મોજમાં રહેવાની કળા આ દાદી પાસેથી શીખો

19 January, 2022 05:01 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ખેલકૂદની હરીફાઈમાં ભાગ લેવો, ગોપી બનીને રાસ રમવા અને હોમમેડ નાસ્તાનો બિઝનેસ સંભાળવો. આ છે ઘાટકોપરનાં ૭૬ વર્ષનાં રજની હંસરાજ પડછના તંદુરસ્ત જીવનનું રહસ્ય

મોજમાં રહેવાની કળા આ દાદી પાસેથી શીખો

દાદા-દાદી અને નાના-નાની, તમને નિશાળમાં યોજાતી વાર્ષિક રમતોત્સવની રમતો યાદ છે? લીંબુ-ચમચી, દોરડાકૂદ, ખો-ખો, લંગડીદાવ, સંગીત ખુરશી, દડો ફેંકવો વગેરે રમતોમાં ભાગ લેવાની મજા પડતી હતીને! ખેલકૂદની હરીફાઈમાં હવે ભાગ લેવાનો હોય તો મોટા ભાગના વડીલો કહેશે, આ ઉંમરે દોડાદોડી ન થાય. જોકે સાવ એવું નથી હો! જુસ્સો અકબંધ હોય તો જીવનની સમી સંધ્યાએ દોડી શકાય, સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાય અને ઇનામ પણ મળી શકે. ઘાટકોપરમાં રહેતાં ભાટિયા જ્ઞાતિના ૭૬ વર્ષનાં રજની હંસરાજ પડછ આવાં જ જોશીલાં અને મોજીલાં દાદી છે. આજે વાત કરીએ તેમના શોખ અને પ્રવૃત્તિમય જીવનની. 
ઇનામ તો જીતવાનું જ
મહિલા મંડળ અને જ્ઞાતિના કાર્યક્રમોમાં ભાગ લેવાનો મને અતિશય શોખ છે એવું ઉત્સાહપૂવર્ક જણાવતાં દાદીમા કહે છે, ‘ખેલકૂદમાં હંમેશાંથી દિલચસ્પી રહી છે. દર વર્ષે દોરડાકૂદ, સંગીત ખુરશી, દડો ફેંકવો (થ્રો બૉલ), લીંબુ-ચમચીની રેસ અને દોડ આ પાંચ રમતમાં ઇનામ મળે છે. સમય કેટલો લાગે છે એની ગણતરી યાદ નથી, પરંતુ ૭૦ જેટલાં દોરડા અટક્યા વગર કૂદી શકું છું. દડો ફેંકવાની રમતમાં તાકાતની જરૂર પડે છે. આ ઉંમરે રબરનો દડો ૪૦થી ૪૫ ફીટ દૂર જાય છે. સાડી પહેરીને ૨૦૦ મીટર સહેલાઈથી દોડી જાઉં છું. દોડતી હોઉં ત્યારે દાદી ભાગ, નાની ભાગ એવો અવાજ સંભળાય એમાં જોશ વધે. પરિવારના સભ્યો મારો ઉત્સાહ વધારે છે. શારીરિક તંદુરસ્તી માટે ઘરનાં કામકાજ સિવાય કોઈ પ્રવૃત્તિ કરતી નથી. પરણીને આવી ત્યારથી રસોડામાં ખૂબ કામ કર્યું હોવાથી શરીર કસાયેલું છે. ખેલકૂદની હરીફાઈની જેમ રસોઈ બનાવવાની અને નોરતાંમાં ગરબાની હરીફાઈમાં પણ પહેલો નંબર આવે.’
ગોપી બનીને નાચું
સામાન્ય રીતે ઘરમાં વહુ આવી જાય એટલે સાસુ બની જનારી મહિલાઓ નિવૃત્ત થઈ જાય. હવે ઉંમર થઈ ગઈ એવું સ્વીકારી ઠાવકાં બનીને રહેવા લાગે. જોકે રજનીબહેન નોખી માટીનાં છે. ઉંમરની સાથે તેમનો જુસ્સો અને શોખ બન્ને વધતા ગયા. શોખની વાત આવતાં હસી પડતાં તેઓ કહે છે, ‘હાથતાળી, પાંચ દાંડિયા અને નૃત્યમાં આનંદ આવે છે. નવરાત્રિ, યમુનાષ્ટકના પાઠ કે શ્રીજીબાવાનો પાટોત્સવ હોય ત્યારે સજીધજીને નીકળવાનું. વૈષ્ણવોના ઘરે આનંદ કરાવવા મને ખાસ આમંત્રણ મળે. કોપરાપાક અને મોહનથાળની સામગ્રી પણ મારે જ બનાવવાની. યમુનાજીના હાથમાં કમળની માળા છે. મેં કમળના ફૂલ જેવી થાળી બનાવી છે. પાઠ હોય ત્યારે નીચે થાળી મૂકી સાચાં કમળનાં ફૂલ ગોઠવી યમુનાજી પધાર્યાં હોય એવો ભાવ કરું. કીર્તન ચાલતાં હોય ત્યાં ગોપી બનીને નાચવું ખૂબ ગમે. યમુનાજી બિરાજમાન હોય ત્યાં જાહેરમાં નૃત્ય કરવામાં જરાય સંકોચ ન થાય. વલ્લભ મંડળના કાર્યક્રમોમાં ગિરિરાજજી બનાવી આપવાની જવાબદારી પણ મારી હોય. હું ચુસ્ત વૈષ્ણવ છું. અમારા ઘરે લગભગ સો વર્ષથી ઠાકોરજીની સેવા છે અને ગિરિરાજજી બિરાજે છે.’
બિઝનેસની બાગડોર
૧૯ વર્ષની ઉંમરે લગ્ન કરીને આવી ત્યારે ભણેલી નહોતી, પરંતુ મારાં સાસુ બહુ હોંશીલાં હતાં તેથી એ જમાનામાં તેમણે મને ૧૦મા ધોરણની પરીક્ષા દેવડાવી હતી એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘મને ભણવામાં રસ છે એ જાણ્યા બાદ સૌમેયા કૉલેજમાંથી એક વર્ષનો શિક્ષકનો કોર્સ કરાવ્યો. તેમના સહયોગથી પ્રમાણમાં સારું કહી શકાય એટલું ભણી છું. થોડીઘણી અંગ્રેજી ભાષા આવડે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ ઠીકઠાક હતી. બાળકોની જવાબદારી હોવાથી બહાર જઈને નોકરી નથી કરી પણ સાસુના માર્ગદર્શનમાં ઘરેબેઠાં પાપડ, સાદી અને જાળીવાળી બટાટાની વેફર, સાબુદાણાની ચકરી અને ફરફર, અથાણાં વગેરે બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. વ્યવસાય હજીયે ચાલુ રાખ્યો છે. હવે જાતજાતના સૂકા અને ગરમ નાસ્તા પણ બનાવીએ છીએ. ઘરના બધાનો સહકાર મળે છે. હું અને બે વહુઓ મળીને બધે પહોંચી વળીએ. કામ કરવાનો ક્યારેય કંટાળો આવતો નથી. આ ઉંમરે નખમાંય રોગ નથી. ખેલકૂદની હરીફાઈઓમાં ભાગ લેવો, પૌત્ર-પૌત્રીઓ અને વૈષ્ણવો સાથે નાચવું-ગાવું, સજીધજીને ફરવું અને લીલાલહેર કરવા. મોજમાં રહેવું અને જાત મહેનત ઝિંદાબાદ એ જ મારો જીવનમંત્ર છે.’

   ઘરમાં વહુ આવી જાય એટલે મહિલાઓ નિવૃત્ત થઈ જાય. હવે ઉંમર થઈ ગઈ એવું સ્વીકારી ઠાવકાં બનીને રહેવા લાગે. જોકે રજનીબહેન નોખી માટીનાં છે. 

columnists Varsha Chitaliya