માતૃત્વની મિસાલ, માસીબા

12 March, 2023 12:02 PM IST  |  Mumbai | Shailesh Nayak

જન્મદાતા માતા-પિતા સમય અને સંજોગોને કારણે બાળકનો ઉછેર કરવામાં અક્ષમ હોય ત્યારે ગોધરાના આ કિન્નરો તેમને દત્તક લઈને પગભર કરાવી રહ્યા હોય એ આશ્ચર્યની વાત નહીં તો બીજું શું?

દીકરીઓ સાથે સંગીતા દે.

હાલમાં પાંચ દીકરીઓની જવાબદારી જેમણે લીધી છે એવી આખા ગોધરામાં માસીબા તરીકે જાણીતી આ અનોખી હસ્તીઓને મળીએ

‘જન્મોજન્મ મને આ મમ્મી મળજો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને આવી મમ્મી મળે.’

સ્વાભાવિક છે કે દરેક સંતાન આવું ઇચ્છતું હોય, પણ ઍગ્રિકલ્ચર ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરનારી ગોધરાની કિંજલ જેના માટે આદર અને સ્નેહ સાથે આ વાત કહી રહી હતી તે તેની સગી મમ્મી નથી કે નથી સાવકી માતા. આ મમ્મી છે એક માસીબા, એક કિન્નર! ગોધરામાં કિન્નર સંગીતા દે ખોળે લીધેલી પાંચ-પાંચ દીકરીઓનો ઉછેર કરી રહ્યાં છે, તેમને ભણાવીને પગભર બનાવી રહ્યાં છે. આ એક નોખી માતા છે. તેણે બે દીકરાઓનાં લગ્ન કરાવ્યાં છે અને ગયા મહિને એક દીકરીને પાળી-પોષીને મોટી કરી પગભર બનાવીને ધામધૂમથી તેનાં લગ્ન કર્યાં હતાં. અચરજ પમાડે એવી વાત એ છે કે જે દીકરીનાં લગ્ન કરાવ્યાં તેની મમ્મીનું પણ લાલન-પાલન કરીને અગાઉ લગ્ન કરાવ્યાં હતાં! જે દીકરીઓને સંગીતા દેએ ખોળે લીધી છે તે દીકરીઓ અનાથ નથી, પણ સમય-સંજોગોને કારણે આર્થિક સંકડામણ વચ્ચે ત્રણ-ચાર સંતાનોનો ઉછેર મુશ્કેલ હોય છે ત્યારે આસપાસમાં રહેતી આવી ફૅમિલીનાં બાળકોના ઉછેરમાં આવતી અડચણ દૂર કરતાં અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢતાં સંગીતા દે માસીબાએ ફૅમિલી સાથે વાત કરીને તેમના એક સંતાનના ઉછેરની જવાબદારી માથે લઈને બાળકને પોતાના ઘરે લાવીને તેનો ઉછેર કરે છે. તેમને અભ્યાસ કરાવવો, સ્કૂલમાં લેવા-મૂકવા જવું, પેરન્ટ્સ મીટિંગમાં હાજરી આપવી, લગ્ન કરાવવાં સહિત સાંસારિક કુટુંબની જેમ જ ખોળે લીધેલી દીકરીઓનો હેતથી ઉછેરી રહી છે. આ દીકરીઓને પણ તેમની માતાની ખોટ સાલી નથી રહી. આસપાસના પંથકમાં સંગીતા દેના માતૃત્વની મહેક પ્રસરાવતા આ નિ:સ્વાર્થ સેવાકાર્યની સુવાસ પ્રસરી છે અને તેમને આવકારી રહ્યા છે.

કેવી રીતે એક કિન્નરના હૃદયમાં વાત્સલ્યનો ધોધ વહ્યો અને દીકરીઓ પ્રત્યે સંવેદનાની સરવાણી ફૂટવા સાથે માતાની મમતા જાગૃત થઈ અને દીકરીઓની જવાબદારી લઈને તેમનો ઉછેર કરી રહી છે એ વિશે વાત કરતાં ગોધરામાં રહેતાં ગોધરા કિન્નર સમાજનાં પ્રમુખ અને ગુરુ ૫૮ વર્ષનાં સંગીતા દે કહે છે, ‘આડોશ-પાડોશમાં કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય કે પછી કોઈ સામાન્ય પરિસ્થિતિવાળા હોય અને તેમને ત્રણ-ચાર બાળકો હોય અને ઘરમાં પાલવે એમ નથી હોતું એટલે આ બધું જોતાં મને થયું કે એકાદ બાળકના ઉછેરની જવાબદારી હું પણ લઉં. આવા પરિવારમાં માતા-પિતા સાથે વાત કરીને તેમના એક બાળકના ઉછેર માટે સંતાનને માગીને અમે લઈએ છીએ. માતા-પિતા પણ પ્રેમથી બાળકને આપે છે. આવાં સંતાનોનો ઉછેર કરવાનું અમને સારું લાગે છે અને આ જન્મમાં કંઈક સદકાર્ય કર્યાનો સંતોષ થાય છે. એની સાથે અમે પણ દુનિયાની જેમ બાળકોને ઉછેરી શકીએ છીએ, દુનિયાદારી નિભાવી શકીએ છીએ એવી લાગણીનો અહેસાસ થાય છે. આમ કરીને અમારો અવતાર સારો જાય, આગલો જન્મ સારો જાય.’

દીકરીઓના ઉછેરમાં આ કિન્નરો પાછીપાની કરતા નથી. તેઓ માતા-પિતાની જેમ જ બધી દીકરીઓનો ઉછેર કરી રહ્યા છે. તેમના અભ્યાસની વાત હોય કે દુનિયાદારીની સમજ આપવાની બાબત હોય, તમામ બાબતોનું ધ્યાન રાખનારાં સંગીતા દે કહે છે,  ‘હાલમાં અમે ૨૦ જણ સાથે રહીએ છીએ. એમાં પાંચ દીકરીઓ કિંજલ, પારુલ, પાયલ, ભૂમિકા અને ખુશીનો અમે ઉછેર કરી રહ્યાં છીએ. આ દીકરીઓ નાની હતી ત્યારથી અમારે ત્યાં રહે છે. સંસારીઓની જેમ અમે પરિવારની જેમ રહીએ. મારી ચેલી રિન્કુ આ દીકરીઓને સ્કૂલમાં લેવા-મૂકવા જાય, સ્કૂલમાં કોઈ કામ હોય કે પેરન્ટ્સ મીટિંગ હોય તો એમાં પણ જાય છે. સ્કૂલવાળાને ખબર છે કે આ છોકરીઓ માસીબાના ઘરે રહે છે એટલે સ્કૂલવાળાઓને પણ કોઈ વાંધો નથી. રિન્કુ ઘરે જ રહે છે અને છોકરીઓની દેખભાળ રાખે છે. પાયલ અગિયારમા, ભૂમિકા નવમા અને ખુશી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે; જ્યારે પારુલે નર્સિંગનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. કિંજલે અભ્યાસ કર્યા બાદ બ્યુટીપાર્લરનો કોર્સ કર્યો છે અને તે તેનું કામ કરે છે. દીકરીઓ પગભર થઈ એટલે અમને સંતોષ થયો છે.’

દીકરીઓની જવાબદારી માથે લીધા પછી તેમનો ખર્ચ કેવી રીતે નિભાવો છો અને સમાજ શું વાતો કરે છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમે લગ્નપ્રસંગ હોય કે અન્ય પ્રસંગોએ ભિક્ષાવૃત્તિ કરીએ છીએ. શ્રાવણ મહિનો હોય કે અન્ય પ્રસંગોપાત્ત હોય તો પણ અમે જઈએ અને એમ ગુજારો ચાલે છે. આ ઉપરાંત એક મકાન ભાડે આપ્યું છે એટલે જીવનનિર્વાહમાં તકલીફ ઊભી નથી થઈ. ભગવાન બધું ચલાવે છે. જે દીકરીઓનો અમે ઉછેર કરી રહ્યા છીએ તેમનાં મમ્મી-પપ્પા પણ અમારે ત્યાં આવે છે. દીકરીઓની ફ્રેન્ડ્સ પણ અમારા ઘરે આવે છે. આ દીકરીઓને અમે એક માતાની જેમ જીવથી સાચવીએ છીએ. કંઈક સારું કામ કર્યાનો સંતોષ છે. હમણાં અમે ગયા મહિને એક દીકરી જાગૃતિનાં લગ્ન સારી રીતે કરાવ્યાં હતાં. તે દીકરી ફોન કરીને મારા ખબરઅંતર પૂછે છે કે નાની, શું કરો છો? તબિયત સારી છેને? આ દીકરીની મમ્મી સંગીતાનાં લગ્ન પણ મેં કરાવ્યાં હતાં. તેના બે ભાઈ યોગેશ અને પિન્ટુનાં મૅરેજ પણ કરાવ્યાં હતાં.’

સંગીતા દે અને અન્ય કિન્નરો સાથે ઊછરી નર્સિંગનો અભ્યાસ કરીને ગોધરામાં હૉસ્પિટલમાં નર્સ તરીકે સર્વિસ કરતી પારુલ કહે છે, ‘માસીબા સાથે પણ અમને મૉમ-ડૅડ જેવું જ ફીલ થાય છે. તેમણે અમને મા-બાપની ક્યારેય ખોટ સાલવા દીધી નથી.’

ભણી-ગણીને સર્વિસ કરતી પારુલની સૅલેરીને સંગીતા દે કે અન્ય કિન્નર હાથ પણ નથી લગાવતાં. તેઓ આદરપૂર્વક લેવાની ના પાડી દે છે એ વિશે વાત કરતાં પારુલ કહે છે, ‘મને બારમા ધોરણ સુધી માસીબાએ અભ્યાસ કરાવ્યો અને ત્યાર બાદ નર્સિંગનો અભ્યાસ કર્યો. છેલ્લા છ મહિનાથી નર્સ તરીકે હૉસ્પિટલમાં સર્વિસ કરું છું. મારી પહેલી સૅલેરી આવી ત્યારે અન્ય દીકરા-દીકરી જેમ માતા-પિતાને પહેલી સૅલેરી આપે એમ મેં પણ સૅલેરી આપી, ત્યારે તેમણે સૅલેરી લેવાની ના પાડી દીધી અને કહ્યું કે આ તારી કમાઈ છે અને એને તારી પાસે જ રાખવાની.’

સાત-આઠ વર્ષની ઉંમરથી જેનો ઉછેર કરી દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવીને ઍગ્રિકલ્ચરમાં ડિપ્લોમા સુધી જેને ભણાવી તે કિંજલ કહે છે, ‘માસીબાએ જ મને બ્યુટીપાર્લરનો કોર્સ કરાવ્યો અને પગભર છું. ભગવાનને હું પ્રે કરું છું કે આવી માતા મળે.’

કિન્નરે લાલન-પાલન કરીને ઉછેર કર્યો એનો ગર્વ મહેસૂસ કરવા સાથે સમાજને મેસેજ આપતાં પારુલ અને કિંજલ કહે છે, ‘સમાજમાં ઘણા લોકો માસીબાને રિસ્પેક્ટ નથી આપતા. એ લોકોને અમે કહેવા માગીએ છીએ કે માસીબાઓને રિસ્પેક્ટ આપો. સમાજમાં તેમનું પણ સન્માન જળવાવું જોઈએ.’

columnists shailesh nayak