડસ્ટબિનમાં ફેંકી દેતી. હોટેલમાં જતી ત્યારે પણ હેલ્ધી પર્યાયો અને ઓછી ક્વૉન્ટિટી પ્રિફર કરતી.’
જે કપડાં પહેરી શકાય એની કલ્પના પણ ન થઈ હોય એવાં કપડાં પણ પહેરવા મળતાં પારુલબહેનનો ઉત્સાહ આસમાન પર હતો. લોકો પાસેથી, પરિવાર પાસેથી જે કૉમ્પ્લિમેન્ટ્સ મળતાં એમાં ઘણા લોકો માટે તેઓ પ્રેરણાનો સ્રોત બની ગયાં હતાં. વેઇટલૉસ પછી તેમનું બ્લડ-પ્રેશર ગયું. એ સિવાયના પણ તમામ હેલ્થ-પ્રૉબ્લેમ્સ દૂર થઈ ગયા હતા. 
કોવિડે બાજી બગાડી
લૉકડાઉનમાં ઘરમાં રહેવાનું થયું. સંતાનોનાં લગ્ન આવ્યાં. ઘરમાં સાસુની તબિયત નાદુરસ્ત અને એમાં જ તેમને અને તેમના હસબન્ડને કોવિડ થઈ ગયો એ પછી ફરી એક વાર તેમના વજનમાં થોડોક વધારો થયો. એને ઓછું કરવાની દિશામાં તેમણે હવે ઝંપલાવી દીધું છે. તેઓ કહે છે, ‘મને કોવિડની બહુ જ સિવિયર અસર થઈ હતી. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ મને લાંબા સમય સુધી તાવ રહ્યો હતો. બહુબધી દવાઓ અને સ્ટેરૉઇડ્સ પર રહેવું પડેલું જેનાથી વજન વધવાનું શરૂ થયું. દીકરીનાં લગ્ન પણ હતાં. એ સિવાય પણ ઘરમાં અનેક પ્રકારના ટેન્શનને કારણે મારું વેઇટ ફરી વધ્યું જેને ઉતારવાની દિશામાં હવે હું સજ્જ થઈ ગઈ છું.’

columnists ruchita shah