કરાટેનું લર્નિંગ આ યુવાન માટે બન્યું ટર્નિંગ પૉઇન્ટ

27 May, 2022 03:29 PM IST  |  Mumbai | Ruchita Shah

ઉંમર હતી ૧૪ વર્ષની જ્યારે ૯૬ કિલોના રાહુલ કારેલિયાના જીવનમાં કોઈ ધ્યેય નહોતું, એમાંથી આજે સેંકડો લોકોને કરાટેમાં ટ્રેઇન કરનારા રાહુલ કારેલિયાના લાઇફના ગોલ્સ જ બદલાઈ ગયા છે

કરાટેનું લર્નિંગ આ યુવાન માટે બન્યું ટર્નિંગ પૉઇન્ટ

લગભગ છેલ્લાં બાર વર્ષથી મહિલાઓને, બાળકોને અને ઈવન પોલીસ-અધિકારીઓને પણ કરાટે અને સેલ્ફ-ડિફેન્સના જુદા-જુદા ફૉર્મ માટે ટ્રેઇનિંગ આપી રહેલા ૨૬ વર્ષના રાહુલ સુરેશ કારેલિયા બાળપણથી જ ભણવામાં કોઈ ખાસ રસ નહોતો. જીવનમાં શું કરશે એની પણ ખબર નહોતી. ૧૪ વર્ષની ઉંમરે ૯૬ કિલો વજન હતું અને ઍક્ટિવિટીમાં કંઈ નહીં એટલે મમ્મીએ માત્ર તેને ઍક્ટિવ કરવા માટે કરાટે ક્લાસમાં જોડ્યો હતો જે હવે તેના જીવનની મકસદ બની ગઈ છે. ઇન્ટરનૅશનલ લેવલનું કરાટેનું કોચિંગ આપવાના ધ્યેય સાથે છેલ્લાં બાર વર્ષથી તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. ગયા વર્ષે પિતાના ડેથ પછી ફાધરના બિઝનેસમાં પણ ધ્યાન આપવાનું શરૂ કરવું પડ્યું. એ પછી પણ સવારનો સમય તેણે કરાટેના કોચિંગ માટે અકબંધ રાખ્યો છે. ડાયનૅમિક માર્શલ આર્ટ્સ ઍન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે ઍક્ટિવ રાહુલના જીવનમાં કરાટે કઈ રીતે આવ્યું અને એમાં તે કઈ રીતે આગળ વધી રહ્યો છે એની ઇન્સિપિરેશનલ સ્ટોરી જાણીએ. 
મમ્મીનું મોટિવેશન | ‘અત્યારે હું જે કંઈ છું એ મારી મમ્મીની જ બદૌલત.’ બહુ સ્પષ્ટતા સાથે વાત કરતાં રાહુલ કહે છે, ‘બેશક, મારા પિતાએ પણ મને દરેક તબક્કે ભરપૂર સપોર્ટ કર્યો છે અને તેમને આજે હું ખૂબ મિસ પણ કરતો હોઉં છું પરંતુ જ્યારે કરાટેની વાત આવે ત્યારે હું એનું પૂરેપૂરું શ્રેય મમ્મીને જ આપીશ. તેણે મને કરાટેથી ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો એટલું જ નહીં; સાથે કરાટેમાં જ્યારે-જ્યારે કૉમ્પિટિશન થતી, બહારગામ જવું પડતું તો એમાં થતા ખર્ચ માટે પણ મમ્મી પપ્પાને કન્વિન્સ કરતી. ૯૬ કિલોના ચબી કિડમાંથી આજે ઍબ્સ અને બાઇસેપ્સ સાથેના ફિટ યુવાન બનવા સુધીની જર્ની મમ્મીના આ દિશાના સહયોગ વિના શક્ય નહોતી. ભણવામાં ક્યારેય રસ નહોતો અને ઘણા પરિચિતો હું જીવનમાં શું કરીશ એમ કહીને હસતા હતા. આજે તેઓ મારો પ્રોગ્રેસ જોઈ પ્રાઉડ ફીલ કરે છે.’

ટ્રેઇનિંગ સતત | અત્યાર સુધીમાં અઢળક પુરસ્કારોથી નવાજાયેલો રાહુલ જુદા-જુદા પ્રકારની માર્શલ આર્ટ્સ શીખવે છે અને સ્કૂલનાં નાનાં બાળકોથી લઈને સ્ત્રી, પુરુષો, વર્કિંગ પ્રોફેશનલ્સ, કૉર્પોરેટ હાઉસિસ, પોલીસ-અધિકારીઓને પણ કરાટે અને અન્ય માર્શલ આર્ટનાં ફૉર્મ્સ માટે ટ્રેઇન કરી ચૂક્યો છે. પોતાની યુનિક જર્નીની વાત કરતાં તે કહે છે, ‘શીખવવું એક બાબત છે અને શીખવું જુદી બાબત. કોચિંગ સરળ નથી પણ મને મારા અનુભવ પરથી લાગે છે કે કોચ તરીકે હું વધારે કન્વિન્સિંગ છું. અત્યારે બ્લૅક બેલ્ટ ટૂના લેવલ સુધી પહોંચ્યો છું. જોકે આ જર્ની બહુ લાંબી હોય છે. એંસી વર્ષનો થઈ જાઉં તો પણ એમાં શીખવાનું બાકી રહે એટલું બધું એમાં નૉલેજ છે. અત્યારે જોકે ટુર્નામેન્ટમાં અને કૉમ્પિટિશનમાં મારા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે. સ્કૂલ, કૉલેજિસ, સોસાયટી, કૉર્પોરેટ હાઉસમાં અમે સેલ્ફ-ડિફેન્સના સેમિનાર કરીને તેમને પણ ટ્રેઇન કર્યા છે. કરાટે મારી લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ બનીને આવ્યો. એક સમયે જન્ક ફૂડ પર નભનારો લેઝી અને હાર્ડલી ઍક્ટિવ બાળક હતો જે કરાટેમાં આવ્યા પછી સવારે સાડાચાર વાગ્યે ઊઠવા માટે અને ટ્રેઇનિંગ માટે હોંશે-હોંશે જાય એ બહુ મોટું ટ્રાન્સફૉર્મેશન છે. હું બહુ જ ડિસિપ્લિન્ડ થઈ ગયો. મારી ફિઝિકલ સ્ટ્રેંગ્થની સાથે મેન્ટલ સ્ટ્રેંગ્થ પણ વધી. જીવનને લક્ષ્ય મળ્યું. ભણવાથી જ આપણે આગળ વધીએ એવું નથી, મારી લાઇફ પરથી કહું છું કે તમારા બાળકને સ્પોર્ટ્સનો અનુભવ કરાવો. તેને કોઈ ને કોઈ આઉટડોર ગેમ માટે ટ્રેઇન કરો. હું તમને ગૅરન્ટી સાથે કહું છું કે એ સ્પોર્ટ્સની તનાની પર્સનાલિટી ડેવલપમેન્ટમાં જોરદાર પૉઝિટિવ અસર થશે. તમે જો તેને જીવનમાં આગળ વધારવા માગતા હો તો ડેફિનેટલી આ વાત લાગુ પડે છે.’

 અઢળક પુરસ્કારોથી નવાજાયેલો રાહુલ સ્કૂલનાં નાનાં બાળકોથી લઈને કૉર્પોરેટ હાઉસિસ, પોલીસ-અધિકારીઓને પણ કરાટે અને અન્ય માર્શલ આર્ટનાં ફૉર્મ્સ માટે ટ્રેઇન કરી ચૂક્યો છે. 

columnists ruchita shah